પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામી(ઉવ ૨૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે પહેલા બ્યુટી પાર્લર નું કામ કરતી હતી પરંતુ હવે કંઈ કરતી નથી. શનિવારે 4:30 વાગ્યે તેને પોરબંદરના પાંજરાપોળ સામે આવેલ સેફ્રોન હોટલ ખાતે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ મુંબઈ તરફથી ટીવી શો નો પ્રોગ્રામ હતો. તેમાં જજ તરીકે નિમંત્રિત કરવામાં આવતા રિયા ગોસ્વામી ત્યાં જજ તરીકે ગઈ હતી. અને કાર્યક્રમ ચાલુ હતો. એ દરમિયાન સાંજે સાતેક વાગ્યે ચેતન ગજેન્દ્ર પરમાર નામનો શખ્સ ત્યાં હોલમાં આવી પહોંચ્યો હતો અને પ્રોડ્યુસર ને કહેવા લાગ્યો હતો કે તમારો શો બંધ કરો તેમ કરી પ્રોડ્યુસરને બહાર લઈ ગયો હતો.
આથી રિયાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો અને હોલની સીડી પાસે ઉભી હતી ત્યારે ચેતને ત્યાં આવીને રિયા નો ક્રાઉન એટલે કે તાજ હાથમાંથી ઝૂંટવીને તોડી નાખ્યો હતો. અને ગાળો આપી વાળ પકડી ઢિકા પાટુનો માર મારવા લાગ્યો હતો અને “તું મને હવે ક્યાંય મળે તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપીને ભાગી ગયો હતો. તે પછી પોલીસ વાન આવી જતા તેમાં જ બેસીને રિયા ગોસ્વામી કમલાબાગ પોલીસ સ્ટેશને આવી હતી અને માતા તરુણાબેન સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આ યુવાન સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
ફરિયાદ માં તેણે એવું પણ જણાવ્યું છે કે ચેતન ગજેન્દ્ર પરમાર છેલ્લા એક વર્ષથી રિયાને હેરાન કરતો હતો અને ઘરની બહાર કોઈ જગ્યાએ નીકળે તો તેનો પીછો કરતો હતો અને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો અને મોઢેથી સીટીઓ મારી ક્યારેક તેના મોટરસાયકલ નું લીવર આપી બાઈક રેસ કરીને પીછો કરી હેરાન પરેશાન કરતો હતો અને ગઈકાલે પણ તેને ખબર પડી કે ટીવી સો ઓડીશનના પ્રોગ્રામમાં જજ તરીકે છે એટલે આયોજકોની વચ્ચે જ ગાળો કાઢી વાળ પકડી ઢીકા પાટુનો માર મારી હત્યાની ધમકી આપી હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ રિયા ગોસ્વામી થોડા દિવસ પહેલા રાત્રિના સમયે દારૂ પીધેલી હાલતમાં સત્યનારાયણ મંદિર પાસેથી જાહેરમાં પકડાઈ હતી ત્યારે પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યા હતા અને તેમાં તેને મૌખિક રીતે એવું જણાવ્યું હતું કે દારૂ પીવડાવીને તેને માર મારવામાં આવ્યો હતો અને તેનો મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો હતો. પરંતુ જે તે સમયે માત્ર પ્રોહિબિશનનો જ ગુનો રિયા સામે નોંધાયો હતો. તે સિવાય અન્ય કોઈ સામે કાર્યવાહી થઈ ન હતી ત્યારે હવે તેણે હિંમત કરીને ચેતન ગજેન્દ્ર પરમાર સામે સતામણી કરી હેરાન પરેશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ગુન્હો નોંધી ચેતનની ધરપકડની તજવીજ હાથ ધરી છે.