પોરબંદર માં વોટ્સેપ ગ્રુપ બનાવી ખાણખનીજ વિભાગ ની દરેક હરકત પર નજર રાખી ગ્રુપ માં શેર કરવા મામલે ફરજ માં રુકાવટ સહિતની કલમ વડે આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
પોરબંદર ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કે.વાય ઉનકડટ (ઉવ ૨૬)નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૯-૮ના સાંજે પાંચ વાગ્યે તેઓ કચેરીએ હાજર હતા. ત્યારે ભૂસ્તરશાસ્ત્રી જી.એચ. આરેઠીયાએ એવું જણાવ્યું હતું કે ભાવપરામાં આવેલ લીઝમાં ગેરકાયદેસર ખનનની ફરીયાદ છે. તેથી તપાસ માટે જવાનું છે.આથી તેઓ અન્ય કર્મચારીઓ સાથે બાતમી વાળી જગ્યાએ ગયા ત્યારે ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સહિત પોલીસ સ્ટાફ હાજર હતો અને પ્રવીણ વિરમભાઇ ગોઢાણીયાની ખાણના મહેતાજી પાવરદાર અરસીભાઇ નવઘણ મોઢવાડીયા તથા રવિ રમેશ વિસાણી ત્યાં હાજર હતા.
અને તેઓ લીઝનું સંચાલન કરતા હોવાથી લીઝના દસ્તાવેજો માંગતા ફાઇલ પોરબંદર હોવાનું જણાવી અરસીભાઇએ પોતાના વોટસએપમાં ફોટા સ્વરૂપે લીઝ દસ્તાવેજ બતાવ્યા હતા. જે જોતા હતા તે દરમ્યાન મોબાઇલમાં ‘શિવ” નામનું વોટસએપ ગ્રુપ શંકાસ્પદ લાગતા ગ્રુપ જોતા તેમાં થયેલા ચેટને જોતા ચોંકી ઉઠયા હતા.કારણકે તેમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરીથી ભાવપરા પહોંચ્યા એ દરમિયાન સરકારી વાહન રોડ પરથી પસાર થઇને કયાં પહોંચ્યું છે. અને કયાં જઇ રહ્યું છે? તેની માહિતી આપતા વોઇસ મેસેજ સાંભળવા મળ્યા હતા. રવિનો મોબાઇલ ચેક કરતા તેમાં પણ તેઓના માધવપુર અને કેશોદ તરફ ચેકિંગ માં ગયા હતા તે વખત ના લોકેશન અંગે મેસેજ અને વોઇસ મેસેજ મળી આવ્યા હતા.
આથી આ અંગે ભૂસ્તરશાસ્ત્રીને વાકેફ કરવામાં આવતા તેમણે તમામ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવતા ફરિયાદ નોંધાવી છે જેમાં સરકારી વાહનો સેવાસદનના કમ્પાઉન્ડમાંથી નીકળે ત્યારથી માંડી ને ગંતવ્યસ્થાન સુધી પહોંચે ત્યાં સુધીમાં કોઇપણ અસામાજિક તત્વો કે ખનીજના ધંધા સાથે સંકળાયેલા હોવાની શકયતા છે જે વોટસએપ ગ્રુપનો ઉપયોગ કરી સરકારી ગાડીના લોકેશનના તેમજ ગાડીનો પીછો કરી રેકી કરી, કઇ કઇ જગ્યાએ પહોંચ્યા તેના મેસેજ મુકે છે જેથી ખાણ ખનીજની ટીમની કામગીરીમાં અડચણ ઉભી થતાં ખનીજચોરીની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળતા મળે તેમ હોવાથી ત્રણ વ્યક્તિઓ અરસી નવઘણ મોઢવાડીયા, રવિ રમેશ વિસાણી, મેહુલ માવદીયા સામે નામજોગ તથા અન્ય પાંચ અલગ અલગ મોબાઈલ નંબરના વપરાશકર્તાઓ સામે પૂર્વ આયોજિત કાવતરું રચી વોટસએપના માધ્યમથી ફોટા અને વોઇસ મેસેજ સેર કરી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ફરજમાં અડચણ ઉભી કરવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અધિકારીઓની રેકી ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે.
શું હતું વોટ્સેપ મેસેજ માં
રવિના મોબાઇલમાંથી પણ ચોંકાવનારા મેસેજ અને વોઇસ મેસેજ મળી આવ્યા હતા. જેમાં મોબાઇલ નંબર ૯૭૨૭૦ ૫૨૩૬૬ ના વપરાશકર્તા મુચ્છાર ભીમા નામ નંબરની પ્રોફાઇલ ધરાવતા મેમ્બરે ૧૦:૦૮ મિનીટે પાડેલા ફોટા જોવા મળ્યા હતા. આ ફોટોગ્રાફ ખાણખનીજ ખાતાની ફરીયાદીની સરકારી બોલેરોના હતા. ત્યારબાદ ઓડીયો કલીપ હતી જેમાં ‘છસ્સો છન્નુ’ કે જે ગાડીના નંબર છે. તે સુદામાચોક પોરબંદરમાં છે તેવું એક વ્યક્તિ બોલે છે. ત્યારબાદ તા.૮-૮ના વોટસએપ ચેકમાં લખમણ નામ નંબરની પ્રોફાઇલ ધરાવતા ગ્રુપ મેમ્બરે મો. ૯૬૬૪૬ ૭૭૧૨૨ ઉપરથી જાતે રેકોર્ડ કરેલી ઓડીયો કલીપ ‘રાતડી, કાંટેલા કુછડી ત્રીજા માઇલ કોલીખડા બાયપાસ સુધી રનીંગ’ તેવું એક વ્યક્તિ બોલેછે.
