જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના સંદર્ભે શૈક્ષણિક અને વહીવટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં શાળા ના આચાર્યો જોડાયા હતા.
પોરબંદર ના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યઓને વિવિધ પ્રકારના વહીવટી માર્ગદર્શન માટે તેમજ શાળાની ગુણવત્તા સુધારણા અને પરિણામ સુધારણા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના સંદર્ભે એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમ શિબિરનું ડાયટ ખાતે આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કે ડી કણસાગરા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. ડાયટ ના ઉત્સાહી પ્રોફેસર ડો. યુ ડી મહેતા દ્વારા તમામ તજજ્ઞો અને આચાર્યોને આવકારેલ અને તાલીમ અંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના સંદર્ભે આચાર્યોની ભૂમિકા પર પ્રકાશ પાડેલ.
કર્મચારીઓની સેવાપોથીના લગતા વિવિધ પ્રશ્નો, શાળા સંચાલન ને લગતા વહીવટી પ્રશ્નો, વિવિધ રજાના નિયમો માધ્યમિક શિક્ષણ નિયમો વિનિયમો મુજબની જોગવાઈઓ, આચાર્યની ફરજો, ગુણવત્તા યુક્ત શિક્ષણ, શ્રેષ્ઠ શાળાની રચના, વિદ્યાર્થીઓના પરિણામની સુધારણા વગેરે મુદ્દાઓ પર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે.ડી. કણસાગરા સાહેબ તેમજ કચેરીના વર્ગ ૨ના અધિકારીઓ શ્રી હર્ષવર્ધન જાડેજા, નમ્રતા વાઘેલા અને એસ.એસ સોની દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરા દ્વારા તેમના બહોળા વહીવટી અને શૈક્ષણિક જીવનના અનુભવો નો નિચોડ તાલીમ દરમિયાન પીરસવામાં આવેલ તેમજ આચાર્યના વિવિધ પ્રશ્નોનું પણ નિરાકરણ તેમના દ્વારા કરવામાં આવેલ. આ તકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. અલ્તાફ રાઠોડ તેમજ પ્રોફેસર યુ ડી મહેતાનો તાલીમના શ્રેષ્ઠ આયોજન બદલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પરિવાર દ્વારા આભાર માનવામાં આવેલ. જિલ્લાની 60 થી વધુ શાળાના આચાર્યઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.