પોરબંદર જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળી હોવાની સાબિતી રૂપ અનેક બનાવ બનતા પોલીસ ની ઊંઘ ઉડી છે. અને બરડા ડુંગર સહીત જીલ્લાભર માં મેગા પ્રોહીબીશન ડ્રાઈવ યોજી અનેક ભઠ્ઠીઓ નો નાશ કર્યો છે. જો કે એક પણ સ્થળે ધંધાર્થી હાથ ન લાગતા અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદર જીલ્લા માં છેલ્લા દસ દિવસ માં હત્યા ના ચાર બનાવ બનતા કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઇ ને પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે આ સ્થિતિ માટે દારૂ નું દુષણ જ જવાબદાર હોય તેમ પોલીસે મેગા પ્રોહીબીશન ડ્રાઈવ નુ આયોજન કર્યું હતું. જેમાં રાણાવાવ પોલીસ, એલ.સી.બી, બગવદર પોલીસ, પેરોલ ફર્લો સ્કોડ,ગ્રામ્ય ડીવાયએસપી કચેરી,સહીત ના પોલીસ સ્ટાફને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી રાણાવાવ તથા બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના બરડા ડુંગર વિસ્તારમાં દેશીદારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં બરડા ડુંગર, જંગલ વિસ્તારમાં સંયુકત રીતે પેટ્રોલીંગ,સર્ચ કરી વીજફાડીયાનેશ, આટીવાળા નેસ ,જાંબુડાનેશ, મોરાપાણી નેશ તથા મોરાણા ગામ વગેરે જગ્યાએ દરોડા પાડી દેશીદારૂ ની ભઠ્ઠીઓ પકડી છે.જો કે પાંચેય સ્થળો એ આ પાંચે બુટલેગરો હાજર મળી આવ્યા નહીં હોવાથી અનેક ચર્ચાઓ જાગી છે. અને પોલીસ કરતા બુટલેગરો નું નેટવર્ક મજબુત હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પર થી ૧૨૬૦૦ લીટર આથા સહિત ૬૫૦૦૦ નો મુદામાલ કબ્જે કરી સંતોષ માનવો પડ્યો હતો.
જો કે મોટા ભાગ ના દરોડા વન વિભાગ હસ્તક ના વિસ્તાર માં પાડવામાં આવ્યા છે. ત્યારે અહી નિયમિત બીટ પર ફરજ બજાવતા વન વિભાગ ના બીટ ગાર્ડ ને આ ભઠ્ઠીઓ દેખાતી નથી કે વન વિભાગ ની મીઠી નજર હેઠળ જ આ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણકે અનેકવિધ દુર્લભ વનસ્પતિ અને આયુર્વેદિક ઓષધીઓથી ભરપુર બરડા ડુંગરમાં વર્ષોથી દેશી દારૂ ની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અહી થી પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને જામનગર એમ ત્રણ જીલ્લા માં દારૂ ની સપ્લાય થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ આ ભઠ્ઠીઓ માટે ડુંગરમાં વૃક્ષોનું આડેધડ છેદન કરી ને પર્યાવરણ ને પણ નુકશાન કરવામાં આવે છે.
૨૪ કલાક માં પ્રોહીબીશન ના ૩૧ ગુન્હા
જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે પ્રોહીબિશનના ૩૧ ગુન્હા નોંધી પોલીસે રેકોર્ડ સર્જ્યો છે જેમાં મોટા ભાગ ના ગુન્હા અવારનવાર દારૂ ના વેચાણ માં ઝડપાતા કેટલાક ચર્ચિત લોકો સામે જ નોંધ્યા છે આવા તત્વો છૂટી ગયા બાદ ફરી જૈસે થે ની જેમ દારૂ નું વેચાણ કરતા હોય છે