પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા હોય તેમ છેલ્લા એક માસ માં જ અકસ્માત ના ૧૧ બનાવ માં ૬ લોકો ના મોત નીપજ્યા છે જયારે ૧૧ ને ઈજા થઇ છે.
પોરબંદરમાં વાહન ચલાવવામાં લોકો ની બેદરકારી ના કારણે અને પુરઝડપે વાહનો ચલાવવાના કારણે અકસ્માત ના બનાવ માં દિવસે દિવસે વધારો થતો જાય છે. ટ્રાફીક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં વાહનચાલકો બેફામ બની રહ્યા છે. ટ્રાફિક કચેરી માંથી મળેલી માહિતી મુજબ એપ્રિલ માસ માં અકસ્માત ના ૧૧ બનાવો બન્યા હતા. જેમાં ૬ લોકો ના મોત થયા હતા. જયારે ૧૧ લોકો ને નાની-મોટી ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. જેમાં ત્રણને ગંભીર ઇજા થઇ હતી.
ઉપરાંત હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનાર ૪૬ ચાલકો સામે કાર્યવાહી કરી રૂ ૨૩,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે. કાર માં સીટ બેલ્ટ બાંધ્યા વગર જ કાર ચલાવતા ૩૦૧ ચાલકો પાસેથી રૂ ૧,૫૦,૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે. એ સિવાય ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા ૧૮૧ લોકો પાસે થી રૂ ૮૦,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો કલમ-૨૦૭ મુજબ ૭૩ વાહન ડીટેઈન કરીને આર ટી ઓ દ્વારા રૂ ૬૮,૬૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે. નશાની હાલતમાં વાહન ચલાવનારા ૧૫ શખ્સો ની ધરપકડ કરાઈ છે ઉપરાંત કાર માં કાળા કાચ રાખનારા ૩૬ શખ્સો પાસે થી ૧૮૦૦૦ રૂનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.