રાણાવાવ ગામે ભીખ માંગીને રખડતું ભટકતું જીવન ગુજારતી વૃધ્ધાની તેના સગા ભત્રીજાએ પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી છે. આ વૃધ્ધાનો મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો હોવાથી પોલીસે ફોરેન્સિક પીએમ ની કાર્યવાહી હાથ ધરી છે.
રાણાવાવ ગામે નગરપાલિકાના બગીચા પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતા અને છુટક મજુરી કરતા દેવશી વિસાભાઈ વાઘેલા (ઉવ ૨૦) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેની માતા લીલાબેન (ઉ.વ.૬૦) રખડતું ભટકતું જીવન જીવીને ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા અને ગમે ત્યાં સુઈ જતા હતા. પિતા વિસાભાઈ વાઘેલા ૧૦ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. અને મોટો ભાઈ કચ્છ માં મજુરી કરી ગુજરાન ચલાવે છે. માતા રાણાવાવમાં જ્યાં હોય ત્યાં તેને જમવાનું આપી આવતો હતો. ગતરાત્રે પણ ૧૦ વાગ્યે દેવશી લીલાબેનને શોધતો શોધતો રાણાવાવના બસ ડેપોમાં આવ્યો હતો.
પરંતુ ત્યાં તેની માતા ક્યાય નજરે ચડ્યા ન હતા,આથી ત્યાં રહેલ મુસાફર ને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે એક અજાણ્યો છોકરો ડોશીમાંને લઈને બસ સ્ટેશનની પાછળ ગયો છે આથી દેવશી ડેપોની પાછળ ગયો હતો. ત્યારે તેના મામાનો પુત્ર રાણાવાવના મફતિયાપરામાં રહેતો ભાવેશ બાબુભાઈ દશનામી અંધારામાં દોડીને ભાગી ગયો હતો ,આથી દેવશીએ ત્યાં જઈને જોતા ઘાસમાં તેની માતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા, અને તેના શરીર ઉપર કપડા ન હતા.
આથી તાત્કાલિક મામા સહીત અન્ય સગા સબંધીઓ ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ આવી જતા મૃતદેહને રીક્ષામાં રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે પહોચાડ્યો હતો ત્યાર બાદ દેવશી એ તેની માતાનું પથ્થર ના ઘા મારી મોત નીપજાવવા અંગે મામાના દીકરા ભાવેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જો કે હત્યા નું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હોવાથી વૃધ્ધા પર બળાત્કાર થયો છે કે નહી તે અંગે તપાસ માટે પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે જામનગર ખસેડ્યો છે અઠવાડિયા માં હત્યા ની બીજો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસે આરોપી ભાવેશ ને હસ્તગત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.