પોરબંદર માં માનસિક અસ્થિર યુવતી પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેનાર શખ્શ ને કોર્ટે અંતિમ શ્વાસ સુધી ની સખ્ત કેદ ની સજા ફટકારી છે.
આ ગુન્હાની ટૂંકી હકીકત એવી છે કે, આ ગામના ફરીયાદીની માનસિક રીતે અસ્થિર મગજ ધરાવતી દીકરીને છેલ્લા ત્રણેક માસથી માસિકધર્મ (પીરીયડ) આવેલ ન હોવાથી ફરીયાદી (ભોગ બનનારની માતા) દ્વારા આ બાબતે ભોગ બનનારને પૂછતા તેણી કોઈ જવાબ આપ્યા વગર રડવા લાગેલ જેથી ફરીયાદી દ્વારા ભોગ બનનારને પ્રેમપૂર્વક સમજાવી છાની રાખેલ અને કોઇપણ જાતના ડર કે બીક વગર જે પણ હકીકત હોય તે જણાવવા કહેલ જેથી ભોગ બનનાર દ્વારા જણાવેલ કે, ‘હા, મા તમે ઘરકામ કરવા જતા એ પપ્પા ભાઈ સાથે કામ ઉપર જતા ત્યારે આરોપી સામત દેવાભાઇ ભાદરવડા છેલ્લા ત્રણેક માસ દરમિયાન ઘણી વખત બપોરના સમયે મને તેના ઘરે છાશ પીવા માટે બોલાવતા અને હું ત્યાં જતી એટલે મને છાશ પીવડાવતા અને હું ત્યાં જતી એટલે તેઓ મને છાશ પીવડાવતા અને પછી મારા કપડા ઉતારી મારી સાથે ખરાબ કામ કરતા હતા.’ ત્યારબાદ ફરીયાદી દ્વારા આ બનાવ સંબંધે પોતાના દીકરાને વાત કરેલ અને પછી ભોગ બનનારને લઈ ડોકટર પાસે ગયેલ ત્યાં ભોગ બનનારનું પ્રાથમિક નિદાન કરતા તેણીને ત્રણ માસનો ગર્ભ રહેલ હોવાનું જાણવા મળેલ જેથી તેઓ ભોગ બનનારને લઇ સખી વન સ્ટોપને મળેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ ત્યારબાદ સદર બનાવ અંગે આરોપી સામત દેવાભાઈ ભાદરવડા વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી વિરુધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુન્હા મુજબ તથા આઈ.પી.એસ.ની કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
વધુમાં કેસની તપાસ ચાલતા દરમિયાન આ કામના ફરીયાદી, ભોગ બનનારની માતા દ્વારા પોતાની દીકરી માનસિક રીતે અસ્થિરતા (મંદબુધ્ધિ) ધરાવતી હોવાથી તેઓની દીકરીને રહી ગયેલ ગર્ભનું ટર્મીનેશન કરાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવેલ. જે અન્વયે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી રૂલ્સમાં નિયત કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ પેનલ ડોકટરો તરફથી આપવામાં આવેલ ઓપિનિયન ધ્યાને લઇ કોર્ટ દ્વારા ભોગ બનનારને રહેલ ગર્ભનું ટર્મિનેશન કરાવવા અંગેની અરજી મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ હતો.
સેન્સ કેસ નં. ૪૨/૨૦૨૩ના કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર તરીકે સુધિરસિંહ જેઠવા રોકાયેલા હતા. તેઓ દ્વારા ૩૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૨૨ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી સામત દેવાભાઈ ભારવડા રહેઃ બોખીરા તુંબડા, તા.જી. પોરબંદરવાળાને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એચ.પઠાણ દ્વારા આઈ.પી.સી. ની કલમ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તેમજ રૂા. ૩,૫૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.