પોરબંદરમાં લુખ્ખાગીરીએ હવે માઝા મુકી હોય અને પોલીસનો કશો જ આરોપીઓને ડર રહ્યો ન હોય તેમ પાસામાંથી છૂટીને આવેલા આરોપીએ એકાદ જગ્યાએ નહીં પરંતુ ત્રણ-ત્રણ જગ્યાએ પોતાની ટોળકી સાથે પહોંચીને ધમકી આપતા, છરીવડે હુમલો કરતા અને મકાનમાં તોડફોડ કરતા ત્રણ-ત્રણ એફ.આઈ,આર. થઈ છે. આ નામચીન બુટલેગર સામે અગાઉ અનેક વખત દારૂ સહિત મારામારીના ગુન્હાઓ નોંધાઇ ચૂકયા હોવાથી તેને પાસાના પીંજરે પૂરી દેવામાં આવ્યો હતો અને તેમાંથી છૂટતા જ પોતાની હરકત શરૂ કરી દેતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને પોલીસ આ ગુંડાગીરીને તાત્કાલિક ડામી દે તે જરૂરી બન્યું છે કારણકે તે પોતાને ખારવાવાડનો ડોન ગણાવીને ધમકાવતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં આવેલ શેરીન-પમાં રહેતા અરૂણાબેન રમેશ ઉર્ફે રમલો રત્ના જુંગી (ઉ.વ.૪૨) નામની મહિલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા આથી તેનું મનદુઃખ રાખી તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે જેમાં ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તે તથા તેના પતિ રમેશ અને પુત્રી રિધ્ધિ ઘરે જમીને બેઠા હતા. તે દરમ્યાન સફેદ રંગની ફોર વ્હીલ આવી પહોંચી હતી અને તેમાંથી ખારવાવાડામાં રહેતો નામચીન બુટલેગર જે પાસાના પીંજરૅથી તાજેતરમાં છૂટયો છે તે સાગર ઉર્ફે ડબલુ મુળજી મોતીવરસ, નીતા જલેબીનો દીકરો પીયુષ ઉર્ફે પીયુ, દિલીપ વિનુભાઇ ઓડેદરા ઉર્ફે દિલીપ ભુવો, રોનક ભરત વાજા, ધ્રુવ સુરેશ સરવૈયા, નિલેશ મધુરેશ ટુકડીયા અને સાજીદ હુસૈન વસા આ તમામ લાકડાના ધોકાઓ સાથે નીચે ઉતર્યા હતા અને ‘રમલા દારૂવાળાનું ઘર ક્યાં છે?” તેવું કહેતા અરૂણાબેન ડરી ગયા હતા અને તેના પતિને મારવા આવ્યા છે. તેવી બીક લાગતા ડેલીની અંદર આંગળિયો મારી બંધ કરી ઉપર ગયા હતા.