ત્યારબાદ તા. ૯-૮ના ચેટમાં શિવપાર્વતીજીનો ફોટો સેર થયો છે તેની નીચે માવદીયા મેહુલ નામ નંબરની પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિએ મો.નં. ૭૫૭૫૮ ૪૫૮૬૩ ઉપરથી ૬:૨૨ મિનીટે ફોરવર્ડ કરેલા ઓડીયોમાં ‘હલ્લો ભાઇ ૦૬૯૬ મોચાથી માધવપુર બાજુ આવે છે.” આવું બોલે છે. ત્યારબાદ મેહુલ માવદીયા નામના ગ્રુપ મેમ્બર દ્વારા ૬:૩૨ મિનિટે ફોરવર્ડ કરેલ કલીપમાં ‘હલોભાઇ ૦૯૬૯ દેલવાડીયા પુગી, મારી ગાડી રોયલ્ટી ચેક કરી જાવા દીધી છે અને એ જાય છે હવે મૂળ માધવપુર’ એવું એક વ્યક્તિ બોલે છે. ત્યારબાદ માવદીયા મેહુલ નામની પ્રોફાઇલ ધરાવતા ગ્રુપ મેમ્બરે ૬:૩૩ મિનિટે ઓડીયો કલીપમાં ‘૬૯૬ મૂળ માધવપુરથી ગુંદાળી ચેકપોસ્ટ કોરા ગઈ” તેમ બોલે છે.
ત્યાર બાદ એ જ નંબર પરથી ૬:૩૫ મિનિટે ‘ હલ્લો ભાઇ, ગુંદાળી છે, ગુંદાળી ચેકપોસ્ટ બાજુ ગઇ હો ભા’ ત્યારબાદ ૬:૪૬ મિનિટે ઓડીયો કલીપમાં ‘એ ભાઇ ખનીજની ગાડી રીલ પેટ્રોલપમ્પથી મારે મોર થઇ હવે આગળ આગળ જાય કયાંય રોકાવીએ તો મેસેજ નાખ’ એવું બોલવામાં આવે છે. ત્યારબાદ એ જ નંબર પરથી ૬:૫૯ મિનિટે ‘હાલ્લો ભાઇ ઓલા ખનીજવાળા કેશોદ ચોકડીથી મારી મોર થયા, હવે આગળ આગળ જાય વેરાવળ બાજુ હવે કયાંય ઉભશે તો મેસેજ નાખીશ’ ત્યારબાદ ખૂંટી સંજય નામની પ્રોફાઇલ ધરાવતા ગ્રુપ મેમ્બરે કોઇ પાસપોર્ટસાઇઝનો ફોટો મૂકીને ‘ખૂંટી ઉમેશ કરશન આજે બપોરે પંચવટી વડોદરાથી ગુમ થયેલ છે.’ તેવું લખાણ લખ્યું હતું.
ત્યારબાદ ફરી માવદીયા મેહુલે ફોરવર્ડેડ ઓડીયો કલીપમાં શાંતિપરા વટીને વેરાવળ બાજુ જા’ અને ૭:૫૬ મિનિટે ‘ખનીજની ગાડી સુતરાપાડા ફાટકે છે હો ભા’ ત્યારબાદ ૪:૪૬ મિનિટે ‘આમ ગડુ બાજુ આવે છે અમે જંગલ ટપ્યા, અમે એની વાંસે જ છીએ” એવું એક વ્યક્તિ બોલે છે. ત્યારબાદ ઓડેદરા રાજુ ૯૮૨૫૨ ૨૯૫૨૭ નંબરની પ્રોફાઇલ ધરાવતા ગ્રુપ મેમ્બરે પોતે બોલેલ ઓડીયોકલીપમાં ‘ખનીજનો બોલેરો ત્રણ માઇલથી કુછડી બા’ તેવું બોલે છે. ત્યારપછી પી.ડી.મોરી નામ નંબર પ્રોફાઇલ ધરાવતા ગ્રુપ મેમ્બર દ્વારા ઓડીયો કલીપમાં ‘હા ભાઇ, ખનીજની ગાડી રાતડી થી પાલખડા બા” એટલું બોલે છે અને છેલ્લે ડી.ડી. નામ નંબરની પ્રોફાઇલ ધરાવતા ગ્રુપ મેમ્બર દ્વારા ફોરવર્ડેડ ઓડીયોમાં ‘હલ્લોભાઇ પોરબંદર ખનીજ હો જાય આમ ગુંદાળી ચેકપોસ્ટથી મૂળ માધવપુર બા’ તેમ એક વ્યક્તિ બોલે છે.