પોરબંદર માં જન્માષ્ટમી ના લોકમેળા નું આયોજન કરાયું છે જેને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે., ત્યારે આ લોકમેળા પહેલા વિવિધ બેંકો ના સહયોગ થી એસબીઆઈ લીડ બેંક દ્વારા લોન મેળા નું આયોજન કરાયું હતું જેમાં ૧૪૩૬ લાભાર્થીઓ ને ૫૦ કરોડ થી વધુ રકમ ની લોન ના ચેક નું વિતરણ કરાયું હતું.
પોરબંદર જિલ્લાની વિવિધ બેંકોના સહકારથી એસ.બી.આઈ લીડ બેંક દ્વારા તા.૨૨ ના રોજ બિરલા હોલ પોરબંદર ખાતે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ, લોન મેળો યોજાયો હતો. જેમાં ૧૪૩૬ લાભાર્થીઓને રૂ.૫૦ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા હતા. ઉપરાંત સરકારની ફ્લેગશીપ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.
આ લોનમેળામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સહિત યોજના હેઠળ અરજદારોને મંજૂરી પત્રકો અપાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીએ અરજદારોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, છેવાડાના માનવીના વિકાસ માટે, નાગરિકોની સુખાકારી માટે વર્ષ ૧૯૬૯ મા પ્રાઇવેટ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકોને સરળતાથી લોન મળે, ધંધો વ્યવસાય, શિક્ષણ, કૃષિ સહિત ક્ષેત્રે લોન આપવામાં આવે છે. બેંકે આપેલા પૈસા દેશના નાગરિકોના છે. આ પૈસાનો સદુપયોગ થાય અને સમયસર બેંકને પૈસાની ભરપાઈ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ તકે જિલ્લા કલેકટરે લાભાર્થીઓને ચેક વિતરણ કરવાની સાથે સતત પ્રગતિ કરી દેશના વિકાસમાં સહયોગ પૂરો પાડતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે એસબીઆઇ બેન્કના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભુપેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું કે, સોસાયટીના વિકાસ માટે બેંકની સેવા અને લોન આપવામાં આવે છે. જો કોઈ બેંકમાં લોન માટે પૈસા માગવામાં આવે તો બેંકના હેડનો સંપર્ક કરવો. આ ઉપરાંત એજન્ટ દ્વારા લોન લેવા કરતાં સીધો જ બેન્કનો સંપર્ક કરવો. બેંકના કર્મચારીઓ બેન્કિંગ સેવા માટે હોય છે. આ ઉપરાંત તેમણે અટલ પેન્શન યોજના, પી.એમ.જે.જે.બી.વાય, પી. એમ.એસ.બી.વાય સહિત યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.
આ તકે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન લીડ બેંકના ડિસ્ટ્રિક્ટ મેનેજર આર.કે. મીનાએ કરી લોન મેળા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
લોન મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ધર્મેશ પરમાર, ફિશરીઝ વિભાગના આસી. ડાયરેકટર તુષાર કોટિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા આ ઉપરાંત વિવિધ બેન્કોના મેનેજર, સહિત સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









