રાજ્યભરમાં નકલી સીમકાર્ડ એકટીવેટ થયાના કૌભાંડનો રેલો પોરબંદરના રાણાવાવ ગામે પણ આવ્યો છે. કે જયાં એક શખ્શ પોતાના પુત્ર અને પરિવારના સભ્યોના ફોટા પાડી ૩૪ સીમકાર્ડ એકટીવેટ કર્યાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે. અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
સીઆઈડી ક્રાઈમ દ્વારા પોરબંદર પોલીસને સિમકાર્ડ અંગેના ઇનપુટ આપ્યા હતા. જેમાં સિમકાર્ડ વેચતા પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) ડીટેઇલ આપી હતી. સિમકાર્ડ વેચતા પીઓએસ અલગ અલગ વ્યકિતનાં નામે સિમકાર્ડ એક્ટિવ કરવા સીએએફ (કોમન એપ્લિકેશન ફોર્મ) વિગતો ભરતા હતા. સિમકાર્ડ વેચતા લોકો ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરીને તેની વિગતો સીએએફમાં ભરતા હતા અને બાદમાં તેમના પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સિમકાર્ડ ખરીદી લેતા હતા તેવા કૌભાંડનો રાણાવાવમાં પણ પર્દાફાશ થયો છે.
જેમાં રાણાવાવના મહેર સમાજ પાસે સ્ટેશન રોડ પર આરામગૃહની સામે રહેતા સુરેશ ગિરધર જોષી પોતે પ્રમોટર તરીકે વોડાફોન કંપનીના સીમકાર્ડ માટે ડેમોના મોબાઇલ દ્વારા રાણાવાવમાં અલગ અલગ જગ્યાએ છત્રી રાખી વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધીમાં પોતાની પાસે વોડાફોનન કંપનીના સીમકાર્ડની ખરીદી માટે આવતા ગ્રાહકોના આધારકાર્ડનો ફોટો પાડી ડેમો મોબાઇલમાં ઓનલાઇન કસ્ટમર એપ્લીકેશન ફોર્મમાં ગ્રાહકની વિગત ભરી ગ્રાહકના કોટાની જગ્યાએ તેના પુત્ર જશવંત સુરેશ જોષી તથા પરિવારના અન્ય સભ્યોના ફોટા પાડીને તેને અપલોડ કરી પી.ઓ.એસ. એજન્ટ તરીકે પોતાનો તથા પરિવારના સભ્યોનો ફોટો પાડી આર્થિક લાભ માટે અને કંપની સાથે વિશ્વાસઘાત કરી બનાવટી સી.એ.એફ.ને ખરા તરીકે કંપનીમાં મોકલી ઓનલાઇન વેરીફીકેશન કરાવી કુલ ૩૪ સીમકાર્ડ અલગ અલગ વ્યક્તિઓના નામે એકટીવેટ કરવામાં આવ્યા હોવાનું પોલીસની તપાસમાં ખૂલતા સુરેશ જોષીની પોલીસ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં તેણે એવું કબુલ્યું હતું કે તેને વોડાફોન કંપની તરફથી સિમકાર્ડ વેચાણ કરવાના એક મહિનાના રૂા. ૮૫૦૦ પગાર મળતો હોય તેમજ એક સિમકાર્ડ વેચાણ કરતી વખતે વોડાફોન કંપનીમાં ચાલતી સ્કીમ મુજબ રૂ।.૫૦ થી રૂા. ૧૦૦ સુધી કમીશન મળતું હોય. કંપની તરફથી અઠવાડીયામાં એક દિવસ આપવામાં આવે ત્યારે વધુ સીમનું વેચાણ કરવાનું હોય તેમજ એક પી.ઓ.એસ.ના ડેમો સીમકાર્ડમાંથી એક મહિનામાં ઓછામાં ઓછું ૧૦૦ સીમકાર્ડ વેચાણ થવું જોઇએ. જે ટારગેટ પૂરો કરવો જરૂરી હોય. જેથી જ્યારે કોઇ અજાણી વ્યક્તિ વોડાફોન કંપનીનું સીમકાર્ડ લેવા આવે ત્યારે તેના ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરી મોબાઇલમાં રાખી લઇ બાદ પી.ઓ.એસ. તરીકે એજન્ટમાં મારા ઘરના સભ્યોના નામે ડેમો સીમકાર્ડ ઇસ્યુ કરેલ હોય તે ડેમો સીમકાર્ડ તથા મારા નામેના ડેમોના સીમકાર્ડમાં માહિતી ભરી લઇ તેમાં મોબાઇલમાં રાખેલડોકયુમેન્ટ મુજબ સી.એ.એફ. ભરી લઈ અને ગ્રાહકના ફોટોગ્રાફસના બદલે પોતાના જ પરિવારના સભ્યોના ફોટોગ્રાફસ નાખ્યા હોવાથી રાણાવાવ પોલીસમાં તેની સામે ગુન્હો નોંધાયો છે અને ધરપકડની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે રાજયમાં સીમકાર્ડના દુરૂપયોગ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે માહિતી સામે આવી છે. જેમાં સિમકાર્ડના દુરૂપયોગને લઇ રાજ્યમાં અનેક ગુન્હા નોંધાયા છે. જેમાં એક જ વ્યક્તિના ફોટાનો દૂરઉપયોગ કરી સીમકાર્ડ એક્ટિવ કરાવવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. વધુમાં રાજ્યભરમાં ૨૯ હજારથી વધુ સિમકાર્ડ ઈસ્યુ થયાનો પણ ઘટસ્ફોટ થયો છે. જેની તપાસમાં સામાન્ય વ્યક્તિના દસ્તાવેજ પર એક જ ફોટો લગાવી સિમકાર્ડ વેચાયા છે. જે સિમ છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, ગેમ્બલિંગ સહિતના ગેરકાયદે કામમાં વપરાતા હોવાની શકયતા હોવાથી હવે પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. દેશભરમાં આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની મોડસ ઓપરેન્ડી પકડાચા પછી ડમી સિમકાર્ડનો ઉપયોગ ટાળવા માટે અનેક કાયા સુધારવામાં આવ્યા છે, પણ, બદલાયેલા કાયદામાંથી છીંડાં શોધી ડમી સિમકાર્ડનાં વેચાણ અને ઉપયોગ કરવાના ગોરખધંધા બેરોકટોક ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. બોગસ કોલ સેન્ટર, ક્રિકેટ સટ્ટો, ખંડણી, ધમકી જેવા અનેક ગંભીર પ્રકારના ગુન્હાને રોકવા માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સિમકાર્ડ વેચનાર લોકો પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે રાણાવાવમાં પણ પોલીસે કાર્યવાહી કરતા ચર્ચા જાગી છે.