પોરબંદર ના ભાજપ અગ્રણી લીલાભાઈ પરમારે અન્ય જીલ્લા ના વિદ્યાર્થીઓ પોરબંદર જીલ્લા માં નવોદય વિદ્યાલય માં પ્રવેશ માટે શાળાઓ માં બોગસ એડમીશન લઇ કૌભાંડ આચરતા હોવાની રજૂઆત બાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને પરિપત્ર જાહેર કરી સુચના આપી છે.
પોરબંદર જીલ્લા ની તમામ સરકારી અને ખાનગી શાળાઓ ના આચાર્ય ને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર આપી જણાવ્યું છે કે જવાહર નવોદય માં જે તે જિલ્લાના બાળકોને જ પ્રવેશ આપવાનો હોવા છતાં આપણા જિલ્લાની અમુક ખાનગી શાળાઓ દ્વારા વ્યવસ્થિત કૌભાંડ આચરી અન્ય જિલ્લાના બાળકોને પોતાની શાળામાં બોગસ પ્રવેશ આપતી હોવા અંગે રજૂઆત થઇ છે. આથી જિલ્લાની તમામ ખાનગી તથા સરકારી પ્રાથમિક શાળામાં બોગસ પ્રવેશ ન આપવા જણાવ્યું છે.
તથા અન્ય જિલ્લાના ધોરણ ૩ થી ૫ ના વિધાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય અને લાંબા સમયથી સતત ગેર હાજર રહેતા હોય તો તેવા વિધાર્થીઓના તાત્કાલીક નામ કમી કરવાના રહેશે. તેવું પણ જણાવ્યું છે. વધુ માં એવું પણ જણાવ્યું છે કે આ બાબતે તપાસ દરમ્યાન શાળામાં બોગસ પ્રવેશ માલુમ પડશે તો શાળાના આચાર્ય વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ખાનગી શાળાની માન્યતા રદ કરવા અંગે તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સરકારી શાળામાં આ બાબતે ક્ષતી માલૂમ પડશે તો નિયમાનુસાર સબંધિતો સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.