પોરબંદર ના કુછડી ગામે થી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ને પોલીસે સગીરા સાથે રાજસ્થાનના હાઈવે પરની હોટલમાંથી શોધી કાઢ્યા છે.
પોરબંદર ના કુછડી ગામની ૧૭ વર્ષીય સગીરા ને ગત તા.૨૮-૨ના રોજ મોખાણા તથા હાલ કુછડી રહેતો રામા મુરૂભાઇ હુંણ (ઉ.વ.૨૫) નામનો શખ્શ પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી, બદકામ કરવાના ઇરાદાથી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જે અંગે સગીરા ના વાલી એ ફરિયાદ નોંધાવતા આ અંગે ની તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી આઈ એસ.ડી. સાળુંકે એ જાતેથી સંભાળી આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એ.એસ.આઈ. બી. ડી.વાઘેલા ને હ્યુમન રીસોર્સની મદદથી માહિતી મળી હતી કે હાલમાં રામા નવા સીમકાર્ડનો ઉપયોગ કરે છે.
જે મોબાઇલ નંબરનું ટેકનીકલ સપોર્ટથી લોકેશન મેળવતા રામા તથા સગીરા રાજસ્થાનના અજમેર જીલ્લામાં હોવાનું જણાઇ આવ્યું હતું. આથી પોલીસ તુરંત રાજસ્થાન દોડી ગઈ હતી. અને બન્ને ને અજમેર જીલ્લાના સરધનાગામ પાસે હાઇવે પર આવેલ હોટલ ખાતેથી યુકિતપુર્વક શોધી કાઢ્યા હતા. અને બન્ને ને પોરબંદર લાવી સગીરા ના મેડીકલ ચેકઅપ સહિતની આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.