માગશર સુદ એકાદશી ગીતા જયંતિ તરીકે ઉજવાય છે.
શ્રીમદ્ ભગવત ગીતા એ માત્ર સનાતન હિંદુ ધર્મનો જ ગ્રંથ નથી પરંતુ વૈશ્વિક સામાજિક,ધાર્મિક અને આધ્યાત્મિક જગતનો બિનસાંપ્રદાયિક ગ્રંથ છે.ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના માધ્યમ અને સંવાદ દ્વારા માનવ જાતિને પોતે જ્યાં છે ત્યાંથી પ્રગતિ કરવા માટે, ઉત્થાન કરવા માટે માર્ગદર્શન આપતો આ વૈશ્વિક ગ્રંથ આપેલ છે. શ્રીમદ ભગવદ ગીતા એટલે મેનેજમેન્ટ, શ્રીમદ્ ભગવત ગીતા એટલે કર્મયોગ શાસ્ત્ર. શ્રીમદ્ ભગવત ગીતા ઉપાસનાત્મક જ્ઞાન સાથેનો ભક્તિ યોગ.
સનાતન હિન્દુ ધર્મના વિભિન્ન આચાર્યોએ શ્રીમદ્ ભગવત ગીતા ઉપર પોતાના વિચારોને વ્યક્ત કરીને લોકોને અધ્યાત્મિક માર્ગે પ્રેરણા આપી છે. તેમાં એક પ્રેરકબળ છે તે શ્રીમદ ભગવત ગીતા છે. માણસ જ્યારે કોઈ પણ કારણોથી મૂંઝાય છે, દિશા શૂન્ય બને છે, ઉદાસીન થાય છે, જીવનની અંદર જ્યારે ચારે બાજુ અંધકાર છવાય છે, ત્યારે શ્રીમદ ભગવદ ગીતા એક દેવાદાંડીરૂપ પ્રકાશ પાથરી,માનવની આંગળી પકડી,પીઠ થાબડી, પ્રોત્સાહન આપી, ગતિ અને પ્રગતિના માર્ગમાં આગળ ધપાવે છે. માર્ગદર્શન આપે છે. તેને ઉત્સાહિત કરે છે.
જે સંદર્ભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સી.બી.એસ.સી. સ્કૂલમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષામાં નૃત્ય તથા ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગીતાજીના ગ્રંથ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.બાળકો માટે ગીતાજી પર કવીઝ રજૂ કરવામાં આવી હતી. અંતમાં શાળાના પ્રિન્સિપાલ દ્વારા ગીતાજીના પાઠો દરરોજ કરવા જોઈએ તથા ગીતાજીમાં માનવ જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ હોઈ, દરેકે ગીતાજીની દરરોજ પૂજા તથા પઠન કરવું જોઈએ.તેવી સમજણ આપવામાં આવી હતી.