પોરબંદરમાં પોલીસ દ્વારા નાણા ધિરધારના કાયદાનું માર્ગદર્શન અને વ્યાજખોરો ની ચુંગાલ થી છુટવા લોકદરબાર નું આયોજન કરાયું છે. ઉપરાંત બેન્કના અધિકારીઓ લોન અને ધિરાણ અંગેની માહિતી પણ આપશે.
પોરબંદર માં નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા તેમજ નાણા ધિરધારના કાયદાથી માહિતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદેશ્યથી રેંજ આઈજી મયંકસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની દ્વારા તા. 4 ના રોજ ૧૦:૩૦ વાગ્યે પોલીસ હેડકવાટર્સ, ડિસ્ટ્રીકટ તાલીમ કેન્દ્ર(ડી.ટી.સી.) હોલ ખાતે લોકદરબારનું આયોજન કરાયું છે. વ્યાજખોરોના ત્રાસ સામે કડક પગલા ભરવા અને વ્યાજખોરોના ત્રાસથી છુટવા તેમજ વ્યાજખોરોને લગતા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આ લોકદરબારનું આયોજન કરાયું છે.
ઉપરાંત પ્રજા વ્યાજખોરીની ચુંગાલમાં ન ફસાય તે માટે વિસ્તૃત રીતે સરળ તથા ઓછા વ્યાજના દરે લોન, ધિરાણ આપતી સંસ્થાઓ,રાષ્ટ્રીયકૃત બેન્કો, નોન બેન્કીંગ ફાયનાન્સ સંસ્થાઓ, સહકારી મંડળીઓ તથા આવી સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી સરળતાથી લોન તથા ધિરાણની સવલતોની સંબંધિત માહિતી આપશે.