પોરબંદર ખાતે સ્વ. કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત જી.એમ.સી. સ્કૂલનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયુ હતુ.
જી.એમ.સી. ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ છેલ્લા આઠ વર્ષથી પોરબંદર ખાતે ગુણવતાયુકત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે કાર્ય કરી રહી છે. જેમાં હાલ કે.જી. તેમજ ધોરણ ૧ થી ૧૦ તથા ધોરણ ૧૧-૧૨(સાયન્સ, કોમર્સ તેમજ આર્ટસ)ના વર્ગો સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે .
શાળા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની પ્રતિભાને મંચ આપવા તેમજ વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને ઇત્તર પ્રવૃત્તિઓ માટે વાર્ષિક ઉત્સવના માધ્યમથી પ્રોત્સાહિત તેમજ સન્માનિત કરવામાં આવે છે અને જી.એમ.સી. સ્કૂલનો વાર્ષિક ઉત્સવ પોરબંદરવાસીઓ તેમજ વાલીગણ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. આ વર્ષે યોજાયેલા વાર્ષિક ઉત્સવે વિદ્યાર્થીઓના શિક્ષકો દ્વારા મૌલિક રીતે ‘કેલીડોસ્કોપ’ના થીમથી તૈયાર કરવામાં આવેલો હતો.
વાર્ષિક ઉત્સવની શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ શાળા ટ્રસ્ટમંડળના ટ્રસ્ટીઓ દ્વારા માં સરસ્વતી દેવીની પ્રતિમા સમક્ષ દીપ પ્રજવલીત કરી આ રંગારંગ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે આમંત્રિત મહેમાનો અને આગેવાનોનું સંસ્થાની પરંપરા મુજબ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ સંસ્થાના પ્રિન્સીપાલ પ્રતાપભાઈ ઓડેદરાએ ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કર્યુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં જી.એમ.સી. સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભગવાન ગણેશની સ્તુતિથી કરી હતી અને ત્યારબાદ કે.જી.થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટેજ કાર્યક્રમો રજૂ કરી હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ વાર્ષિક ઉત્સવ માટે ખાસ જામનગરથી શિક્ષણવિદ અને પર્યાવરણવાદી એકતાબા સોઢા વિશેષ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ એકાગ્રભાવે નિહાળ્યો હતો. આ તકે તેમના પ્રાસંગિક વકતવ્યમાં સ્ટેજ કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા સાથે તેઓએ જણાવેલ કે કોઇપણ સ્કૂલનો મુખ્ય આધાર શાળાની ભૌતિક સુવિધાઓ સાથે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓના માતાપિતા અને મેનેજમેન્ટ પર રહેલો હોય છે અને આ મજબુત આધાર પર નિર્મિત વિદ્યાર્થીરૂપ બિલ્ડીંગ ગગનચુંબી બની રહે છે. જી.એમ.સી. સ્કૂલ પોરબંદર ખાતે સર્વગુણ સંપન્નના ભાગરૂપે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પાયારૂપ કાર્ય કરી । રહી છે. એ બદલ સંસ્થાના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેઓએ જણાવેલું કે વિદ્યાર્થી જીવનથી જ બાળકોમાં પર્યાવરણની જાળવણીના બીજ રોપવાથી આગામી સમયમાં સમગ્ર વિસ્તારની ઇકો સીસ્ટમ ઘટાદાર વૃક્ષની જેમ વિકસીત બનશે અને વાતાવરણને ખૂબજ સ્વસ્થ રાખશે તેથી હાજર સૌને પર્યાવરણની જાળવણી માટે આહવાન કરેલ હતુ.
જી.એમ.સી. સ્કૂલના ચેરમેન વિમલજીભાઈ ઓડેદરા, શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ખાસ યુ.કે.થી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ વાર્ષિક ઉત્સવના આયોજન માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેઓએ પોતાના વકતવ્યમાં ખૂબ આનંદ સાથે જણાવેલ કે જી.એમ.સી. ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ છેલ્લા આઠ વર્ષથી ખૂબ સરસ રીતે ચાલી રહી છે.