અને પતિ રમેશને જાણ કરી હતી કે સાગર ઉર્ફે ડબલું અને તેના છ મિત્રો તમને બહાર શોધે છે. તે દરમિયાન ડેલીનો આગળીયો તોડી, નીચેના રૂમમાં પ્રવેશ કરી ધોકાવડે માલસામાનમાં તોડકોડ કરીને સાગર ઉર્ફે ડબલું, ‘હુંખારવાવાડનો ડોન છું, રમલા તારે દારૂનો ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે, નહીંતર તને મારી નાખીશ,” એ દરમિયાન લોકો એકત્ર થઇ જતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારપછી આ પરિવારના સભ્યોએ નીચે આવી ઘરમાં જોતા રૂમના બારીના કાચ, માછલીઘર, ટેબલ-ખુરશી તોડી નાખીને તથા ફ્રીઝને ઊંધું વાળીને જતા રહ્યા હતા. અને ૧૫ હજાર રૂપિયા જેટલું નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ખારવાવાડના પાલાના ચોકમાં પીરવાળા ફળિયામાં રહેતા અશ્વિન રામજીભાઇ જુંગી દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તે તથા તેના ભાભી ગીતાબેન તથા પત્ની ગીતાબેન, ભાણેજ કેવલ પ્રવીણ મસાણી વગેરે ઘરે હતા ત્યારે સફેદ રંગની કાર લઇને સાત જેટલા શબ્દો ઉતરી પડ્યા હતા અને ભાભી ગીતાબેનને ‘તું તારા દીકરા જયને ઘરની બહાર કાઢ, તેને મારી નાખવો છે.’ તેમ કહ્યું હતું, આથી ભાભી ગીતાબહેને બારીમાંથી જોતા સાગર ઉર્ફે ડબલુ છરી લઇને ઉભો હતો તેની સાથે નીતા ઉર્ફે જલેબીનો દીકરો પીયુષ ડાહ્યાભાઇ ચૌહાણ લોખંડનો પાઇપ લઈને ઉભો હતો અને બીજા પાંચ અજાણ્યા શખ્શો મોટા અવાજે ગાળો બોલતા હતા. આથી અશ્વિનભાઈ ઘરની બહાર નીકળ્યા અને ગાળો બોલવાની ના પાડતા સાગરે ઉશ્કેરાઇને છરીનો એક ઘા અશ્વિનની ટચલી આંગળીમાં મારી દીધો હતો અને અન્ય શખ્શો ઝપાઝપી કરવા લાગ્યા હતા. આથી મકાનનો દરવાજો બંધ કરી દેતા તેમાં લાત મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં જતા રહ્યા હતા. ત્યારબાદ અશ્વિનભાઇને છરીના ઘાને લઇને લોહી નીકળતા હોવાથી ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ તેણે સાગર અને પીયુષના નામજોગ અને પાંચ અજાણ્યા શખ્શો સહિત સાત સામે એવો ગુન્હો નોંધાવ્યો છે કે ગેરકાયદેસર મંડળી રચીને પ્રાણઘાતક હવિચારો સાથે સજ્જ થઇને આવીને હુમલો કર્યો છે અને હત્યાની ધમકી આપી છે.
પોરબંદરના કસ્તુરબાગાંધી રોડ પર સ્ટેટ લાઇબ્રેરીની પાછળ રહેતા અનિલ પરસોતમ વઢીયા નામના આધેડે એવી ફરિયાદ નોંધાવી છે કે તે જમીને ઘરની બહાર મિત્રો હીરેન દિનેશ શેરાજી અને જિજ્ઞેશ દેવજી જુંગી વગેરે બેઠા હતા ત્યારે બુટલેગર સાગર ઉર્ફે ડબલુ મુળજી મોતીવરસ, બોખીરાનો રોનક ભરત વાંજા, દિલીપ ઉર્ફે ભુવો વિનુ ઓડેદરા, છાયાનો ધ્રુવ સુરેશ સરવૈયા, નિલેષ કુકડીયા અને બોખીરાનો સાજીદ હુસૈન વસા અને પીયુષ ડાહ્યા ચૌહાણ કાર લઇને આવી પહોંચ્યા હતા તથા પ્રણતક હથિયારો સાથે સજ્જ થઇને આવેલા આ શખ્શો ફરીયાદી અનિલ પરસોતમ વઢીયાની ફરતે ગોળ કુંડાળું વળી બેસી ગયા હતા તથા ગાળી દઇને “તું દારૂનો ધંધો કરે છે તેથી તારે દર મહિને મને પચાસ હજાર રૂપિયા આપવા પડશે. અત્યારે તારી પાસે જે રૂપિયા હોય તે આપી દે નહીંતર તમે અને તારા પરિવારના સભ્યોને મારી નાખીશું’ એમ કહેવા લાગ્યો હતો. એ દરમિયાન અનિલના પત્ની તથા પુત્ર રુદ્ર ઘરની બહાર આવતા એ તમામને ફરતે પણ ટોળું વળીને ગાળો દઇ, છરી બતાવી બળજબરીથી દર મહિને પચાસ હજાર રૂપિયા કાઢવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા આથી આ તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.