પોરબંદરમાં એનિમલ હેલ્પલાઇન સેવા ૧૯૬૨ અત્યાર સુધી ૯૪ ગામ સુધી સિમીત હતી,જે હવે બરડા ડુંગર સહીત ૧૩૮ ગામ સુધી વિસ્તરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકાર અને ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત પ્રયાસથી “૧૯૬૨-એનિમલ હેલ્પલાઇન” સેવા ચલાવવામાં આવે છે.આ સેવા હેઠળ જિલ્લામાં ૯૪ ગામના લોકોને આ સેવાનો લાભ મળતો હતો. જેમાં નવા ગામો ઉમેરવાથી હવે ૧૩૮ ગામ સુધી ફરતું પશુ દવાખાનું પહોંચ્યું છે,જેમાં બરડા ડુંગરથી લઈને નેશના ગામોનો સમાવેશ થતા સ્થાનિકો માં ખુશીની લાગણી જોવા મળે છે. અને ઉત્સાહપુર્વક લોકો દ્વારા જી.વી.કે.ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસની પહેલને આવકારવામાં આવી છે.
પ્રોગ્રામ મેનેજર ડો.મોહમ્મદ સોયબખાન અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચંદ્રવીરસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જિલ્લાના દરેક ગામ સુધી ફરતુ પશુ દવાખાનું પહોંચાડવાનું લક્ષ્ય છે. જિલ્લામાં ૮ મોબાઇલ વેટરનરી યુનિટ્સ કાર્યરત છે. દરેક મોબાઇલ યુનિટમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ કમ ડ્રેસર હાજર રહે છે. આ યુનિટ્સ તમામ જરૂરી દવાઓ અને સાધનોથી સજ્જ છે. નિર્ધારિત રૂટ અને ઇમરજન્સી કેસ મુજબ સેવા આપવામાં આવે છે. જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે, જે બિનવારસી પશુ-પક્ષીઓની સારવાર કરે છે. કરૂણા એમ્બ્યુલન્સ સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી અને મોબાઇલ વેટરનરી યુનિટ્સ સવારે ૮થી સાંજે ૫વાગ્યા સુધી સેવા આપે છે.

