પોરબંદરમા એક શખ્સે પરિણીતાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરીને ચોપાટી ખાતે મળવા નહીં આવે તો મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના છાયા ચોકી નજીક રહેતી ૩૩ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ છાયા રઘુવંશી સોસાયટી વિસ્તારમાં રહેતો કેતન ઉર્ફે કીટુ મકવાણા તા ૧ જૂન થી અત્યાર સુધી ગોઢાણિયા સ્કૂલ પાસે જાહેરમાં તેનો પીછો કરતો હતો અને ધમકી આપતો હતો. અને પોતાની સાથે ફ્રેન્ડશીપ સંબંધ રાખવા માટે પાછળ પડી ગયો હતો. પરણીતા એ ફ્રેન્ડશીપ રાખવાની ના પાડતા અવારનવાર તેને ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો.
આથી અંતે કંટાળીને તેણે કેતન નો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો આથી ગોઢાણીયા સ્કૂલ પાસેથી જયારે જ્યારે તે પસાર થતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો અને ગાળો દઈને મિત્રતાનો સંબંધ રાખવાનો દબાણ કરતો હતો અને પોતે જો તેને ચોપાટી ખાતે મળવા નહીં આવે અને સંબંધ નહીં રાખે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી અંતે કેતન ના ત્રાસથી કંટાળીને પરણીતા એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના બિરલા હોલથી છાયા ચોકી તરફ જતા રસ્તે શાળા કોલેજે જતી અને ટ્યુશનમાં જતી તરૂણિઓ અને યુવતીઓ સહિત મહિલાઓનો પણ પીછો કરીને આવારા તત્વો દ્વારા હેરાન કરવામાં આવતા હોય તેવા બનાવ સામે આવ્યા છે. અનેક શૈક્ષણિક સંકુલો અને ટ્યુશન વાળા ધમધમતા આ રોડ ઉપર અનેક લુખ્ખા તત્વો બેફામ સ્પીડે વાહનો ચલાવે છે એટલું જ નહીં પરંતુ યુવતીઓ તરૂણીઓનો પીછો કરતા હોય તેવું પણ સરા જાહેર જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમા પોલીસ કડક હાથે કામ લે તે જરૂરી બન્યુ છે.