ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ઓદ્યોગિક દ્રષ્ટિએ પછાત છે. અને પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહી હોવાથી આર્થિક મંદી જોવા મળી રહી છે. ત્યારે વર્ષો જુના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી સાથે પોરબંદર જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસો ના હોદેદારોએ રાજકોટ ખાતે યોજાયેલ બેઠકમાં ઉદ્યોગમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને અને સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના પ્રશ્નો અંગેનું ઓપન હાઉસ યોજવામાં આવ્યું હતું,જેમાં પોરબંદર જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસો ના ચેરમેન પુંજાભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ જીણુંભાઈ દયાતર અને સેક્રેટરી ધીરૂભાઈ કક્કડે વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને પોરબંદરના ઉદ્યોગ ગૃહોના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે વિગતવાર આવેદનપત્ર પાઠવીને તેના નિરાકરણ માટે વ્યવસ્થિત આયોજન થાય તેવી માંગ કરવામાં આવી હતી. તેમાં પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલા ઉદ્યોગગૃહોના જુદાજુદા પડતર પ્રશ્નોનું નિરાકરણ વહેલીતકે આવે તેવી માંગ કરી હતી.
પોરબંદર જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોના પ્રમુખ અને સેક્રેટરીએ રાજકોટ ખાતે ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં પોરબંદરના ઉદ્યોગોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પોરબંદર વસાહતમાં નિગમ દ્વારા નવી જમીન ખાલી કરાવવામાં આવેલ છે. તે જમીન,એલોટમેન્ટ કીમતે ફાળવણી કરવા અમારી રજૂઆત છે. અને મોટાઉદ્યોગોને આ જમીન આપવામાં આવે તો તેની નીચે ઘણા બીજા યુનિટ નભી શકે અને વધુ ને વધુ રોજગારીનું સર્જન થઈ શકે તેમ છે. કારણ કે આ વસાહતમાં કુલ ૬૦૦ પ્લોટ એમ.એસ.એમ.ઈ છે, જે પેટે ૩૦૦ બંધ હાલતમાં છે તેથી મોટા ઉદ્યોગની જ આ વિસ્તારમાં જરૂર છે અને નિગમને પણ ડેવલોપીંગ ચાર્જ ઓછો ખર્ચવો પડે તેવું બની શકશે.
પોરબંદર જી.આઈ.ડી.સી ઇન્ડ. વેલ્ફ એસોસિએશન દ્વારા નિગમની નીતિ અનુસાર ટોકન દરે જગ્યાની માંગણી ઘણા સમયપૂર્વે કરવામાં આવેલ છે પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી તો આ અંગે ઝડપી કાર્યવાહી કરાવવા અપીલ છે.આ મુદો અગાઉ યોજાયેલ તમામ મીટીંગમાં ચર્ચાયેલ છે.
પોરબંદર વસાહતમાં ચાલુ યુનિટોની પાછળના ભાગમાં નિગમની ખાલી ફાજલ જગ્યા પડેલી છે જે કોઈને ઉપયોગી નથી અને એમની એમ પડી રહેવાથી દબાણ થવાની પણ સંભાવના રહેલ છે તેથી તે જમીન એલોટમેન્ટ કિમતે જે તે ઉદ્યોગકારોને ફાળવવામાં આવે તો નિગમને આવક ઉભી થશે અને ઉદ્યોગકારો પોતાના યુનિટનો વિશ્વાસ કરી શકશે.
હાલ સબ ડીવીઝન, એકત્રીકરણ સબ લેટીંગની પોલીસી માં બધુ બાંધકામ નિયમિત હોય તો જ મંજુરી આપવામાં આવે છે તે પોલીસીમાં થોડું સરળીકરણ કરી તબદીલીની નીતિની જેમ કરી આપવામાં આવે તો ઉદ્યોગકારોને થોડી રાહત થઈ શકે તેમ છે.
જુનાગઢ રીજીયનમાં બધા જ અધિકારીઓ પ્રાદેશિક મેનેજર આસીસ્ટન્ટ મેનેજર એકાઉન્ટ ઓફિસર,સર્વયેર ચાર્જમાં હોય કાયમી અધિકારી મુકવા અમારી રજૂઆત છે,હાલ લીઝડીડ કરાવતી વખતે સબ રજીસ્ટ્રાર દ્વારા આગાઉ તબદીલ થયેલ બધા જ ફેરફારો પર સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું કહેવામાં આવે છે તે અંગે ઉદ્યોગકારો પરેશાન છે તે અંગે સરકાર સાથે પરામર્શ કરી સ્પષ્ટતા કરી ઉદ્યોગકારો હેરાન ના થાય તે અંગે ઘટતું કરવા વિનંતી છે.
૭% સર્વિસ ચાર્જની રકમ મનધડત રીતે નક્કી કરવામાં આવે છે. અમારા વસાહતમાં આ વર્ષે અંદાજે ૪૦ લાખ રૂપિયા જેવી ખોટી રકમ પત્રકમાં દર્શાવેલ છે. નિગમ દ્વારા ઈમ્પેક્ટ પ્લાન મંજુરી અંગે હાલ યોજના અમલમાં છે જે અંગેનું ઓનલાઈન પોર્ટલ ઘણો સમય બંધ રહેલ છે તો આ અંગે આ યોજનાની મુદત વધારી આપવામાં આવે તો ઘણા ઉદ્યોગકારો આ યોજનાનો લાભ લઈ પોતાનું બાંધકામ નિયમિત કરાવી શકે.આ અંગે જી.આઈ.ડી.સી.એસો દ્વારા અગાઉ પણ રજૂઆત કરેલી હતી.તેથીપોરબંદર જી.આઈ.ડી.સી.ના પ્રશ્નોની તાત્કાલિક કાર્યવાહી કરવા અને નિરાકરણ કરવા વિનંતી કરવામાં આવી છે. આમ.પોરબંદરના ઉદ્યોગનગરને લગતા વર્ષો જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોરબંદર જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસો ના પ્રમુખ જીણુંભાઈ દયાતર અને સેક્રેટરી ધીરૂભાઈ કક્કડ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
