આદિત્યાણાના ડંડકડી નેશમાં અઠવાડિયા પહેલા મોટાભાઈ દ્વારા નાનાભાઈ ની હત્યા કરાઈ હતી જે મામલે એલસીબી એ આરોપી ને ખંભાળા નજીક થી ઝડપી લીધો છે.
આદિત્યાણાના ડંડકડી નેશમાં રહેતા અરજનભાઈ લાખાભાઈ કટારા (ઉ.વ.૭૩)એ ગત તા ૧૩ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના નાના પુત્ર રામા ઉર્ફે પવન અરજન કટારા (ઉ.વ. ૪૫) ને દારૂ પીવાની ટેવ હતી. અને તેના લીધે અવારનવાર ઘરમાં નાની મોટી વાતમાં ઝઘડા કરતો હતો. અને આ ઝઘડાથી પરિવારના સભ્યો પણ કંટાળી ગયા હતા. તા. ૧૨ની રાત્રે અરજનભાઈ તથા મરણ જનાર નાનો પુત્ર રામા ઉર્ફે પવન તથા મોટો પુત્ર જગા ઘરે હતા. જેમાં અરજનભાઈ અને જગો ફળિયામાં ખાટલા પર સુતા હતા. અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં સુતા હતા.
ત્યારે રાત્રે ૧૧ વાગ્યે રામા ઉર્ફે પવન ત્યાં આવ્યો હતો. અને મોટેથી ગાળો બોલતો હતો. આથી જગાએ તેને સમજાવ્યો હતો. પરંતુ રામો સમજ્યો ન હતો અને ઝઘડો ચાલુ રાખ્યો હતો. આથી જગો ઉશ્કેરાઈ ગયો હતો અને ‘ આજ તો તને મારી નાખવો છે.’ એમ કહીને ફળિયામા પડેલ લાકડાના ગેડિયા વડે રામાને આડેધડ માર માર્યો હતો. જેથી રામો ઇજાગ્રસ્ત હાલતમાં નીચે પડી ગયો હતો. ઝઘડો આગળ ન વધે તે માટે અરજનભાઇએ બંનેને અટકાવ્યા હતા .અને જગાને કહ્યુ હતુ કે, ‘રામો તો નશામાં છે તું શુંકામ તેની સાથે ઝઘડો કરે છે.’ તેમ કહીને જગાને પકડી રાખતા તે ઘરમાં જતો રહ્યો હતો. નશાની હાલત માં હોવાથી રામાને ત્યાં જમીન ઉપર જ પડયો રહેવા દીધો હતો અને સવારે અરજનભાઈએ પુત્રને જગાડવાની કોશિશ કરતા તે બોલતો ચાલતો નહોતો અને માથા અને પગમાંથી લોહી નીકળતા હતા.આથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જગાને ઉઠાડી આ અંગે જાણ કરતા જગા એ ૧૦૮ ને જાણ કરી હતી આથી ૧૦૮ ની ટીમે આવી ને તપાસ કરતા રામા નું મોત થયું હોવાનું સામે આવ્યું હતું આથી જગો તુરંત ત્યાંથી નાસી ગયો હતો.આથી પોલીસે તેની ઠેરઠેર શોધખોળ હાથ ધરી હતી પરંતુ હાથ લાગ્યો ન હતો.
ગઈકાલે એલસીબી ટીમ ને બાતમી મળી હતી કે જગો ખંભાળા ગામના પાટીયા પાસે આવનાર છે. જેથી ટીમે તુરત જ ત્યાં વોચ ગોઠવી હતી. અને જગો ત્યાંથી પસાર થતા તેને ઝડપી લીધો હતો અને રિમાંડ ની તજવીજ હાથ ધરી છે.