પોરબંદર માં કલેકટર ના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમીના લોકમેળા મુદ્દે બેઠક યોજાઈ હતી.જેમાં તેઓએ વિવિધ મુદ્દે ચર્ચા કરી જરૂરી સુચના આપી હતી.
પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમીના લોકમેળા મુદ્દે બેઠક યોજાઈ હતી. જન્માષ્ટમી લોકમેળાના આયોજન અંગે જિલ્લા કલેક્ટરએ વિવિધ મુદ્દે ચર્ચા કરી જરૂરી સુચના આપી હતી. આગ અક્સ્માત, ફાયરસેફ્ટી, પાથરણા, પાર્કિંગ, ઇલેક્ટ્રીક, હરાજી, ટ્રાફિક, લો એન્ડ ઓર્ડર અને જરૂરી બંદોબસ્ત, પીવાના પાણી આરોગ્ય સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.
પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળા-૨૦૨૪ના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન-૧ના સભાખંડ ખાતે યોજવામાં આવેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી કે.ડી. લાખાણી દ્વારા જન્માષ્ટમીના લોક મેળા અંતર્ગત વિવિધ મુદ્દે જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપી હતી. આગ અકસ્માત અને વરસાદની સંભાવનાને ઘ્યાને રાખીને મેળાનો લેઆઉટ પ્લાન બનાવવા, ફાયરસેફટીના પુરતાં સાઘનો રાખવા, ફાયર અને મેડીકલના વાહનો માટે અલાયદી જગ્યા નકિક કરવા અને જરુર જણાય તો સ્ટલોની સંખ્યા મર્યાદીત કરવા, વઘારે સંખ્યામાં એકઝીટ તથા એન્ટ્રી માટેની વ્યવસ્થા, પાથરણાવાળા, પાર્કિંગની જગ્યા અનામત રાખવા, અપસેટપ્રાઇઝ નકિક કરી હરરાજીથી તમામ પ્લોટો ફાળવવા, ઇલેકટ્રીક, મીકેનિકલની તમામ મંજુરી અગાઉથી મેળવવા, મેળામાં જરુરી સાઇનબોર્ડ લગાવવા, આખા મેળા મેદાનમાં કાર્પેટીંગ કરવા, ટ્રાફિક અને લો એન્ડ ઓર્ડર તથા જરુરી બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.
ખાણીપીણીના સ્ટોલમાં અખાદ્ય પદાર્થોથી લોકોના આરોગ્ય ન જોખમાય તેની તકેદારી રાખવા, પીવાના પાણી, શૌચાલયની વિશેષ વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ઉપરાંત લોકમેળા દરમિયાન સમુદ્રના કિનારે લોકોનો જમાવડો રહેતો હોય ત્યાં તરવૈયાઓની ટીમ ગોઠવવાની સાથે પૂરતો બંદોબસ્ત વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા, નિવાસી અધિક કલેકટર આર. એમ. રાયજાદા, નાયબ કલેકટર હેતલબેન જોશી, પ્રાંત અધિકારી પારસ વાંદા, પ્રાંત અધિકારી એસ. એ. જાદવ, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
