પોરબંદર પાલિકા દ્વારા અંતે પશુ પકડો અભિયાન પુનઃ શરુ કરાયું છે. અને પ્રથમ દિવસે ૩૫ રઝળતા પશુઓ ને પાંજરે પૂરી ઓડદર સ્થિત ગૌશાળા એ મોકલી આપ્યા છે. જ્યાં પશુઓ માટે જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
પોરબંદર માં છેલ્લા ઘણા સમય થી રઝળતા પશુઓ નો ત્રાસ જોવા મળે છે. અવારનવાર આખલા યુદ્ધ ના કારણે લોકો ને ઈજાઓ તથા વાહનો ને નુકશાન થવાના બનાવ બન્યા છે. તો આખલાએ હડફેટે લીધા બાદ લોકો ના મોત ના બનાવ પણ બન્યા છે. બીજી તરફ પુરઝડપે જતા વાહનો ના કારણે અનેક પશુઓ પણ ઈજાગ્રસ્ત બન્યા છે તો કેટલાક મોત ને પણ ભેટ્યા છે. જેથી રઝળતા પશુઓ ના ત્રાસ માંથી મુક્તિ અપાવવા શિવસેના દ્વારા પાલિકા ને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. અને આંદોલન ની ચીમકી પણ આપી હતી.
પરંતુ પાલિકા ની ગૌશાળા માં પશુઓ માટે પુરતી સુવિધાઓ ન હોવાથી ત્યાં આવા પશુઓ ની સ્થિતિ વધુ કફોડી બનતી હતી અને પશુઓ ના જીવ પણ ગયા હતા. આથી જીવદયાપ્રેમીઓ એ જ્યાં સુધી ગૌશાળા ખાતે પશુઓ ને ચારો,પાણી ,દવાઓ સહિતની જરૂરી સુવિધાઓ પુરતી ન મળે ત્યાં સુધી પશુ પકડવાની કામગીરી નો વિરોધ કર્યો હતો. જેના પગલે છેલ્લા ૬ માસ થી વધુ સમય થી શહેર માં રઝળતા પશુઓ ને પકડવાની કામગીરી બંધ હતી. ત્યારે તાજેતર માં પાલિકા પ્રમુખ તરીકે નિમણુક થયેલા ડો ચેતનાબેન તીવારી એ ખાપટ ખાતે પશુઓ ને પુરતી સુવિધા સાથે ની ગૌશાળા ની કામગીરી શરુ કરાવી છે.
તો બીજી તરફ સેનીટેશન કમિટી ના ચેરમેન તરીકે નિમણુક પામેલા સુધરાઈ સભ્ય લાખાભાઈ ભોજાભાઈ ખુંટી એ ઓડદર સ્થિત ગૌશાળા ની મુલાકાત લઇ તાકીદે મૂંગા અબોલ જીવો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ભાઈ ઢાંકી ની આગેવાની માં શહેર માંથી રઝળતા પશુઓ ને પકડવાની કામગીરી શરુ કરાઈ છે. અને પ્રથમ દિવસે શહેર ના રીવરફ્રન્ટ થી કમલાબાગ સુધી ના મુખ્ય માર્ગ પર થી તથા જૂની દીવાદાંડી થી એસટી તરફ ના રસ્તા પર રહેલા ૩૫ રઝળતા પશુઓ પકડી અને ગૌશાળા ખાતે મોકલવામાં આવ્યા હતા. અને આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેવું પાલિકા ના સુત્રો એ જણાવ્યું છે.
લાખાભાઈ ખુંટી એ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે શહેરીજનો ને રઝળતા પશુઓ ના ત્રાસમાંથી વહેલીતકે મુક્ત કરાવવા તેમના દ્વારા કામગીરી શરુ કરાઈ છે અને લોકો ની આ સમસ્યા નું નિરાકરણ લાવવા તેમના દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે.વધુ માં તેઓએ એવું જણાવ્યું હતું કે પશુઓ ને પકડ્યા બાદ તેમને પણ પુરતી સુવિધાઓ આપવી જરૂરી છે. તેઓ જ્યાં સુધી સત્તા પર છે ત્યાં સુધી અબોલ પશુઓ ને પણ કોઈ હેરાનગતી ન થાય તે જોવું એ તેમની જવાબદારી છે જે તેઓ સારી રીતે નિભાવશે.લોકો ને કે પશુઓ ને કોઈ ને પણ હેરાનગતી ન થાય તે રીતે સૌને સાથે રાખી કામગીરી કરવામાં આવશે.

