હાલમાં ડિસેમ્બર મહિનો અંતિમ તબકકામાં પહોંચ્યો છે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન પોરબંદર ખાતે જુદી-જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળ પરિવાર અને મોદી પરિવારના સૌજન્યથી આ પ્રવાસી બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન પ્રસાદીના સેવાયજ્ઞનો રેલ્વે સ્ટેશન સામે ભાણજી લવજી સેનેટરી ખાતે શુભારંભ । થઇ ચૂકયો છે અને તેનો બાળકો લાભ લઇ રહ્યા છે ત્યારે વધુને વધુ પ્રવાસી બાળકોને લાભ મળે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે માટે પોરબંદર ખાતે પ્રવાસમાં આવતા શાળાના બાળકોની નોંધણી ત્રણ દિવસ અગાઉ કરાવી દે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં પ્રવાસઅર્થે આવતા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા શિયાળ અને મોદી પરિવાર દ્વારા કરવામાં આવી છે. જેની વિગત એવી છે કે પોરબંદર એ ગાંધી જન્મભુમિની સાથોસાથ શ્રી કૃષ્ણસખા સુદામાની પાવનભુમિ છે અને અહીં વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે અને પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત સાંદીપની આશ્રમ ઉપરાંત ફરવાલાયક રમણીય દરિયાકાંઠો આવેલ હોવાથી પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સ્કુલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે.ત્યારે સ્વ.હીરાલાલભાઈ (ઇકુભાઈ) ગગનભાઈ શિયાળના સ્મરણાર્થે રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ અને મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમાં ગાંધી-સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજયની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે મહાપ્રસાદી (જમવા) ની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેનો લાભ લેવા સર્વે શાળા સંચાલકોને શિયાળ તથા મોદી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સામાજિક અગ્રણીઓની અનેરી સેવા
સુદામા પૂરી પોરબંદરમાં અનેકવિધ સેવા કાર્યો અનેકવિધ સંસ્થાઓ દ્વારા બારેમાસ ધમધમતા હોય છે જેમાં પોરબંદર શહેરના સામાજિક અગ્રણીઓ નોખી અનોખી સેવા પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે અને પોરબંદરની જે જૂની છાપ છે તેને ભુંસવા માટે સતત સક્રિય રહે છે ત્યારે પોરબંદરના સામાજિક અગ્રણીઓ મનુભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળ અને સ્વ. હીરાલાલભાઈ શિયાળ પરિવારના મયુરભાઈ હિરાલાલભાઈ શિયાળ અને હિરેનભાઈ હિરાલાલભાઈ શિયાળ પરીવાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર શહેરના પ્રવાસે આવતા રાજ્યોની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથો સાથે સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે.
પ્રવાસી બાળકોનો ભોજનનો ખર્ચ બચે તે માટે વિશિષ્ટ અભિયાન
ગાંધી સુઘમાની નગરી પોરબંદરએ પ્રવાસનધામ છે અને જયાં દરરોજ હજારો પ્રવાસીઓ ફરવા માટે અને દર્શનાર્થે ઉમટી પડે છે. તેમાં પણ હાલમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી રાજયભરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસના આયોજન થાય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ અચૂકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે. ત્યારે પોરબંદરના જાણીતા સામાજિક ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મનુભાઈ મોદીને ધ્યાને એવી બાબત આવી હતી કે, બહારથી આવતા વિદ્યાર્થીઓ ને પોરબંદરમાં પ્રવાસમાં જ્યારે લાવવામાં આવે છે ત્યારે તેઓને જો સાથે ભોજન લઈને આવ્યા ના હોય તો જમવામાં હોટલોનો સહારો લેવો પડે છે અને ત્યાં વિદ્યાર્થી દીઠ ખૂબ મોટો ખર્ચ થતો હોય છે આથી હર હંમેશ નોખી અનોખી સેવા પ્રવૃત્તિ કરતા મનુભાઈ મોદી અને તેમના પુત્ર સાગરભાઈ મોદી દ્વારા આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મનુભાઈ મોદીના ખાસ મિત્ર અને પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ એવા સેવા પ્રવૃત્તિ કરતા રણછોડભાઈ શિયાળ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હીરાલાલભાઈ શિયાળના પુત્રો મયુરભાઈ હિરાલાલભાઈ શિયાળ અને હિરેનભાઈ હિરાલાલભાઈ શિયાળ સાથે આ બાબતે ચર્ચા થતાં તેઓએ એવું નક્કી કર્યું હતું કે, પોરબંદર શહેરમાં પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને જો પોરબંદરમાં નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો શહેરના સેવા કાર્યોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. અને તાત્કાલિક આ મુદ્દાને વધાવી લઈને મોદી અને શિયાળ એમ બંને પરિવારોએ એવો નિર્ણય કર્યો કે પોરબંદર ખાતે પ્રવાસમાં આવતા તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરૂ કરીએ અને ભાણજી લવજી સેનેટરીયમ ખાતે મહાપ્રસાદિની વ્યવસ્થા માટે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ સેવાયજ્ઞને જાણકારી માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય અને વિશ્વભરમાં પહોંચાડવામાં આવ્યો હતો. જેના ફળ સ્વરૂપ અસંખ્ય શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર આવે છે ત્યારે અગાઉથી મનુભાઈ મોદીને ફોન પર જાણ કરે છે અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
ગત વર્ષે ૨૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ
મનુભાઈ મોદી, સાગરભાઈ મોદી અને રણછોડભાઈ શિયાળ તથા મયુરભાઈ હિરાલાલભાઈ શિયાળ અને હિરેનભાઈ હિરાલાલભાઈ શિયાળ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગત વર્ષે રોકડિયા હનુમાન મંદિર ખાતે અંઘજે ૨૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો વિનામૂલ્ય મહાપ્રસાદી જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે તેઓ અહીંથી બહાર જાય ત્યારે રસ્તામાં ભૂખ લાગે તો જઠરાગ્નિ ઠારી શકે તે માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. એટલે રોકડિયા હનુમાન મંદિર ખાતે ભરપેટ ભોજન લીધા બાદ પ્રવાસી બાળકો જ્યારે પોતાના વતન જાય ત્યાં સુધી રસ્તામાં તેઓને નાસ્તો મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને ત્યારબાદ જ તેઓને વિદ્યય કરવામાં આવે છે.
