પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે ગૃહપિત તરીકે સતત સેવારત એવા આદરણીય શ્રીહરિપ્રસાદ બોબડેજીનું સંસ્કૃત ભાષા માટે તેમજ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે જીવન સમર્પિત કરવા બદલ તાજેતરમાં તા. ૧૭-૦૩-૨૪ ના રોજ અમદાવાદ ખાતે અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ અને સન્માન સમારોહમાં કેરલ રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી મહામહિમ આરિફ મોહમ્મદખાન દ્વારા સારસ્વત સન્માન કરવામાં આવ્યું.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લાના, તુર્કાબાદ તાલુકાના રાજુરા જેવા નાના એવા ગામમાં મહારાષ્ટ્રીય બ્રાહ્મણ પરિવારમાં શ્રીહરિ પ્રસાદ બોબડેજીનો જન્મ થયેલો. પરિવારની સ્થિતિ ખુબજ સાધારણ હોવા છતાં પિતાજી શિક્ષણના દૃઢ આગ્રહી તેથી ધોરણ ૧ થી ૧૦ સુધીનો અભ્યાસ પોતાના ગામ રાજુરામાં જ કરેલો. આ અભ્યાસના સમયગાળામાં સંસ્કૃત ભાષા પ્રત્યે એમની વિશેષ રૂચી જાગી હતી તેથી ઈ.સ. ૧૯૭૨માં મેટ્રિક પાસ કરીને આગળના સંસ્કૃતના અભ્યાસ માટે થઇને ઉત્તરાંચલમાં ઋષિકેશ ગયા હતા. સંસ્કૃત પ્રથમાનો અભ્યાસ ઋષિકેશમાં કરીને મધ્યમા (ધો.૧૧ અને ૧૨) થી લઈને શાસ્ત્રી (બી.એ.) અને સંસ્કૃત વ્યાકરણમાં આચાર્ય (એમ.એ.) સુધીનો અભ્યાસ તેઓએ શ્રી વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલય અંતર્ગત શ્રી મોતીનાથ સંસ્કૃત મહાવિદ્યાલય, દિલ્હી ખાતે કરીને સંસ્કૃત ભાષાના ખુબ જ કઠીન કહેવાતા નવ્યવ્યાકરણ જેવા વિષયમાં આચાર્યમાં (એમ.એ.)માં પ્રથમશ્રેણીમાં ઉત્તીર્ણ થયા હતા.
અભ્યાસ પૂરો થયા બાદ થોડા સમય પછી તેઓ ગુજરાતમાં પોરબંદર શહેરથી થોડે દુર બાબડા ગામે બાબડેશ્વર મહાદેવ મંદિરના સાન્નિધ્યમાં શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં વર્ષ ૧૯૮૬ સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક તરીકે જોડાયા. અમુક વર્ષો બાદ પૂજ્ય ભાઈશ્રીની આજ્ઞા અનુસાર ઈ.સ. ૧૯૯3માં અધ્યાપન તરીકેને કાર્યની સાથે-સાથે વિદ્યાર્થીઓના ઘડતર માટે થઈને ગૃહપિતા તરીકેની પણ વિશેષ જવાબદારી સોપવામાં આવી. આ રીતે છેલ્લા ૪૦થી વર્ષોથી આજ સુધી તેઓ સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુળમાં અધ્યાપનકાર્ય સાથે ગૃહપિતા તરીકે એક સંનિષ્ઠ સેવક તરીકે ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેઓના માર્ગદર્શન આજે અનેક ઋષિકુમારો પોતાના જીવનમાં ખુબ જ અગ્રેસર રહ્યા છે.
સાંદીપનિમાં સંસ્કૃત ભાષા અને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે થઈને પોતાનું જીવન સમર્પિત કરવા બદલ અમદાવાદની અચલા એજ્યુકેશન અને ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત મૂલ્ય શિક્ષણ પર આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ અને એ સાથે ઉષ્માસભર સન્માન સમારોહમાં કેરળ પ્રાંતના આદરણીય રાજ્યપાલ મહામહીમ આરિફ મોહમ્મદખાન દ્વારા આદરણીય શ્રીહરિપ્રસાદ બોબડેજીનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું. આ અવસરે ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવશ્રી કે.પી.લહેરી સાહેબ, વરિષ્ઠ પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુરુગોવિંદસિંહ યુનીવર્સીટીના કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મફતલાલ પટેલ, તેમજ ટ્રસ્ટી શ્રી શ્વેતાંકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન દધીચિભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.
પૂજ્ય ભાઈશ્રી દ્વારા આદરણીય શ્રી બોબડેજીનું અભિવાદન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે ચાલી રહેલા શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર સપ્તદિવસીય પ્રવચનની છઠ્ઠી શ્રેણી ચાલી રહી છે. તેમાં તા.૧૯-૦૩-૨૪ ના રોજ ચોથા દિવસના અપરાહ્ન સત્રની પૂર્ણાહુતી સમયે તાજેતરમાં અમદાવાદના અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેરળ પ્રાંતના મહામહિમ રાજ્યપાલશ્રી દ્વારા સારસ્વત સન્માનથી સન્માનિત થયેલા સાંદીપનિ ઋષિકુળના ગૃહપિતા આદરણીય શ્રીહરિ પ્રસાદ બોબડેજીનું પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.
