પોરબંદર માં રજા ના દિવસો માં પણ પ્રાંત અધિકારી અને ટીમે બળેજ ગામે દરોડો પાડી સરકારી જમીન પર ધમધમતી ૨ ખાણો ઝડપી લીધી છે અને સ્થળ પર થી લાખો રૂ નો મુદામાલ સીઝ કર્યો છે.આ ખાણો રાજકીય આગેવાનો ની મીઠી નજર અને મિલીભગત થી ચાલુ હોવાનું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે દરોડા ના પગલે ખનીજચોરો માં ફફડાટ જોવા મળે છે અને આ દરોડા નો દોર હજુ પણ યથાવત રહે તેવી માંગ ઉઠી છે.
પોરબંદર જીલ્લા ના મિયાણી થી માધવપુર ની દરિયાઈ પટ્ટી પર દિવાળી ની રજાઓ બાદ ખનીજચોરો સક્રિય થયા છે. અનેક જગ્યા એ સરકારી અને ગૌચર ની જમીનો પર ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી ને રાત્રી ને સમયે મોટી માત્રા માં ગેરકાયદે ખાણો ધમધમે છે. ત્યારે હાલ ક્રિસમસ સહિતની ૩ દિવસ ની રજા દરમ્યાન અધિકારીઓ રજા ના મૂડ માં હોવાનું માની બળેજ ગામે સરકારી જમીન પર ખાણો ધોળે દિવસે પણ ધમધમી રહી હતી. જે અંગે પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ ને માહિતી મળતા તેઓએ કલેકટર લાખાણી ના માર્ગદર્શન હેઠળ ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં બે સ્થળે થી સરકારી જમીન પર ચાલતી ખાણો ઝડપી લીધી છે. અને સ્થળ પર થી ૬ ચકરડી મશીન,૨ જનરેટર,૩ ટ્રેક્ટર,૧ ટ્રક મળી લાખો નો મુદામાલ સીઝ કરી પોલીસ ને સોપ્યો છે. અને ખાણખનીજ વિભાગ ને જાણ કરતા તેમના દ્વારા સ્થળ પર થી કેટલી ખનીજચોરી થઇ છે. તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર જીલ્લા માં દરિયાઈ રેતી ચોરી,નદી ની રેતી ચોરી,લાઈમ સ્ટોન અને બિલ્ડીંગ સ્ટોન સહિતની ખનીજચોરી બેફામપણે ચાલી રહી છે. પરંતુ આ ખનીજચોરી અટકાવવાની જવાબદારી જેની છે તે ખાણખનીજ વિભાગ હજુ પણ ઊંઘ માં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ તંત્ર દ્વારા એક માસ માં આ ચોથો દરોડો પાડવામાં આવ્યો છે. ગેરકાયદે ખાણો સ્થાનિક રાજકીય આગેવાનો ની મીઠી નજર હેઠળ ધમધમતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.