પોરબંદર એસપી કચેરી ની પાછળ પસાર થતી યુવતી ને શખ્શે ચિઠ્ઠીઓ આપી હેરાન કરતા યુવતી અને તેનો પરિવાર સમજાવવા જતા શખ્સ અને તેની માતા એ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરની ૧૮ વર્ષીય યુવતીએ કમલાબાગ પોલીસમથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે કોલેજમાં અભ્યાસ કરે છે અને તા. ૨૦-૮થી તા. ૨૧-૧૦ સુધી છેલ્લા બે મહિનાથી જયારે જ્યારે કોલેજે જતી ત્યારે એસપી ક્ચેરી ની પાછળ ના રસ્તે જતી હતી. તે સમયે ઝુરીબાગ હજુર પેલેસ પાછળ ચામુંડા મંદિરવાળી ગલીમાં રહેતો રોહન ઉર્ફે તુષાર હરીશ પ્રશ્નોરા નામનો શખ્સ તેનો પીછો કરતો હતો અને કાગળમાં ચીઠ્ઠી લખીને આપતો હતો તથા હેરાન-પરેશાન કરતો હતો આથી આ અંગે તેણે પોતાના માતા-પિતાને વાત કરી હતી. આથી યુવતી અને તેના માતા-પિતા રોહનને ઘરે સમજાવવા ગયા ત્યારે રોહન તથા તેની માતા મીનાબેને યુવતી તથા તેના માતા-પિતાને ગાળો દઈ અભદ્ર ભાષામાં વાત કરી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે માતા પુત્ર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર ના છાયા ચોકી પેટ્રોલ પમ્પ થી બિરલા હોલ તરફ જતો રસ્તો અને બિરલા હોલ થી પેરેડાઇઝ ફુવારા તરફ જતો રસ્તો રોમીયોગીરી કરતા શખ્સો નો અડ્ડો બની ગયો હોય તેમ આ બન્ને માર્ગો પર કેટલાક નબીરાઓ પડ્યા પાથર્યા રહે છે તો કેટલાક કાર માં અખો દિવસ આ માર્ગ પર જ આંટાફેરા કરતા નજરે ચડે છે .ત્યારે પોલીસે કડક પેટ્રોલિંગ કરી આવા તત્વો પર લગામ લાવવી જરૂરી બની છે.