પોરબંદર જીલ્લા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા દસ માસ માં ૮૯ હજાર બાળકોના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૯૨ બાળકોમાં ગંભીર બીમારી સામે આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ર૦ર૦ થી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ કાયક્રમ હેઠળ પોરબંદર જીલ્લા માં પણ દરેક સ્કૂલ-કોલેજ અને આંગણવાડી તેમજ બાલ મંદિરમાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં જીલ્લા માં છેલ્લા દસ માસ માં ૦ થી ૧૮ વર્ષના ૮૯,૩૭પ જેટલા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમ્યાન સૌથી વધુ પંચાવન જેટલા બાળકોમાં હ્રદયરોગની બીમારી સામે આવી હતી. તો ૧૪ જેટલા બાળકોને કિડનીની બીમારી, પાંચ બાળકોને કેન્સરની બીમારી, ૮ બાળકોને ક્લબ ફૂટ ની બિમારી, ૪ બાળકોને ક્લેફટ લીપની બિમારી, બે બાળકોને ડાઉન સિન્ડ્રોમ, ૩ બાળકોને ન્યુરલ ટયુબ ડિફેકટ(કરોડરજ્જુ માં ગાંઠ ) ની બિમારી સહિત જિલ્લામાં કુલ ૯ર જેટલા બાળકોને ગંભીર બિમારીઓ સામે આવી હતી.
આ બાળકોને પ્રથમ જીલ્લા લેવલે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તપાસવામાં આવશે. અને ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગર ની સિવિલ સહિતની પ્રખ્યાત હોસ્પિટલો માં આ બાળકોને વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. જીલ્લા માં આર બી એસ કે ની ૧૦ ટીમ કાર્યરત છે. જેમાં એક મેલ અને એક ફીમેલ તબીબ,એક ફાર્માસિસ્ટ અને એક એએનએમ અથવા તો એફએચ ડબ્લ્યુ ફરજ બજાવે છે. આ ટીમ ગંભીર બીમારીઓથી પીડાતા બાળકોના ઘરની મુલાકાત, માતા-પિતાનું કાઉન્સેલિંગથી લઈને હોસ્પીટલમાં ઓપરેશન અને ત્યાર પછીના ફોલો-અપ સુધી તમામ સ્તરે મદદ કરે છે.