પોરબંદરમાં મચ્છીના ધંધામાં ભાગીદારી માં ખોટ જતા તેના રૂપિયાની લેતીદેતી પ્રશ્ને યુવાન પર ભાગીદાર સહિત બે શખ્સોએ અપહરણની કોશિશ કરી માર મારી મોબાઇલની લૂંટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરના કીર્તિમંદિર પાછળ રહેતા યોગેશ ખીમજીભાઇ બાદરશાહી એ કમલાબાગ પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે મચ્છીનો વેપાર કરીને ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં રાણાવાવ રહેતા પ્રકાશ વેજાનંદ રાણાવાયા સાથે ભાગીદારીમાં મચ્છીની લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો. અને બંને જણાએ ભાગીદારીમાં છ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
એક મહિનો સારો ધંધો ચાલ્યો હતો પછી એક ગાડી મચ્છીની બગડી જતા 6 લાખ રૂપિયા નું નુકસાન થયું હતું. આથી ભાગીદાર પ્રકાશે યોગેશને એવું કહ્યું હતું કે તારા હિસાબે ખરાબ મચ્છી આવી ગયેલ છે. અને ધંધામાં છ લાખની ખોટ ગઈ છે. તેથી હવે મારે તારી સાથે ધંધો કરવો નથી મને ગયેલી ખોટના ત્રણ લાખ રૂપિયા તારે આપવા પડશે. આથી યોગેશે તેને એવું કહ્યું હતું કે આપણે ધંધાના ભાગીદારો છીએ જેથી આપણે બંને જણાએ ખોટ સરખા હિસ્સે ભોગવી લેવાની રહેશે તેમ વાત કરતા પ્રકાશ માન્યો ન હતો. અને ત્રણ લાખ રૂપિયાની ખોટની વારંવાર ઉઘરાણી કરતો હતો માટે ફરિયાદી યોગેશ મચ્છીનો ધંધો છોડીને વલસાડ રહેવા જતો રહ્યો હતો.
ત્યારબાદ પણ પ્રકાશ રાણાવાયા ફરિયાદી યોગેશ પાસે અને તેના ભાઈ વિજય પાસે પૈસાની અવારનવાર ઉઘરાણી કરતો હતો. તારીખ 14 મી ડિસેમ્બરના યોગેશ વલસાડ થી પોરબંદર આવ્યો હતો અને 16 ડિસેમ્બરે 4:45 વાગ્યે રાણીબાગ સામે આવેલ પાનની દુકાને ફાકી ખાવા માટે ગયો ત્યારે પ્રકાશ વેજાણંદ રાણાવાયા તથા તેનો મિત્ર અર્જુન ગોઢાણીયા એમ બંને જણા બાઈક લઈને ત્યાં અચાનક આવી પહોંચ્યા હતા. અને યોગેશ ને કહ્યું હતું કે આપણા અગાઉના ધંધામાં ખોટ ગઈ છે તે પૈસા આપવા પડશે તેમ કહી બાઈકમાં બેસી જવાનું કહ્યું હતું. આથી યોગેશે તેને બાઈકમાં બેસવું નથી વાત કરવી હોય તો અહીં કરો તેમ કહેતા બંને જણાએ બળજબરીથી બાઈકમાં બેસાડવાની કોશિશ કરી હતી. પરંતુ ફરિયાદી તેમાં બેઠો ન હતો.
આથી તેના હાથમાં રહેલો આઇટેલ કંપનીનો મોબાઇલ અર્જુન ગોઢાણીયાએ ઝુંટવવા નો પ્રયાસ કરતા મોબાઈલ ફોન દુકાનની અંદર કાઉન્ટર ઉપર રાખવા ગયો. ત્યારે અર્જુને તે ઝુંટવી લીધો હતો. અને ગાળો દઈને પૈસા તો તારે આપવા જ પડશે તેમ કહી ઝાપટ મારી હતી. અને પ્રકાશ રાણાવાયા બાઈક પાસે ઉભો ઉભો ગાળો આપતો હતો. અને બંને જણાએ જતી વખતે એવું કહ્યું હતું કે તું અમારા પૈસા નહીં આપતો. તને પતાવી દેશું. અને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. 5000 રૂપિયાની કિંમત ના મોબાઈલ ની લૂંટ કરીને ચાલ્યા ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.