માધવપુર નજીક ઘેડ પંથક ના પાતા ગામની ભાયાણી સીમ વિસ્તારમાં સિંહ સિંહણ નજરે ચડ્યા હોવાની માહિતી મળતા વન વિભાગ ની ટીમ સ્થળ પર દોડી ગઈ છે.
માધવપુર ના પાતા ગામ નજીક આવેલ ભાયાણી સીમ વિસ્તાર માં આજે સવારે સિંહ અને સિંહણ ની જોડી આવી ચડી છે. જે અંગે સ્થાનિકો એ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ની ટીમ પણ તપાસ માટે દોડી ગઈ છે. સિંહ સિંહણ ની જોડી જ્યાં જોવા મળી છે. ત્યાંથી જુનાગઢ નજીક હોવાથી તે તરફ થી આવી ચડી હોવાનું અનુમાન છે. અને ગત વર્ષે પણ આ વિસ્તાર માં જે સિંહ જોવા મળ્યો હતો તે સિંહ જ હોવાની શક્યતા છે. સિંહ સિંહણ દિવસના ભાગે ગુફા જેવી જગ્યા માં સંતાઈ ને રહે છે. અને રાત્રે બહાર નીકળતા હોવાનું સ્થાનિકો એ જણાવ્યું હતું.
વન વિભાગે સમગ્ર વિસ્તાર માં વોચ ગોઠવી છે. અને પંજા ના નિશાન ના આધારે પગેરું મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 143 વર્ષ પછી બરડા ડુંગર તરફ કુદરતી તરીતે આવેલ કોલંબસ સિંહ પણ માધવપુર ની આ દરિયાઈ પટ્ટી ઉપર થઈને પોરબંદર આવ્યો હતો. અને ત્યાંથી બરડા ડુંગરમાં ગયો હતો ત્યારે તે જ પરંપરા જાળવી રાખીને વધુ એક સિંહ સિંહણની જોડી દરિયાઈ પટ્ટી ઉપર થી માધવપુર પહોંચતા સિંહ પ્રેમીઓ માં રોમાંચ જોવા મળે છે. જાણકારો એ આપેલ માહિતી મુજબ નવેમ્બર થી જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન સિંહો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઈગ્રેટ કરતા હોય છે. હાલ તેનો માઈગ્રેસન નો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે આ સિંહ સિંહણ પોરબંદર તરફ આગળ વધી અને બરડા તરફ જાય તેવી પણ સંભાવના છે.
આ મામલે નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજે જણાવ્યું છે કે પાતા ની ભાયાણી સીમ માં સિંહ અને સિંહણ નજરે ચડ્યા છે જે રેવન્યુ નહી પરંતુ ફોરેસ્ટ વિસ્તાર માં જ છે અને વન વિભાગ ની ટીમ સતત તેના પર વોચ રાખી રહી છે આથી લોકો ને પણ કોઈ ભય ન રાખવા તેઓએ અપીલ કરી છે વધુ માં તેઓએ જણાવ્યું હતું કે સિંહ સિંહણ ની ઘણા સમય થી માંગરોળ – માધવપુર ના કોસ્ટલ એરિયામાં મૂવમેન્ટ છે જ
(નોંધ સમાચાર સાથે મુકવામાં આવેલ સિંહ સિંહણ ની તસ્વીર માત્ર પ્રતીકાત્મક છે )