પોરબંદરના નેવલબેઝ અને નેવી ચિલ્ડ્રન સ્કૂલ વિસ્તારમાં છેલ્લા દસ દિવસ થી દીપડા એ પડાવ નાખ્યો છે. ગત રાત્રે ચિલ્ડ્રન સ્કુલ નજીક દીપડો નજરે ચડતા અગમચેતીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. અને વનવિભાગે ચાર પાંજરા મૂકી દીપડા ને પકડવા કવાયત હાથ ધરી છે.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ નેવલ બેઝ અને નેવી ચિલ્ડ્રન સ્કૂલ અને આજુબાજુ ના વિસ્તાર માં છેલ્લા દસ દિવસ થી દીપડા એ પડાવ નાખ્યો છે. જે અંગે વન વિભાગ ને જાણ થતા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આર એફ ઓ સામતભાઈ ભમ્મરે જણાવ્યુ હતુ કે દસ દિવસ પૂર્વે નેવલ બેઝ વિસ્તાર માં દીપડા એ દેખા દેતા ત્યાં પાંજરું મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ વિસ્તાર માં નજરે ચડી રહ્યો છે.
બે દિવસ પહેલા પણ દીપડો નજરે ચડતા તેની હિલચાલ નેવી ના સીસીટીવી કેમેરા માં પણ કેદ થઇ હતી. આસપાસ માં ઝાડી ઝાંખરા વધુ હોવાથી દિવસના ભાગે દીપડો તેમાં જ સંતાયેલ રહે છે. આથી વન વિભાગ દ્વારા ફૂટમાર્ક સહિતની તપાસ કરી અલગ અલગ ૪ સ્થળોએ પાંજરા મૂકી દીપડા ને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જો કે ગત રાત્રે ચિલ્ડ્રન સ્કુલ પાસે જ દીપડા એ દેખા દીધી હોવાથી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે અગમચેતી ના ભાગ રૂપે વિદ્યાર્થીઓ ને શાળા માંથી રજા આપી દેવામાં આવી હતી. જો કે એ વિસ્તાર માં ૪ પાંજરા મુક્યા હોવાથી અહી ૫ દીપડા આવી ચડ્યા હોવાની અફવા ફેલાઈ હતી. ત્યારે વન વિભાગે એક જ દીપડો હોવાની સ્પષ્ટતા કરી છે. અને તેને પણ વહેલીતકે ઝડપી લેવામાં આવશે તેવું જણાવ્યું છે.