Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના ત્રણ યુવાનોની હત્યા સામે ભારે રોષ:પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા આવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે અને તાજેતરમાં ત્રણ-ત્રણ યુવાનોની હત્યા થઇ છે ત્યારે પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા રોષપૂર્વક કલેકટર ને આવેદન પાઠવાયું છે.

પોરબંદર તાલુકા વણકર સમાજ (અનુસૂચિત જાતિ ટ્રસ્ટ) દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાતમાં અનુસુચિત જાતિના બે સગા ભાઇઓની સરા જાહેર હત્યાની શાહી સુકાણી નથી ત્યાં આજરોજ ૧૮ વર્ષના યુવાનની હત્યા એ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે વકરી ગયેલ છે. અને અનુસૂચિત જાતિ સમાજના કોઇ વ્યક્તિઓ ગુજરાતમાં સલામત નથી તેની સ્પષ્ટ સ્થિતિ દર્શાવે છે જેને અમારો સમાજ વખોડી કાઢે છે.

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર દિન-પ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે. તેની અમારો સમાજ ગંભીર નોંધ લઇ રહ્યો છે અને તેથી આપને આ બાબતે દરમ્યાનગીરી કરવા અપીલ કરીએ છીએ.

ઉપરોકત બનાવ પહેલા ૧૧ જુલાઇ ૨૦૧૬ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે પણ અનુસુચિત જાતિ ઉપર જાહેરમાં અત્યાચાર કરવામાં આવેલ હતો તેમ છતાં ગુજરાતમાં આજ પ્રકારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોવાનું બનતા બનાવો આધારે સ્પષ્ટ ફલિત થાય છે. અને વર્તમાન સરકાર આવો હુમલાઓ રોકવામાં નિષ્ફળ રહેલ હોવાનું સ્પષ્ટ થાય છે. કહેવાતી રીતે અનુસુચિત જાતિ સમાજને સમાન સ્થાન આપ્યાના ગાણા ગાવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ અનુસુચિત જાતિ સમાજને ઘોડી ઉપર બેસીને જાહેરમાં ફૂલેકું ફેરવવાનો હક્ક અધિકાર રહેલ નથી જે ખૂબજ દુઃખદ બાબત હોવાનું અમારો સમાજ અનુભવી રહ્યો છે.

કહેવાતી રીતે અનુસુચિત જાતિ સમાજને સમાન સ્થાન આપ્યાના ગાણાં ગાવામાં આવી રહ્યા છે પરંતુ આજે પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો મુછ રાખે તો અપરાધ હોય તે રીતે તે ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે જે પણ ખૂબજ દુઃખદ બાબત હોવાનું અમારો સમાજ અનુભવી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમાજને સરકાર દ્વારા સાંથણીમાં ફાળવવામાં આવતી જમીનો પણ સરકારના અધિકારીઓ દ્વારા શરતભંગના ખોટા કેસોના આધારે સરકારમાં દાખલ કરીને ખોટી રીતે પડાવી રહ્યા હોય મૂળભુત હક્ક અનુસૂચિત સમાજને ન હોવાનું સમાજ અનુભવી રહ્યું છે.

ઉપરોકત તમામ વિગતવારની હકીકતે અનુસૂચિત જાતિ સમાજને માત્ર કાગળ ઉપર મળેલા માનવ અધિકારનું સ્પષ્ટ રીતે હનન થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ થતું હોવાનું સમાજ અનુભવી રહ્યું છે. ટુંકમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અનુસુચિત જાતિ સમાજના લોકોને જાણી જોઇને નિશાન બનાવવામાં આવી રહ્યા હોય અને વર્તમાન સરકાર અનુસૂચિત જાતિ સમાજને રક્ષણ આપી શકતી નથી તેના કારણે ગુજરાત રાજ્યમાં અસંખ્ય બનાવ ખુલ્લેઆમ બની રહ્યા હોય અને અનુસૂચિત જાતિસમાજ ઉપર અત્યાચાર કરનાર વર્ગને જાણે કાયદાની કોઇ બીક ભય ન હોય તેમ બેફામ બનીને જાહેરમાં અત્યાચારના કૃત્યો કરી રહ્યા હોય અને આવા જાહેર અત્યાચાર કરનારને રાજકીય ઓથ હોવાથી અને આર્થિક રીતે સધ્ધર હોવાથી તેના જોરે તેમની સામેના અત્યાચારના કેસમાં નિર્દોષ છૂટી જતા હોવાથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યાચાર કરવાનું લાયસન્સ મળી ગયું હોય તે રીતે ગુજરાતમાં ઉતરોઉતર અત્યાચારો વધી રહ્યા હોય અત્યાચારો કરનાર સામેના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટ ખાસ માત્ર એટ્રોસીટી માટેની કોર્ટ બનાવી તેમાં કેસો ચલાવી જવાબદારો સામે કાનૂની કાર્યવાહી થાય અને જવાબદારોને સખતમાં સખત સજા સંબંધે યોગ્ય કાર્યવાહી કરવા હાલના આવેદનથી આપને અપીલ કરીએ છીએ.

ઉપરોકત તમામ વિગતવારની હકીકતે આપ મહામહિમને હાલની ફરીયાદથી અપીલકરીએ છીએ કે અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપરના અત્યાચારો બંધ થાય અને આવા અત્યાચારો કરનારને બનાવ બન્યાના ટુંક સમયમાં ન્યાય મળે અને અત્યાચાર કરનારને કાયદાએ નક્કી કરેલ મહતમ સજા તાત્કાલિક મળે તો જ અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર કરનારાઓને કાયદાનું ભાન થાય તેવી યોગ્ય કાર્યવાહી કરવા અમો અનુસુચિત જાતિ સમાજના સમગ્ર લોકો વતી આ આવેદનથી આપને અમારી રજૂઆત છે રજૂઆત માં એડવોકેટ વ્રજલાલ સાદિયા,કિશન રાઠોડ સહિત અનેક અગ્રીઓ જોડાયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે