પોરબંદર ની વિખ્યાત ખાજલી, હાથશાળ, ઘેડના ચણા અને ચોક પાવડરને જી આઈ ટેગ સર્ટિફિકેશન મળી શકતું હોવા અંગે ઇડીઆઈ આઈ દ્વારા વિસ્તૃતમાં માહિતી અપાઇ હતી.આપણા દેશમાં ઉત્પન્ન થતી વિવિધ પ્રજાતીના વનસ્પતીઓ, વિવિધ ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો અને કળાના વિવિધ નમૂનાઓની વિદેશોમાં અઢળક માગ છે. વિદેશીઓ તેના વખાણ કરતા થકતા નથી. તેમાંય ભારતના કેટલાક ખાદ્ય પદાર્થો અને પીણા એવા છે જેણે દુનિયાભરના લોકોને ઘેલું લગાડેલું છે. ખાસ કરીને ભારતના એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જેને વિદેશોએ પણ GI ટેગ આપીને માન્યતાપ્રાપ્ત પદાર્થ જાહેર કર્યા છે. વિદેશોના GI ટેગ બાદ આ પદાર્થોના માનસન્માન અને માગમાં અધધ વધારો થયો છે.
પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે મિટીંગ યોજાઇ હતી. જેમાં ગાંધીનગર ખાતે આવેલ EDII સંસ્થાના GI TAG સર્ટિફિકેશનના નિષ્ણાંત ચાવડા હાજર રહ્યા હતા. આ મિટિંગમાં GI TAG સર્ટિફિકેશન અંગે માહિતી આપી હતી. GI TAG એટલે જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન જેને ગુજરાતીમાં ભોગોલિક સંકેત એમ કહી શકાય. પોરબંદર જિલ્લાના ખાજલી, હાથશાળ, ઘેડના ચણા અને ચોક પાવડરના કારીગરો તેમજ વેપારી હાજર રહ્યા હતા. અને તેઓએ GI TAG સર્ટિફિકેશન અંગે ઉંડાણપૂર્વક જાણકારી લીધી હતી. પોરબંદર જિલ્લાની ૪ જેટલી પ્રોડક્ટને ટેગ મળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. આ ૪ પ્રોડક્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વેપારી મિત્રોને GI TAG સર્ટિફિકેશનના ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી.
કારીગરો તેમજ વેપારી મિત્રોએ જણાવેલ પ્રશ્નની પણ ચર્ચા કરી હતી. પોરબંદર જિલ્લામાં ખાજલીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહી છે, આ પ્રકારની ખાજલી અન્ય જિલ્લામાં ઉત્પાદન થવું મુશ્કેલ હોય, ખાજલી માટે અનુકૂળ વાતાવરણ માત્ર પોરબંદર જિલ્લામાં જ જોવા મળતું હોય, જેથી આ પ્રોડક્ટને GI TAG સર્ટિફિકેશન મળવું જરૂરી છે. પોરબંદર જિલ્લાના વણકરભાઈ વંશ પરંપરાગત રીતે વણાટ કામ કરી શાલ, ધાબડા બનાવે છે, આ પ્રોડક્ટ GI TAG સર્ટિફિકેશન મળી શકે છે. જિલ્લામાં ઘેડના ચણાનું સારું વાવેતર થઈ રહ્યું છે તેને પણ GI TAG સર્ટિફિકેશન મળી શકે છે, સાથે આદિત્યાણા માંથી મળી આવતો ચોક પાવડર ભારતમાં અન્ય જગ્યા એથી પ્રાપ્ત થતો નથી, તો આ પાવડરને GI TAG સર્ટિફિકેશન મળી શકે છે. GI TAG સર્ટિફિકેશન લેવા માટેની પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હતી. આ મિટિંગમાં કારીગરોને GI TAG સર્ટિફિકેશન માટે EDII દરેક રીતે મદદ રૂપ થશે. તેમજ જરૂરી માર્ગદર્શન આપશે, તેવું જણાવ્યું હતું. આ મિટિંગમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી.આર.પરમાર તેમજ અન્ય કર્મચારી હાજર રહ્યા હતા. આ મિટીગનું આયોજન અને સંચાલન જિગર પંડયાએ કર્યું હતુ.
શું છે આ જીઆઈ ટેગ અને તેના થી શું થશે ફાયદો
GI નો સંપૂર્ણ અર્થ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે. GI ટેગ ઉત્પાદનને તેના મૂળ પ્રદેશ સાથે જોડવા માટે આપવામાં આવે છે. GI ટેગ ઉત્પાદનની વિશેષતાઓ જણાવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો GI ટેગ જણાવે છે કે કોઈ ચોક્કસ ઉત્પાદન ક્યાં થાય છે અને અથવા તે ક્યાં બનાવવામાં આવે છે. તે ફક્ત તે ઉત્પાદનોને આપવામાં આવે છે જે તેમના પ્રદેશની વિશેષતા ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીઆઈ ટેગ એ વાતનું પ્રમાણ છે કે જે તે ઉત્પાદન માત્ર તે જગ્યાએ જ થાય છે. કોઈ ચોક્કસ વિસ્તારમાં થતી ખેતી, કુદરતી અથવા તો કુદરતી સંસાધનોની મદદથી થતા ઉત્પાદનો, હસ્તશિલ્પ, ઔદ્યોગિક વસ્તુઓ, વિશેષ કળા વગેરેને જે-તે વિસ્તારને ધ્યાનમાં રાખીને વિશેષ ટેગ આપવામાં આવે છે. આ ટેગ દ્વારા જે-તે વસ્તુ અથવા ઉત્પાદન કે કળાને ભૌગોલિક અધિકારો મળે છે. આ ટેગ ધરાવતી વસ્તુઓનો બીજી જગ્યાએ ઉત્પાદન કે ઉછેર કરવા માટે કાયદેસર મંજૂરી લેવી પડે છે.
કોઈ પણ દેશની વિશેષ ચીજ-વસ્તુઓ પછી એ ખાદ્ય ચીજવસ્તુ હોય કે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી અન્ય વસ્તુ. કોઈ પણ ક્ષેત્રની વિશેષતા દર્શાવતી ચીજ વસ્તુઓ કે જેને પ્રાદેશિકથી ઉપર ઉઠી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે એક ચિન્હ આપવામાં આવે છે. જેને જિયોગ્રાફીકલ ઈન્ડેક્સ ટેગ- જીઆઈ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં એવી ઘણી પ્રકારની ચીજવસ્તુઓ છે જે માત્રને માત્ર ભારતના અમુક પ્રદેશમાં જ ઉત્પાદિત થાય છે. જેમ કે, દાર્જિલિંગ ચા, બાસમતી ચોખા, પાષ્મીના શાલ, પાટણનાં પટોળા વગેરે… કે છે કે અન્ય કોઈપણ દેશમાં ઉત્પાદિત કે જોવા મળતા નથી. વિશિષ્ટ લાયકાત અને પોતાની અનન્ય એવી વસ્તુને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એક અલગ ઓળખ મળે તે માટે ભારત હાલ આવી ચીજવસ્તુઓને જીઆઈ ટેગ આપવા પર વધુ ભાર મૂકી રહ્યું છે.
GI ટેગ કોણ આપે છે?
ભારતની સંસદે વર્ષ 1999માં નોંધણી અને સંરક્ષણ અધિનિયમ હેઠળ સામાનના ભૌગોલિક સંકેતો લાગુ કર્યા હતા. જીઆઈ ટેગની શરૂઆત 2003માં થઈ છે. 2004માં પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચાને પહેલીવાર GI ટેગ આપવામાં આવ્યું હતું.
GI ટેગથી શું ફાયદો થાય?
GI ટેગ દ્વારા ઉત્પાદનોને કાનૂની રક્ષણ મળે છે. એટલે કે સમાન નામ સાથે અન્ય કોઈ ઉત્પાદન બજારમાં લાવી શકાતું નથી. આ સાથે GI ટેગ ઉત્પાદનની સારી ગુણવત્તાનું માપદંડ પણ છે, જેના કારણે તે ઉત્પાદનનું બજાર દેશ તેમજ વિદેશમાં સરળતાથી મળી જાય છે. GI ટેગ દ્વારા તે ઉત્પાદન માટે રોજગારથી આવક વધારવાના દરવાજા ખુલે છે.
જી.આઈ. ટેગ પ્રાપ્ત ચીજ વસ્તુઓના ડુપ્લિકેશન પર રોક લાગે છે
GI ટેગથી પ્રાદેશિક ઉત્પાદનોને કાનૂની સુરક્ષા મળે છે
ગ્રાહકોને વધુ ગુણવતભેર સુવિધા આપી તેમનો સંતોષ વધારવા માટે સુનિશ્ચિત કરે છે
જીઆઈ ટેગથી કોઈ પણ ચીજ વસ્તુની ગુણવત્તા નક્કી થઈ જાય છે
ગુણવત્તાના માપદંડ નક્કી થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણનો માર્ગ મોકળો થાય છે
આ ક્ષેત્રમાં ઉત્પાદકો અને રોજગાર નિર્માણની આવકમાં વધારો થયો છે.
GI ટેગથી નિકાસમાં પણ વધારો થાય છે
ઉત્પાદન એકમ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ખેડૂતોને મોટો ફાયદો થાય છે
GI ટેગ મેળવવાની પ્રક્રિયા
ઉત્પાદન માટે GI TAG મેળવવા સૌ પ્રથમ વ્યક્તિએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. કોઈપણ વ્યક્તિગત ઉત્પાદક અથવા સંસ્થા ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્કસ (CGPDTM) ને GI ટેગ માટે અરજી કરી શકે છે.
પુરાવાના આધારે CGPDTM તે ઉત્પાદનના યોગ્ય ધોરણોનું પરીક્ષણ કરે છે. આ ઉત્પાદન ધોરણોને પૂર્ણ કરે તો તેને GI ટેગ આપવામાં આવે છે.
10 વર્ષે રિન્યુ કરાવવું પડે છે
GI ટેગ માત્ર 10 વર્ષ માટે ઉપલબ્ધ છે. પછીથી તેને રિન્યૂ કરવુ પડે છે. GI ટેગ મળવાથી પ્રોડક્ટની કિંમત અને તેની સાથે જોડાયેલા લોકોનું મહત્વ વધે છે. નકલી ઉત્પાદનોને રોકવામાં મદદ કરે છે. તેના સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ મળે છે.
300 થી વધુ ઉત્પાદનોને GI ટેગ અપાયા છે
હાલમાં દેશમાં 300 થી વધુ ઉત્પાદનોને GI ટેગ મળ્યો છે. તેમાં કાશ્મીરની કેસર અને પશ્મિના શાલ, નાગપુરની નારંગી, બંગાળી રસગુલ્લા, બનારસી સાડી, તિરુપતિના લાડુ, રતલામની સેવ, બિકાનેરી ભુજિયા, અલબાગની સફેદ ડુંગળી, ભાગલપુરની જરદાલુ કેરી, મહોબા પાન વગેરેનો સમાવેશ થાય છે.