પોરબંદર માં અખાત્રીજે સોનાની ખરીદી માં ગત વર્ષ ની સરખામણી એ ૭૫ ટકા થી વધુ નો ઘટાડો નોંધાયો છે.
અક્ષય તૃતીયા દિવસ એટલે નવી શરૂઆત માટે વણજોયા મુહર્તોનો સારામાં સારો દિવસ.આ દિવસે સોનાની ખરીદી માટે પણ ઉત્તમ માનવામાં આવે છે ત્યારે પોરબંદર ની સોની બજાર માં સામાન્ય ઘરાકી જોવા મળી હતી. સોનાના ઊંચા ભાવ ના કારણે નવી ખરીદી ઓછી જોવા મળી હતી. અને નવી ખરીદી માં પણ લાઈટ વેઇટ ઘરેણા નું જ વેચાણ જોવા મળતું હતું. અનેક પરિવારો માં આગામી સમય માં લગ્ન સહિતના પ્રસંગો હોવાથી આમ પણ ખરીદી કરવાની હોવાથી આજના પવિત્ર દિવસે ખરીદી કરી હતી. તો કેટલાક લોકો એ શુકન સાચવવા સામાન્ય ખરીદી કરી હતી. સોનાના ઊંચા ભાવ ના લીધે અમુક શોરૂમ માં તો બપોર સુધી બોણી પણ થઇ ન હતી.
સોની વેપારી મહામંડળ ના પ્રમુખ જયંતભાઈ નાંઢા એ જણાવ્યું હતું કે અખાત્રીજ ના દિવસે પણ સોની બજાર સુમસામ જોવા મળી છે. ગયા વર્ષ ની સરખામણી એ સોનાના વેચાણ માં ૭૫ ટકા થી વધુ નો ઘટાડો નોંધાયો છે. ખાસ કરી ને સોનાના ઊંચા ભાવ ઉપરાંત મત્સ્યોદ્યોગ માં મંદી ની અસર સોની બજાર પર પણ પડી છે. અગાઉ મત્સ્યોદ્યોગ ધમધમતો હતો ત્યારે કોઈ પણ તહેવાર હોઈ કે ગુરુ પુષ્યામૃત યોગ કે ધનતેરસ ના દિવસે સોનાના દાગીના નું સારું એવું વેચાણ થતું હતું. પરંતુ હવે લોકો શુકન સાચવવા સામાન્ય ખરીદી કરી રહ્યા છે. એ સિવાય ખેડૂતો ની પણ કોઈ ખાસ ખરીદી જોવા મળી ન હતી. જેના લીધે અખાત્રીજે પણ સોની બજાર માં મંદી ના મોજા ઉછળ્યા હતા.