પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ને રાષ્ટ્રીય શિક્ષણ મૂલ્યાંકન સંસ્થા દ્વારા એ ગ્રેડ એનાયત થતા શિક્ષણ જગત માં ખુશી જોવા મળે છે.
પોરબંદર વિસ્તારમાં નારી શિક્ષણક્ષેત્રે છેલ્લા ૩૬ વર્ષથી આગવું અને અનોખું સ્થાન ધરાવતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત પોરબંદરની શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં અગ્રેસર ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજે રાષ્ટ્રીય શિક્ષણ મૂલ્યાંકન સંસ્થામાં ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ થી ત્રણ સાયકલમાં ભાગ લઈ ચૂકી હતી. જેમાં અનુક્રમે C++, B અને B++ ગ્રેડ મેળવ્યો હતો. ત્યારપછી ચોથી સાયકલમાં દર પાંચ વર્ષે થતા મૂલ્યાંકનમાં ૨૦૨૨ ની રાષ્ટ્રીય શિક્ષણ મૂલ્યાંકન સંસ્થામાં ચોથી સાયકલમાં સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. આ વખતની તૈયારી વિશિષ્ટ હતી કારણ કે અગાઉના સમયમાં યુજીસીની રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા નેક (નેશનલ એસેસમેન્ટ અને એક્રીડીટીશન કાઉન્સીલ) દ્વારા કોલેજ દ્વારા અહેવાલ મોકલવામાં આવતો જેને પ્રમાણિત કરવા માટે ભારતવર્ષમાંથી ત્રણ શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી કોલેજની સ્થળ પર મુલાકાત લઈ બેંગ્લોર હેડ કવાર્ટર પર રિપોર્ટ મોકલી ગ્રેડની જાહેરાત કરવામાં આવતી હતી.
પરંતુ NAAC દ્વારા વધારે તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરવા માટે નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. તેના દ્વારા ગોઢાણિયા મહિલા કોલેજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન પદ્ધતિમાં અનેક તબક્કાઓમાંથી કોલેજે પસાર થવું પડે છે. જેમ કે સૌ પ્રથમ ઓનલાઈન સેલ્ફ સ્ટડી રિપોર્ટ સબમીટ કરવાનો હોય છે. જેનો અભ્યાસ કમ્પ્યૂટરની AI સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આ સેલ્ફ સ્ટડી રિપોર્ટના ડેટાના આધારે DVV પ્રોસેસમાં કેટલાક મુદ્દાઓના ખુલાસા માંગવામાં આવે છે. જેને ડેટા વેલીડેશન અને વીરીફીકેશન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. આ કવેરીના સંતોષજનક ઉત્ત૨ જણાય તો જ સંસ્થાને આગળની પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં આવે છે. ગોઢાણિયા મહિલા કોલેજે નિશ્ચિત સમયગાળામાં આ તબક્કો પાસ કર્યો હતો.
ત્યારબાદ બેંગ્લોર હેડ કવાર્ટર દ્વારા સ્ટુડન્ટ સેટીશફેશન સર્વે હાથ ધરવામાં આવે છે. જેમાં ઈન્સ્ટીટયૂટને જાણ કર્યા વગર સંસ્થાની વિદ્યાર્થીનીઓ પાસેથી સંસ્થાની વિગત જાણવામાં આવે છે. આ વિગત જાણવા માટે નેક ફક્ત વિદ્યાર્થીનીઓના ઈ મેઈલ એડ્રેસનો ઉપયોગ કરે છે. આ ઈ મેઈલ એડ્રેસને ઓટીપી થી પ્રમાણિત કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીનીઓના સાચા મોબાઈલ નંબર હોય તો જ આ વાત શકય બને છે. આ તબક્કામાં અમૂક ટકાવારી કરતા વધારે વિદ્યાર્થીનીઓ ભાગ લે તો જ સંસ્થાને તે પછીના તબક્કામાં ભાગ લેવા દેવામાં આવે છે. આ તબક્કામાં ગોઢાણિયા મહિલા કોલેજ સફળ રહી હતી.
