પોરબંદર ના કુછડી ગામે સરકારી પડતર જમીન પર ગેરકાયદે ચાલી રહેલી ખાણ ઝડપાઈ છે. તંત્ર દ્વારા અડધા કરોડ નો મુદામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોરબંદર ખાણ ખનીજ વિભાગ તથા ગ્રામ્ય મામલતદાર દ્વારા કુછડી ગામે ચાલતી ખાણો માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કૂછડી ગામની સરકારી પડતર જગ્યા પર બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના બિન અધિકૃત ખનનમાં ઉપયોગમાં આવતો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરાયો છે. જેમાં ૧૪ ચકરડી મશીન, ૫ જનરેટર, ૩ ટ્રેકટર, એક હિટાચી મશીન તથા એક ટ્રોલી મળી અડધા કરોડ થી વધુ રકમ નો મુદામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર ના સર્વે બાદ કેટલી ખનીજચોરી થઇ છે તે સામે આવશે.



