કાંસાબડ ગામે પત્ની સાથે પ્રેમ સબંધ હોવાની શંકા રાખી ગામના જ એક શખ્શે યુવાન અને તેની બહેન પર હુમલો કરતા સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાંસાબડ ગામે સિંધી ફળિયામાં રહેતા દિનેશ એભાભાઇ ઓડેદરા(ઉવ ૨૩) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા.૮-૯ના સાંજે સાડા છ વાગ્યે તે દીવેલીયા સીમમાં આવેલી તેની વાડીએ આંટો મારવા ગયો હતો અને તેને તેના મિત્ર રમેશ ઓડેદરાનો ફોન આવ્યો હતો કે પ્રતાપ માલદે ઓડેદરા અને તેના ભાઇ નવઘણ માલદે એ હોટલ પાસે પડેલ તારા બાઇકમાં તોડફોડ કરી છે અને તને મારવા માટે તારી વાડીએ આવી રહ્યા છે. આથી દિનેશે તેના પિતા એભાભાઇ ઓડેદરાને ફોન કર્યો હતો આથી પિતા એભાભાઇ અને બહેન આશા વાડીએ આવી ગયા હતા અને ત્રણેય વાડીએ હાજર હતા.
એ દરમિયાન કાંસાબડ ગામના જ પ્રતાપ માલદે ઓડેદરા અને તેનો ભાઇ નવઘણ માલદે ઓડેદરા તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તેમના હાથમાં કુહાડી હતી. પ્રતાપે ફરિયાદી દિનેશના માથામાં કુહાડીનો એક ઘા માર્યો હતો આથી તે નીચે પડી ગયો હતો તો બીજી બાજું નવઘણે પણ કુહાડીની મુંદર મારી દીધી હતી. આથી દિનેશને બચાવવા માટે તેના પિતા એભાભાઇ ઓડેદરા અને બહેન આશા વચ્ચે પડયા હતા આથી આશાને પણ પગમાં માલદેએ એક ઘા મારી દીધો હતો. આથી તેને પણ પગમાં લોહી નીકળવા લાગ્યા હતા. ત્યારબાદ બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ ફરીયાદી દિનેશે તેના ગામના નાગા નાથા ઓડેદરાને ફોન કરતા તે આવી ગયો હતો અને બંને ભાઇ-બહેનને કુતિયાણા સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધારે સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવ્યા છે જેમાં બનાવનું કારણ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે ફરીયાદી દિનેશ ઓડેદરાને નવઘણ માલદે ઓડેદરાની પત્ની જસુ સાથે પ્રેમ સંબંધ છે તેવી ખોટી શંકા રાખીને તેનું મનદુઃખ રાખી ફરીયાદીની બાઇકમાં નુકશાન કરી તથા ફરીયાદી અને તેની બહેન ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા પ્રતાપ અને નવઘણ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ બન્ને આરોપી ના પિતા માલદેભાઈ નથુભાઈ ઓડેદરા (ઉવ 60)એ પોતાના ખેતર પાસે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આપઘાત નું કારણ પોલીસ માં એવું જાહેર થયું છે કે માલદેભાઈ ના બન્ને પુત્રો ને તેના જ ગામ માં રહેતા દિનેશ સાથે મારામારી થતા લાગી આવતા આ પગલું ભર્યું છે.બનાવ ના પગલે નાના એવા કાંસાબડ ગામે અરેરાટી વ્યાપી ગઈ છે.