પોરબંદરની યુવતીની વર્લ્ડ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલીસ્ટ તરીકે નિમણુંક થઇ છે. અને ઓસ્ટ્રિયા ખાતે પોસ્ટીંગ થતા મહેર સમાજના અગ્રણીઓ સહિત શહેરીજનો એ તેને બિરદાવી છે.
પોરબંદરની મહિલા ગોઢાણીયા કોલેજના સીનીયર પ્રોફેસર રણમલભાઈ મોઢવાડિયાની ભાણેજ હિરલબેન રામભાઈ કેશવાલાએ તાજેતરમાં વર્લ્ડ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલીસ્ટ તરીકે નિમણુંક પામી છે. અને મહેર જ્ઞાતિની પ્રથમ દિકરી છે કે જેણે વર્લ્ડ બેંકમાં નોકરી મેળવી છે,તેમણે વાર્ષિક એક કરોડ વીસ લાખ રૂપિયાના પેકેજથી આ નોકરી સ્વીકારી છે. અને તેની નિમણુંક યુરોપના ઓસ્ટ્રિયા દેશમાં થશે.
હિરલ વિદ્યાર્થીકાળથી જ પોતાની પ્રતિભા સિદ્ધ કરી બતાવતી આવી છે, તેણે ધો.૧૦ માં જીલ્લામાં દ્રિતીય અને મહેર જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ધો.૧૨ સાયન્સમાં જીલ્લામાં ત્રીજા ક્રમે અને મહેર જ્ઞાતિમાં પ્રથમ ક્રમે આવી હતી, ધો.૧૨ પછી નીટમાં યુનીવર્સીટીમાં બી.ટેકનો અભ્યાસ કર્યા બાદ ત્રણ વર્ષ ગોલ્ડમેન કંપની,માં ફરજ બજાવી હતી. ત્યારપછી યુરોપની વિશ્વ પ્રસિદ્ધ પેરીસમાં આવેલી પ્રખ્યાત “હેક બીઝનેસ સ્કુલ” માં એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી લંડનની સીટી બેંકમાં વાર્ષિક એક કરોડ દસ લાખના પેકેજ સાથેની નોકરી સ્વીકારી હતી અને ત્યાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસીડન્ટ તરીકે ફરજ બજાવ્યા બાદ હવે તેની નિમણુંક ઓસ્ટ્રિયા ખાતે વર્લ્ડ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલીસ્ટ તરીકે થતા તેની આ સફળતા બદલ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત મહેર સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. અને વધુ શ્રેષ્ઠતમ કારકિર્દી બનાવે તેવી શુભેરછા આપી હતી.