પોરબંદરમાં બોર્ડની પરીક્ષા અનુસંધાને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવા માટે કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
પોરબંદર માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા અંગે પરીક્ષા સમિતિની અગત્યની બેઠક સંપન્ન થઇ હતી.
કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૧૭-૩ સુધી યોજાનારી પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય તે માટે કલેકટરે માર્ગદર્શન પૂરું પાડયુ હતુ.
આ મિટિંગમાં પરીક્ષા સમિતિના વિવિધ સભ્યોને આમંત્રિત કરવામાં આવેલા હતા જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમારે પરીક્ષાના આયોજન કરવામાં આવેલા વિવિધ તાલીમ વિશે માહિતી આપતા જણાવેલું હતું કે વિવિધ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષોને પત્રથી જરૂરી મદદ માટે જાણ કરવામાં આવી છે અને સ્થળ સંચાલકો સાથે પણ મીટીંગ કરી લેવામાં આવી છે અને બધાને પરીક્ષાની થી માર્ગદર્શિત કરવામાં આવ્યા છે. જરૂરી તાલીમ પણ થઈ ચૂકી છે.
જિલ્લામાં આ વર્ષે એસ.એસ.સી. માં ૭૬૦૫ જેટલા વિદ્યાર્થીઓ, કુલ ૧૦ કેન્દ્રો અને ૩૨ બિલ્ડીંગો તેમજ કુલ ૨૬૯ બ્લોક છે. જ્યારે એચ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં ૩૪૯૧ જેટલા વિદ્યાર્થીઓ, કુલ ૬ કેન્દ્ર અને ૧૪ બિલ્ડિંગ તેમજ ૧૧૪ બ્લોક છે. આ ઉપરાંત એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૩૫૪ વિદ્યાર્થીઓ, ૧ કેન્દ્ર, ૨ બિલ્ડીંગ અને ૧૯ બ્લોકની વ્યવસ્થા છે.
કલેક્ટરે આ અંગેની જરૂરી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આ પરીક્ષા સંપૂર્ણપણે એસ.ઓ.પી. ના માર્ગદર્શન મુજબ આયોજિત કરવામાં આવે અને આ માટે જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દરેક કેન્દ્ર પર જરૂર હશે ત્યારે ક્લાસ ટુ ઓફિસર્સને પણ ડયુટી સોંપવામાં આવશે જેથી દરેક પ્રકારની ગેરરીતીને દૂર રાખી શકાય. આ બેઠકમાં પરીક્ષાસ્થળો ઉપર ચૂસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા-જવા માટે એસ.ટી.ની સહિતની સુવિધા અંગે જિલ્લા કલેકટર એ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી. તેમજ કલેકટરએ તમામ પરીક્ષાસ્થળો ઉપર પરીક્ષાના સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા અને ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને ઓઆરએસ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવાં, એસ.ટી.ની બસો પરીક્ષા સમય દરમ્યાન ટાઈમ પર ચલાવવા અને પરીક્ષા સુચારું આયોજન પરત્વે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરીક્ષાસ્થળોની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકર, ઝેરોક્ષ મશીનો બંધ કરવા, પરીક્ષામાં મોબાઈલ, ઈલેકટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તકે અધિક નિવાસી કલેકટર જે બી વદર, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, એસ.પી. અને તેમના મહત્વના અધિકારી તેમજ પી.જી.વી.સી.એલ.,એસ.ટી, આરોગ્ય અને અન્ય મહત્વના ખાતાઓના અધિકારીઓ તેમજ તેમના પ્રતિનિધિઓ,વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો, મનોવૈજ્ઞાનિકની ટીમ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુએ સાથે મળીને ખૂબ સારી રીતે પરીક્ષા લઈ શકાશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સંબંધિત વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાનું પૂર્વ આયોજન અંગે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા, અને માર્ગદર્શન મેળવ્યું હતું.


