પોરબંદર જીલ્લામાં વધુ વ્યાજ વસુલી ધાકધમકી આપવાના 3 બનાવ માં ૨ દંપતી સહિત ૬ શખ્સો સામે નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોધાઇ છે.
પોરબંદરના એરપોર્ટ સામે આવેલ ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-૫૦૧ ખાતે રહેતા વિજય દેવેન્દ્રભાઈ જોશી(ઉવ ૩૭)નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ફેબ્રિકેશનનો લોખંડનો ધંધો કરે છે. ત્રણ-ચાર વર્ષ પહેલા તેણે તે જ એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ ઈશ્વરભાઈ.હિંડોચા અને તેના પત્ની અસ્મિતાબેન પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા ૫% વ્યાજે લીધા હતા. અને હપ્તે-હપ્તે બે લાખ પાંચ લાખ એમ કરીને ૨૦૧૮ થી ૨૦૨૦ ની સાલ સુધીમાં કુલ ૪૫ લાખ રૂપિયા મૂળ રકમ તરીકે લીધા હતા,અને દર મહીને તે મેહુલભાઈ ૫% વ્યાજ આપી દેતા હતા
૨૦૨૧ ના મેં મહિના સુધીમાં મૂળ રકમ પૈકી ૩૭ લાખ રૂપિયા આપી દીધા હતા. અને ત્યારબાદ કોરોનાને લીધે લોકડાઉન લીધે વિજયભાઈનો ધંધો બરાબર ચાલતો નહી હોવાથી બાકીના ૮ લાખ રૂપિયા આપી શકયા ન હતા. અને તેનું ૫% લેખે ૪૦ હજાર રૂપિયા વ્યાજ પણ આપી શકતા ન હતા. તેથી મેહુલ અને તેની પત્ની અસ્મિતા અવારનવાર ઘરની બહાર રવેશમાંથી ગાળો બોલતા હતા. અને અસ્મિતા મોબાઈલ ઉપર વિજયને મકાન અને કીડની વેચીને પણ વ્યાજ તથા મૂળ રકમના પૈસા આપી દેવા દબાણ કરી ખૂનની ધમકી આપતી હતી. તો મેહુલ પણ વારંવાર ફોન કરીને વ્યાજના પૈસા ચૂકવી દેવા દબાણ કરતો હતો.તા.૨૩-૫-૨૦૨૨ ના અસ્મિતાએ વિજયને ધમકાવીને નોટરી પાસે જઈ હાથ ઉછીના રૂપિયા આપ્યા છે,તેવા લખાણમાં સહી કરાવી હતી. પરંતુ ૫% વ્યાજે રકમ અપાઈ હોવાનો કેસ ૩૭ લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો કોઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો,આથી આઠ લાખ રૂપિયાની રકમ અને તેનું વ્યાજ ચૂકવી દેવા વારંવાર દબાણ કરનાર મેહુલ અને તેની પત્ની અસ્મિતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચા ના ધંધાર્થી ને વ્યાજખોર ની ધમકી
વોરાવાડમાં આવેલી નવલખા શેરીમાં રહેતા અને મરછીમાર્કેટની હરાજી માર્કેટમાં ચાની કેબીન ધરાવતા વેલજીભાઈ.વીંજાભાઈ.મોતીવરસ(ઉવ ૬૧)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પાંચેક વર્ષ પહેલા તેમને ઘર ખર્ચ ચલાવવા માટે ૧૫.૦૦૦ રૂપિયાની જરૂરીયાત ઉભી થતા શૈલેષભાઈ લોહાણા પાસેથી આ રકમ હાથ ઉછીની લીધી હતી. અને ત્યારબાદ શૈલેષને કામધંધા માટે રાજકોટ જવાનું થયું હોવાથી તેણે એવું જણાવ્યું હતું કે મને ૧૫ હજાર રૂપિયા આપવાના છે તે રકમ વિરડીપ્લોટ સો મિલ પાસે રહેતા કનુભાઈ પરષોત્તમ લોઢારીને આપી દેજો તેમ કહી શૈલેષભાઈ રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા.
ત્યારપછી વેલજીભાઈની વિશ્વશાંતિ નામની ફિશિંગ બોટના સામાન માટે વધુ રૂપિયાની જરૂરીયાત ઉભી થતા તેમણે કનુભાઈ પાસેથી ૪૦.૦૦૦ રૂપિયા ૧૦% ના વ્યાજે લીધા હતા અને તેના બદલામાં કનુંભાઈએ તારીખ અને રકમ લખ્યા વગરના ઇન્ડીયન બેંકના બે કોરા ચેક ઉપર સહી કરાવી લીધી હતી અને જણાવ્યું હતું કે શૈલેષભાઈ ના ૧૫૦૦૦ અને તેમના ૪૦.૦૦૦ મળી કુલ ૫૫.૦૦૦ રૂપિયા ઉપર દર મહીને ૫૫૦૦ રૂપિયા વ્યાજ ૧૦% લેખે આપવું પડશે. ત્યારબાદ દર મહીને ૫૫૦૦ રૂપિયા વ્યાજ ચુકવવામાં આવતું હતું.