અંતિમ તબક્કામાં બેંગ્લોર હેડ ક્વાર્ટર દ્વારા ભારતવર્ષની જુદી જુદી જગ્યાએથી ત્રણ વ્યક્તિની ટીમ સ્થળ પર બે દિવસ મુલાકાત લઈ, વાલી, ભૂતપૂર્વ વિધાર્થીની, પ્રવર્તમાન વિધાર્થીનીઓને મળીને પોતાનો અહેવાલ બેંગ્લોર હેડકવાર્ટરને મોકલાવે છે. આ પ્રક્રિયાં તા. ૧૮, ૧૯ ઓકટોબર ૨૦૨૩ ના રોજ ચેરમેન તરીકે હરીયાણા સેન્ટ્રલ યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. સંજીવકુમાર, દિલ્હીની જામીયા મીલીયા ઈસ્લામીયા યુનિવર્સિટીના ઈકોનોમીક્સ ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર ડો. હલીમા રીઝવી તથા કેરાલાથી રિટાયર્ડ પ્રિન્સીપાલ ડો. સંધ્યા નાયર કોલેજમાં પધાર્યા હતા અને આ તબક્કો પણ ગોઢાણિયા મહિલા કોલેજે સફળતાપૂર્વક પાર પાડેલ હતો.
SSR ના ૬૨% અને નેક પીઅર ટીમના રૂબરૂ મુલાકાતના ૩૮૪ ગણીને કુલ ૧૦૦% માંથી મૂલ્યાંકનને નેકની બેંગ્લોર હેડકવાર્ટરની એકઝીકયુટીવ કમિટિ પ્રમાણિત કરે છે અને સંસ્થાને ગ્રેડ આપે છે. આ પ્રકારના ગ્રેડ માટે સંસ્થાનું ભણતરનું માળખું, કલાસરૂમની સુવિધા, કોમ્પ્યુટર લેબ, ઓડીટોરીયમ, સેન્ટ્રલ હોલ, હોસ્ટેલ સુવિધા, રમતગમતની સુવિધા, એન.એસ.એસ., એન.સી.સી., વાય.આર.એસ. જેવી એક્ષટેન્શન પ્રવૃત્તિઓ, હેલ્થ સેન્ટર, કેરીયર કાઉન્સેલીંગ, વગેરે બાબતોને ઘ્યાનમાં રાખીને ગોઢાણિયા મહિલા કોલેજે ‘A’ ગ્રેડ મેળવીને સમગ્ર પોરબંદર પંથકનું જ નહી પરંતુ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધારેલ છે.
આ પીઅર ટીમના મેમ્બરોએ પોરબંદરમાં ૨૦૦૦ વિદ્યાર્થીનીઓનો યુ.જી. અને પી.જી.માં સમાવેશ કરતી સંસ્થાને નિહાળીને સંસ્થાના પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢાણિયાના મેનેજમેન્ટના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે અમે ભારતમાં ઘણી બધી સંસ્થાઓની મુલાકાત લેતા હોઈએ છીએ પરંતુ આપની સંસ્થાની મુલાકાત લઈને અમે ખૂબ અભિભૂત થયા છે. આ ‘A’ ગ્રેડ ૨૭ નવેમ્બર, ૨૦૨૩ થી ૨૭ નવેમ્બર ૨૦૧૮ સુધી પ્રમાણિત રહેશે. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહ અને કોઓર્ડીનેટર ડો. ઋષી પંડયા સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ છેલ્લા ઘણા મહિનાથી મહેનત કરતો હતો.
ગોઢાણિયા મહિલા કોલેજની આ જવલંત સિદ્ધિ બદલ શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે નવી શિક્ષણનીતિ એન.પી.ઈ.માં હોલીસ્ટીક ડેવલપમેન્ટનો જે ધ્યેય રાખવામાં આવ્યો છે તેને સુસંગત રોડમેપ મહિલા કોલેજે તૈયાર કર્યો હતો જેનાથી કોલેજને ઉત્તમથી સર્વોતમ તરફ લઈ જવાનું લક્ષ્ય સિદ્ધ થયું છે. આ તકે મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, એકેડમીક ટ્રસ્ટી હિનાબેન ઓડેદરા, બી.એડ. કોલેજના ડાયરેકટર ઈશ્વરભાઈ ભરડા તથા સમગ્ર ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા હતા.