આદરણીય ગુરુજી શ્રીબોબડેજીનો પ્રતિભાવ
અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે મને સારસ્વત સન્માન પ્રાપ્ત થયું છે એના માટે હું યોગ્ય છું કે નહિ એ નથી જાણતો પરંતુ પૂજ્ય ભાઈશ્રીના આદેશથી આ સારસ્વત સન્માન મેં સ્વીકાર્યું છે. પરંતુ વાસ્તવિક રીતે મારા માટે તો પૂજ્ય ભાઈશ્રીની છત્રછાયામાં, સાન્નિધ્યમાં, એમના ચરણોમાં નિર્વિઘ્ને રહીને ૪૦ વર્ષથી જે સેવા કરવાનો અવસર મળી રહ્યો છે એ જ મારા માટે જીવનનો સૌથી મોટો પુરસ્કાર છે.
પૂજ્ય ભાઇશ્રીના આશીર્વચન
શ્રીવિષ્ણુ સહસ્રનામ પ્રવચન સ્તોત્રના ચોથા દિવસના બીજા સત્રમાં પુર્ણાહુતી સમયે પૂજ્ય ભાઈશ્રીએ શ્રી બોબડેજીનું આશીર્વાદ સહ અભિવાદન કરીને જણાવ્યું કે બધા જ ઋષિકુમારો, ટ્રસ્ટીઓ અને વ્યક્તિગત રીતે મારો બોબડેજી પ્રત્યે જે પ્રેમ અને આદર છે કે તેઓએ સંસ્થા માટે ૪૦ વર્ષ આપી દીધા એનું તાત્પર્ય છે કે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. જ્યારથી સંસ્થામાં જોડાયા છે ત્યારથી આ સંસ્થાનો અને ઋષિકુળનો વિકાસ કરવામાં એમનો સિંહફાળો રહ્યો છે. શરૂઆતમાં તો ઋષિકુળ છાત્રાલયની સાથે-સાથે અતિથીભવન, ખેતીવાડી, ગૌશાળા વગેરે બધું એ જ સંભાળતા હતા. અત્યારે જે સાંદીપનિ ઋષિકુળમાં અનુશાસન અને યોગ્ય વ્યવસ્થાનું વાતાવરણ છે જેના માટે સાંદીપનિ ઓળખાય છે એ એમના થકી છે. શ્રી બોબડેજી વિદ્યાર્થીઓના ગુરુ પણ છે, પિતા પણ છે. એમના પ્રત્યે પ્રેમ પણ છે અને જરૂર પડ્યે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે થઈને ભય પણ છે. આથી સંપૂર્ણ અનુશાસન અને સેવાની વૃત્તિ જે વિદ્યાર્થીઓમાં આવે છે એ બધા સંસ્કાર એમના થકી છે. વિદ્યાર્થીઓ જયારે અહી રહે છે તો તેઓ જ એમના માટે માતા,પિતા અને ગુરુ છે. અને છાત્રજીવનમાં તેઓ જ એમના છત્ર બનીને તાપ અને વર્ષાથી એમની રક્ષા કરે છે.
ઋષિકુમારો સાથે સવારે ઉઠવાથી લઈને રાત્રિમાં જયારે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કરે ત્યાં સુધી સાથે રહે, પરીક્ષામાં વિશેષ ધ્યાન આપવું, છાત્ર બીમાર હોય તો એની ચિંતા કરવી, એમના માતા-પિતા સાથે નિયમપૂર્વક વાતચીત કરાવવી વગેરે-વગેરે વિદ્યાર્થીઓ માટે થઈને ઘણું કાર્ય અનેક વર્ષોથી થાક્યા વિના કરતા આવ્યા છે. શ્રીહરિની કૃપાથી તેઓ એકદમ સ્વસ્થ અને ફીટ છે તો મેં એજ બોબડેજીને કહ્યું કે આજ રીતે સ્વસ્થ, ઉત્સાહ અને ઉર્જાથી ભર્યા રહો અને સાંદીપનિ ઋષિકુળની યાત્રા આજ રીતે આપણા માર્ગદર્શનમાં ચાલતી રહે. હું આજે ખુબ પ્રસન્ન છું કે અમદાવાદની અચલા એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં કેરલ પ્રાંતના મહામહિમ રાજ્યપાલ દ્વારા આદરણીય શ્રીબોબડેજીનું સારસ્વત સન્માન થયું. આ માત્ર આદરણીય શ્રીબોબેડેજી ગુરુજીનું સન્માન નહિ પરંતુ સમગ્ર સાંદીપનિનું સન્માન છે. ખુબ ખુબ અભિનંદન, આશિષ, આપ ચિરાયું, નિરામય, અનામય રહો અને આપનું જીવન દીર્ઘજીવન અને દિવ્યજીવન રહે, એવી ભગવાનની કૃપા રહે. આ સર્વે ઋષિકુમારો આપના પ્રેમરૂપી છત્રછાયામાં સંપોષિત થાય, વિકસિત થાય અને સદૈવ વેદોની, વૈદિક સાહિત્યની, સનાતન ધર્મની રક્ષા કરતા રહે.
આ અવસરે સાંદીપનિના સૌ ટ્રસ્ટીઓએ, સૌ અધ્યાપકગણ અને સાંદીપનિ ઋષિકુળના સૌ દેશ-વિદેશમાં વસતા સૌ ભૂતપૂર્વ ઋષીઓ અને વર્તમાન ઋષિકુમારોએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરીને આદરણીય ગુરુજી શ્રીબોબડેજીને અભિનંદન પાઠવ્યા હતા.