દોઢ વર્ષમાં ૯૯ હજાર રૂપિયા વ્યાજના ચૂકવાયા હતા. ત્યારપછી કોરોના મહામારીને લીધે ચા ની કેબીનનો ધંધો બંધ થઇ જતા બે વર્ષ સુધી કનુંભાઈને વ્યાજ કે મૂળ રકમ ચૂકવી શકાય ન હતી. ઈ.સ.૨૦૨૧ માં ફરીથી ચા ની રેકડી શરૂ કરી હતી. ત્યારે કનુંભાઈએ રેકડીએ આવીને “તે બે વર્ષ સુધી વ્યાજના રૂપિયા ચૂકવ્યા નથી,તેથી હવે તારે ૪ લાખ ૨૫ હજાર રૂપિયા વ્યાજ સહિત ચુકવવાના થશે. તેમ કહી બધા માણસોની હાજરીમાં દરરોજ ૬૫૦ રૂપિયાનો હપ્તો લઇ જતો હતો.અને ૩ લાખ ૫૦.૦૦૦ જેટલી રકમ કનુંને ચૂકવી દીધી હતી.
જે દિવસે દરરોજના હપ્તા પેટે ૬૫૦ રૂપિયા આપી ન શકે ત્યારે ચા ની લારીએ આવીને કનું ગુસ્સો કરીને બે દિવસના હપ્તાની એકી સાથે માંગણી કરી વારંવાર સતામણી કરતો હતો. ૧૫.૦૦૦ રૂપિયા શૈલેષભાઈ લોહાણા પાસેથી લીધા ત્યારે વ્યાજની રકમ તેમને કોઈ ચૂકવેલ નથી કે તેમણે વ્યાજની ઉઘરાણી પણ કરી નથી. તે કનુંભાઈને ૧૫.૦૦૦ રૂપિયાનું વ્યાજ ચુકવવા કહ્યું નથી. તેમ છતાં વ્યાજવટાવ અંગેના વ્યવસાયનો પરવાનો નહી હોવા છતાં તગડું વ્યાજ વસુલનાર આ વ્યાજખોર સામે ફરિયાદ નોધાવતા આગળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાણાબોરડીમાં દંપતી સહિત તેના પુત્ર સામે એફ.આઈ.આર.
રાણાબોરડી ગામે રહેતા અને નિવૃત જીવન ગાળતા ઓસમાણ કાસમ સમા નામના ૭૨ વર્ષના વૃદ્ધ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોધાવામાં આવી છે કે,તે ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે,૭ વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોવાથી રૂપિયાની જરૂરીયાત ઉભી થતા તેના જ ગામના સુલેમાન.કાસમ.જુનેજા પાસેથી એક લાખ સીતેર હજાર રૂપિયા ૫% માસિક વ્યાજે લીધા હતા. અને તેનું લખાણ કરાવ્યું ન હતું, તેમ છતાં હપ્તે-હપ્તે વ્યાજ અને મૂળ રકમ સહિત ૧ લાખ ૭૦ હજારના ૨ લાખ ૭૦ હજાર ચૂકવી દીધા હતા. છતાં તે અવારનવાર વ્યાજની ઉઘરાણી કરતો હતો.
૩ મહિના પહેલા સુલેમાન તેની પત્ની હીરબાઈબેન અને તેનો પુત્ર સમીર વ્યાજના પૈસાની ઉઘરાણી કરીને “હજી તારે સાડા તેર લાખ રૂપિયા આપવાના થાય છે”કહ્યું હતું. આથી ઓસમાણે તેને પૈસા વ્યાજ સહિત આપી દીધા તેમ કહ્યું હતું આથી તેઓ ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતા “આવતીકાલે સવારે જામજોધપુર આવી જજે લખાણ કરાવવાનું છે જો તુ નહી આવે તો સારાવાટ રહેશે નહી પૈસા ના હોય તો જમીન અમારા નામે કરી આપ નહિતર તને અને તારા દીકરાઓને મારી નાખશું”આ પ્રકારની ધમકી આપીને જતા રહ્યા હતા. આથી ઓસમાણભાઈ ડરી ગયા હતા અને ઘરમાં કોઈને તેની જાણ કર્યા વગર બીજા દિવસે જામજોધપુર ગયા હતા. અને ત્યાં સુલેમાન તેની પત્ની હીરબાઈ અને પુત્ર સમીરે એક વકીલને ત્યાં જમીનનું લખાણ કરાવી લીધું હતું, ત્યારબાદ રાણાબોરડી આવીને આ વૃદ્ધે તેના પુત્ર અલી અને મુસ્તાકને હકીકતની જાણ કરી હતી સરકારના ધારાધોરણ વિરુદ્ધ તગડું વ્યાજ વસુલનારા અને ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરનારા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોધાવાઈ છે.