પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં PM-KISAN યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા નોંધણી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદર દ્વારા અનુરોધ કરાયો છે.
ભારત અને ગુજરાત સરકારના સંયુકત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ (જીવન પર્યંત એક જ વાર) કરાવવાની રહે છે. જે માટે રાજ્યમાં તા.૧૫ ઓક્ટોમ્બર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ છે.
પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. આજ દિન સુધી પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૩,૯૧૯, રાણાવાવ તાલુકામાં ૫,૭૬૧ અને કુતિયાણા તાલુકામાં ૯૦૬૮, ખેડૂતોએ એમ મળીને સમગ્ર જીલ્લામાં કુલ ૨૮૭૪૮ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ખેડૂતને નોંધણી કરાવવા ગ્રામ પંચાયત ખાતે ઈ-ધરા કેન્દ્ર પર VCE (કમ્પ્યુટર ઓપરેટર) મારફત કરી શકાશે, ખેડૂત ખાતેદાર પોતાની જાતે https://gifr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકશે. અને ખેડૂત નોંધણી માટે સાથે રાખવાના જરૂરી આધાર પુરાવામાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ, જમીનના સર્વે નંબર (૭/૧૨ અને ૮/અ ની નકલ) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રૂ. ૨૦૦૦/- નો આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજીયાત કરવામાં આવ્યો છે.
જો આગામી હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે. અન્યથા ખેડૂતનો આગામી હપ્તો બંધ થઇ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીએ તા. ૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં ખેડૂત નોંધણી પૂર્ણ કરાવવી તેમજ બાકીના ખેડૂત ખાતેદારોએ તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં ખેડૂત નોંધણી ફરજીયાત કરાવી લેવાની રહેશે. જમીનના સર્વે નંબર (૭/૧૨ અને ૮/અ) માં સામેલ તમામ સંયુકત ખાતેદારોની ખેડૂત નોંધણી કરાવવી ફરજીયાત છે.
આ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી/સીટી તલાટી, ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.