પોરબંદર જિલ્લામાં મેઘમહેર થઇ છે ત્યારે ચોમાસા ઋતુ હોવાને કારણે રોગચાળો વકરવાની ભીતિ રહે છે. પોરબંદર જિલ્લા આરોગ્યતંત્ર સતર્ક રહીને રોગચાળો વધુ વકરે નહી તે માટે કામગીરી શરૂ કરી રોગ અટકાવવા માટેની કામગીરી કરવામા આવી રહી છે.
ચોમાસાની ઋતુને ધ્યાને લઇને પાણીમાં પોરા થવાની સંભાવના રહેતી હોય છે. જેના લીધે પાણીમાં ડેંગ્યુ, ચિકનગુનિયા તેમજ મલેરિયાના મચ્છરો થાય છે. જેથી જિલ્લા આરોગ્યતંત્ર દ્રારા મચ્છરજન્ય રોગચાળા કાબૂમાં રાખવા નાગરિકોને પણ તકેદારી માટે અપીલ કરી છે. જેમા મચ્છર કરડે નહી તે માટે શરીર ઢંકાય તેવા કપડા પહેરવા. રાત્રે સુતા સમયે બને ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આજુબાજુનાં વિસ્તારમાં જો વરસાદી પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવો અને જો તે પાણીનો નિકાલ થઇ શકે તેમ ન હોય તો પાણીમાં બળેલ ઓઇલનો છંટકાવ કરવો.
સાંજના સમયે બારી દરવાજા બંધ રાખવા અને ઘરમાં લીમડાનો ધુમાડો કરવો. ઘરમાં તેમજ ઘરની છત પર જો કોઇ પાત્રોમાં પાણી ભરાયા હોય તો તેનો નિકાલ કરી પાત્રો સ્વસ્છ રાખવા. ઘરમાં ફ્રીઝની ટ્રે માં રહેલા પાણીને દર ૩ દિવસે ખાલી કરવી તેમજ વ્યવસ્થિત સાફ કરવી તેમજ ઘરમાં તથા આજુબાજુમાં રહેલા નકામી વસ્તુ તથા ટાયરોમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો જેથી મચ્છરજન્ય રોગોથી સુરક્ષિત રહી શકીએ.

