તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એજ ઉપક્રમમાં વર્ષે પણ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.
શ્રીહરિ મંદિરમાં રુદ્રાભિષેક એવં વર્ધાપનપૂજા
તા. ૩૧-૦૮-૨૦૨૩, ગુરુવારે સવારે પૂજ્ય ભાઈશ્રી દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ સંકલ્પપૂર્વક શ્રીચંદ્રમોલીશ્વર મહાદેવને રુદ્રાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ માટે ધ્વજાપૂજનવિધિ ઋષિકુમારો દ્વારા કરવામાં આવી અને સર્વેશિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ. ધ્વજારોહણ બાદ પૂજ્ય ભાઈશ્રીની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિમંદિરમાં રાજભોગ આરતી સંપન્ન કરવામાં આવી. આરતી બાદ શ્રીહરિ મંદિરમાં અંગ્રેજી માધ્યમની છાત્રાઓ દ્વારા સુંદર રીતે ગણેશવંદના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીહરિ મંદિરમાં સુસંકલ્પપૂર્વક શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજ્ય ભાઈશ્રી દ્વારા વર્ધાપન પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ઋષિકુમારો દ્વારા પૂજ્ય ભાઇશ્રીને અભિષેકપૂર્વક મંત્રાત્મક આશીર્વાદ આપવામા આવ્યા હતા. આ વિશેષ દિવસે શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનના વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેનો અનેક ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
૬૬દીપ પ્રજ્વલન
પૂજ્ય ભાઈશ્રીના ૬૬મા પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનના સાન્નિધ્યમાં પૂજ્ય ભાઈશ્રી એવં ઉપસ્થિત ગુરુજનો, ટ્રસ્ટીશ્રીઓ, ભાવિકો અને ઋષિકુમારો દ્વારા ૬૬ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા અને એ સમયે સાંદીપનિ ઋષિકુળના ઋષિકુમારો દ્વારા “પૂજ્ય ભાઈશ્રી” આ ૬ અક્ષર પરથી બનાવેલ ૬ શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું અને એ ૬ શ્લોકોનું બનાવેલું પ્રશસ્તિપત્ર ઋષિકુમારો દ્વારા પૂજ્ય ભાઈશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ ઋષિકુમારોને આશીર્વાદ આપ્યા હતા. દીપ પ્રજ્વલન બાદ સાંદીપનિ અંગ્રેજી ગુરુકુળની નાની બાળાઓ દ્વારા રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ એ બધી બાળાઓને ભેટ સહ આશીર્વાદ આપ્યા હતા. આ તકે ઉપસ્થિત અતિથીઓ અને પોરબંદરના ભાવિકો દ્વારા પૂજ્ય ભાઈશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
બાબડા શિવાલયમાં રુદ્રાભિષેક
સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાનો જ્યાંથી પ્રારંભ થયો છે એવા બાબડા ગામે વર્ષોની પરંપરા અનુસાર મહાદેવને લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. પૂજ્ય ભાઈશ્રીના પ્રાકટ્યઉત્સવ નિમિત્તે ઋષિકુમારો દ્વારા પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવનાથી બાબડેશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા અભિયાન
આ ઉપક્રમમાં સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનની અનેક પ્રવૃત્તિઓ દ્વારા જયારે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. ત્યારે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદર શહેરના સુદામા મંદિરના પરિસરમાં સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના ગુરુજનો અને છાત્રો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સૌ છાત્રોએ સુદામામંદિરના પરિસરની સાફ-સફાઈ કરીને પરિસરને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
સેવાકીય પ્રવૃત્તિઓ
રાશનકિટ વિતરણ
આ વિશેષ દિવસે સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી દેશના શહીદવીરના કેટલાક પરિવારજનોને સાંદીપનિ સંસ્થા દ્વારા રાશનકિટ અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈશ્રીની પાવન સાન્નિધ્યમાં ઉપસ્થિત રહેલા ૧૫ જેટલા શહીદવીરના પરિવારજનોને રાશનકિટ અર્પણ કરવામાં આવી.
પ્રજ્ઞાચક્ષુ કલ્યાણ કેમ્પ
આ સેવાદિવસના વિશિષ્ટ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ સંસ્થા ખાતે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ કલ્યાણ કેમ્પ સંપન્ન થયો હતો. જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર દ્વારા ૯૫ પ્રજ્ઞાચક્ષુ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં પોરબંદરની પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ અને અન્ય દર્દીઓને જરુરી સારવાર આપવામાં આવી અને વિશેષતઃ ૦૨ દર્દીઓને આંખનું ઓપરેશન કરીને દૃષ્ટિ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.આ તમામ પ્રજ્ઞાચક્ષુ અને તેમની સાથે આવેલા વડીલોની જમવાની વ્યવસ્થા સાંદીપનિ સંકુલમાં કરવામાં આવી હતી.
બ્લડ ડોનેશન કેમ્પ
આ સાથે સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરના ગુરુકુળમાં સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ દરમ્યાન આશા ચિલ્ડ્રન હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા થેલેસેમીયા અસરગ્રસ્ત દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. જેમાં સાંદીપનિ સંકુલના તમામ કર્મચારીઓ અને ઋષીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૪ બોટલ રક્તદાન એકત્રિત થયું હતું. આ રક્તદાન માટેની વ્યવસ્થા પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા કરવામાં આવી હતી.
પોરબંદરની સંસ્થાઓમાં મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં જી.આઇ.ડી.સી. માં રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં બાળકોને, પ્રાગજી આશ્રમ (ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ)માં રહેતા તમામ મનોરોગીઓને, છાયા ખાતે આવેલ આસ્થા સંસ્થામાં તમામ બાળકોને, સ્વ. ચંદ્રકાન્તભાઈ જોષીની શિશુ કુંજમાં રહેતા તમામ બાળકોને તેમજ રાણા ખીરસરામાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આપવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ
વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ રૂચીનો વિષય રહ્યો છ. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંદીપનિ પરિસરના વિવિધ ભાગોમાં ૨૫૧ જેટલા ચંપાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ગૌશાળામાં ગૌદાન એવં તુલાદાન
આ સિવાય આજે ૩૧મી ઓગષ્ટના રોજ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ ગૌશાળામાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગૌમાતાનું વિધિવત પૂજન કરીને ગૌદાન કરવામાં આવ્યું તો સાથે-સાથે ગૌમાતાના પાલન અને સંરક્ષણના ઉમદા હેતુથી ગૌશાળાની ગાયોને ખાદ્યાન્ન અર્પણ કરવામાં આવ્યું તેમજ એ જ ભાવથી તુલાદાન પણ કરવામાં આવ્યું.
આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બૃહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વૃક્ષારોપણ ગૌસેવા, જરુરિયાતમંદોને રાશનકિટ વિતરણ જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.