સેવાકાર્યનો હેતુ
આ પ્રકારના વિશિષ્ટ સેવા કાર્યોને હેતુને વર્ણવતા મનુભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળ તથા મયુરભાઈ હિરાલાલભાઈ શિયાળ અને હિરેનભાઈ હિરાલાલભાઈ શિયાળે જણાવ્યું હતું કે, ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે અંદાજે ૨૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો વિનામૂલ્ય મહાપ્રસાદી જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે તેઓ અહીંથી બહાર જાય ત્યારે રસ્તામાં ભૂખ લાગે તો જઠરાગ્નિ ઠારી શકે તે માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. એટલે રોકડિયા હનુમાન મંદિર ખાતે ભરપેટ ભોજન લીધા બાદ પ્રવાસી બાળકો જ્યારે પોતાના વતન જાય ત્યાં સુધી રસ્તામાં તેઓને નાસ્તો મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને ત્યારબાદ જ તેઓને વિદ્યય કરવામાં આવે છે. ગાંધી સુદામાની નગરી પોરબંદર એ પ્રવાસીઓ માટે કેન્દ્રબિંદુ છે અને જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ પોરબંદરની મુલાકાતે આવે ત્યારે શહેરની સારી છાપ લઈને તેઓ પરત જાય અને પોરબંદર પ્રત્યેની કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય તો દૂર થાય તેમ જ તેમને ભરપેટ ભોજન મળે તે માટેની ઉત્તમ વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને એ રીતે ઠાકોરજીના આશીર્વાદ અમને મળે છે તેવું પણ આ બંને આગેવાનોએ ઉમેર્યું હતું.
શાળા સંચાલકો દ્વારા પણ અપાયો આવકાર
પોરબંદર ખાતે આવતી શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપાલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકાર આપવામાં આવે છે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર આપે છે. જેમાં પણ દાતા પરિવારની દિલેરીને બિરદાવવામાં આવી છે અને જણાવવામાં આવે છે કે, તેમની શાળાના બાળકોને વિનામૂલ્યે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને તમામ બાળકોને ભાવથી જમાડવામાં આવેલ છે તે બદલ અમે આભાર માનીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેને ખુબ જ પ્રતિસાદ મળ્યો હતો અને ૨૫૦૦૦ વિદ્યાર્થીઓએ ભોજનનો લાભ લીધો હતો, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે પણ આ પ્રવૃત્તિની નોંધ લઈને ટ્રીટરના માધ્યમથી બિરદાવી હતી.ત્યારે સતત બીજા વર્ષે થયેલ આ આયોજનને પોરબંદરવાસીઓ બિરદાવી રહ્યા છે.
આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા અપીલ
આ મહાપ્રસાદી (ભોજન) નો લાભ લેવા ઇચ્છતી શાળાના સંચાલકોએ વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલા મનુભાઈ મોદી મો.૯૮૨૫૨૩૦૩૮૪, કાનાભાઈ મો.૯૬૨૪૬૪૨૦૩૧, અક્ષીત કાનાબાર મો.૭૦૧૬૫૯૨૭૦૮ ઉપર જાણ કરવાની રહેશે. ભાણજી લવજી સેનેટરી,રેલ્વે સ્ટેશન સામે, એસ.વી.પી. રોડ, પોરબંદર ખાતે આ મહાપ્રસાદીનું આયોજન બપોરે ૧૧:૩૦ થી ૩:૦૦ દરમિયાન કરવામાં આવેલ છે.આ પ્રસાદી સેવા તા.૧૮.૧૨.૨૦૨૪ બુધવારથી શરૂ કરવામાં આવેલ છે. સંપૂર્ણપણે સ્વખર્ચે થઇ રહી છે સેવાસામાન્ય રીતે આવા અન્નક્ષેત્રો ધમધમતા હોય ત્યારે દાતાઓનો સહયોગ લેવામાં આવતો હોય છે પરંતુ પોરબંદરના મોદી અને શિયાળ પરિવારે એવી નેમ લીધી છે કે, એક પણ રૂપિયો કોઈની પણ પાસેથી લીધા વગર પોરબંદર આવતા બાળકોને ભરપેટ ભોજન જમાડીને તેમના આશીર્વાદ મેળવવા છે અને તેથી જ તેમના દ્વારા આ પ્રવૃત્તિ અવિરત પણે ચાલુ છે. બંને ઘતા પરિવારોએ જણાવ્યું હતું કે ઠાકોરજી અમને જે આપ્યું છે એમાંથી અમે ઠાકોરજીનો પ્રસાદ આ બાળકોને પીરસી રહ્યા છીએ અને તેમના વધુ આશીર્વાદ મેળવી રહ્યા છીએ તેનાથી વિશેષ કોઈ આશા અપેક્ષા અમે રાખી નથી.