પોરબંદરમાં સાસુ સાથે તેના જમાઇએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને તેને ચલાવવા આપેલી કારના બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની અને ત્યારબાદ જમાઇ ગુમ થઇ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પોરબંદરના જ્યુબેલી મહારાજબાગ રોડ ઉપર બરડાઇ બ્રહ્મસમાજની વંડીની ગલીમાં રહેતા જ્યોતિબેન મહેશકુમાર રાયકુંડલીયા (ઉવ ૫૭) નામના મહિલાએ એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પતિને ખાખચોકમાં બેટરીની દુકાન છે અને તેની નાની દીકરી ભૂમિકાએ ઇ.સ.૨૦૧૮ની સાલમાં પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા અમર અનિલભાઈ બારચ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને એ સમયે તે શહેરની બિરલા ફેકટરીમાં કામ ઉપર જતો હતો. અને લગ્નબાદ તેને ત્યાં એક બાળકીનો જન્મ પણ થયો હતો. પછી તેણે બીરલાફેક્ટરીમાંથી નોકરી મૂકી દીધી હતી અને બેકાર ફરતો હતો.
તેથી જ્યોતિબેનના ઘરના સભ્યોએ જમાઇ અમરને કોઇ કામધંધો ગોઠવી આપવાનું નક્કી કર્યુ હતું. આથી ફરીયાદી જયોતિબેન તથા તેની પુત્રી ભૂમિકા અને જમાઇ અમર ઇ.સ. ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં રાજકોટ ગયા હતા અને ત્યાં સલીમભાઇ પટેલ પાસેથી બે વર્ષ જૂની સેકન્ડહેન્ડ સ્વીફ્ટ ડિઝાયર કાર જેની કિંમત ૫,૭૫,૦૦૦ થાય છે. તે જ્યોતિબહેને તેના નામે ખરીદી હતી જેમાં સવા લાખ રોકડા અને બાકીના સાડાચાર લાખની રાજકોટના એજન્ટ મારફતે એચ.ડી.એફ.સી. બેન્કમાંથી નોંધ લીધી હતી અને જેનો માસિક હપ્તો ૧૦,૮૦૦ હતો. આ કાર પોરબંદર તેઓ વાપરતા હતા.
ત્યારબાદ પોરબંદર આવ્યા પછી જુન-૨૦૨૦માં જ્યોતિબહેને તેના પરિવારજનોની સહમતીથી ફોરવ્હીલ તેના જમાઇ અમર બારચને ચલાવવા માટે આપી હતી અને જમાઇને જણાવ્યું હતું કે, ‘ફોર વ્હીલ તમે ચલાવજો અને હપ્તા તમે નિયમિત ભરજો” ત્યારબાદ જમાઇ આ કાર વરધીમાં ચલાવતો હતો અને જમાઇએ છ જેટલા હપ્તા ભર્યા હતા અને બે હપ્તા ફરીયાદીના દીકરાએ ભર્યા હતા. ત્યારબાદ જમાઇ પાસે જ ગાડીનો કબજો હતો.
તા.૧૭-૯-૨૦૨૧ના ફરીયાદી જયોતિબેનની પુત્રી ભૂમિકાએ એવી જાણ કરી હતી કે તેનો પતિ અમર તેને અને દીકરીને મૂકીને કયાંક જતો રહ્યો છે. અને ફોન પણ સ્વીચ ઓફફ આવે છે. આથી દીકરીને તેની માતા પિયરીયે લાવી હતી અને જમાઇ ગુમ થઇ ગયા હોવાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી દીધી હતી. પરંતુ તેનો કોઇ પતો મળ્યો ન હતો. એ દરમ્યાન ફરીચાદી મહિલાએ તેની રીતે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે તેની કાર પોરબંદરની જુની કોર્ટ કમ્પાઉન્ડમાં રહેતા ગંભીરસિંહ જેઠવા પાસે છે. આથી તેની પાસેથી ગાડી પરત મેળવવા માટે અરજી કરી હતી.
પરંતુ ગંભીરસિંહ જેઠવા પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે તેની પાસે ફોરવ્હીલ ખરીદ -વેચાણનું તા. ૧૦-૮- ૨૧નું સ્ટેમ્પ પેપરમાં ફોરવ્હીલ ખરીદવેચાણનું લખાણ હતું અને એ સ્ટેમ્પ જમાઇ અમરના નામે ખરીદેલ હતું. જેના ટી. ટી.ઓ.ફોર્મ અને વેચાણ કરારમાં ફરીયાદી મહિલાની ખોટી સહી કરેલ હતી. તેમણે કોઇપણ વ્યક્તિને આવી સહી કરી આપી નહીં હોવાનું ફરીયાદમાં જણાવીને ઉમેર્યુ હતું કે ગંભીરસિંહ જેઠવાએ ખોટી સહીવાળું ફોર્મ અને વેચાણ કરાર મેળવીને ગાડીનો કબ્જો રાખી લીધો છે. તેથી જૂન ૨૦૨૦થી તા.૧૦-૮-૨૧ પહેલાના કોઇપણ સમયે ખોટો દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદી જ્યોતિબેન સાથે ૫,૭૫,૦૦૦ની છેતરપીંડી કર્યાનો ગુન્હો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.