કુતિયાણાની આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ કંપનીની બ્રાન્ચમાં મેનેજર અને વેલ્યુઅર દ્વારા છેતરપીંડી કરીને ખોટું સોનું જમા કરાવી ગ્રાહકોની જાણ બહાર ગોલ્ડ લોન મંજુર કરી રૂપિયા અંગત ઉપયોગમાં લઇ રૂપિયા ૧૨ લાખ ૬૦ હજારથી વધુની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પોરબંદરના વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા અને આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ કંપનીના ટેરેટરી મેનેજર તરીકે નોકરી કરતા પરાગ પ્રવીણભાઈ લાલચેતા(ઉવ ૪૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે છેલ્લા ૧૧ વર્ષથી આ કંપનીમાં નોકરી કરે છે. અને કંપની સોના સામે લોન આપવાનું કામ કરે છે. તથા પોરબંદર જીલ્લા નજીક ૧૦ બ્રાન્ચ આવેલી છે.
જેમાં કુતિયાણા ખાતેની બ્રાન્ચમાં છેલ્લા ૭ મહિનાથી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા અને હનુમાનગઢ વાડી વિસ્તારમાં શિવ હોટેલ પાસે રહેતા કારૂ લીલાભાઈ ગોઢાણીયા અને આસિ. વેલ્યુઅર તરીકે દોઢ વર્ષથી નીમણુંક થઇ છે તેવા કુતિયાણાના રામ સરમણ ઓડેદરાએ તેમની નીચે કામ કરતા માણસોને નવા ગ્રાહક શોધી તેની લોન કરાવવાનું કામ કરવાનું થાય છે. અને કોઈ પણ ગોલ્ડ લોન આપતા પહેલા આ બંન્નેએ ગ્રાહક જે સોનું જમા કરાવે તેની ખરાઈ કર્યા બાદ લોન મંજુર કરવાની હોય છે.
તા. ૧૭/૧૦ ના એ બંન્ને હાજર હતા ત્યારે બ્રાન્ચમાં ઓડીટ મેનેજર મૌનિક ગોયાણી વિઝિટમાં આવ્યા હતા અને ઓડીટ દરમ્યાન ગોલ્ડ પેકેટ કાઉન્ટીંગ સમયે ૩-૪ પેકેટ શંકાસ્પદ જણાતા એવું જાણવા મળ્યું હતું કે નકલી સોનું અમુક ગ્રાહકોએ ગીરો મુકેલ છે. જેમાં ભેટારીયા સતીષકુમારે એક નેકલેસ, મોઢવાડીયા નાગાજણ અરશીએ એક નેકલેસ અને એક મંગલસુત્ર, રાણા અજયસિંહ કાનાસિંહે એક નેકલેસ અને એક મંગલસૂત્ર અને ભેટારીયા સતીષકુમારે એક ચેન ગીરવે મુકયો હોવાનું ફરીયાદમાં જણાવ્યું હતું,
વધુમાં ફરીયાદી પરાગ લાલચેતાએ એવું જણાવ્યું છે કે, ઉપરોકત બધી લોન ટોટલ રકમ રૂા. ૮,૪૪,૫૦૩/- ની કીંમતનું ખોટું સોનું ગીરો મુકેલ છે. અને ઓડીટ દરમ્યાન હકીકત જણાય આવેલ છે. ઉપરોકત બધી લોન બ્રાન્ચ સ્ટાફ કારુ ગોઢાણીયા બ્રાન્ચ મેનેજર અને રામ ઓડેદરા આસિ. વેલ્યુઅર ના અધીકાર હેઠળ થયેલ છે. આ બંન્નેએ ઉપર મુજબના ગ્રાહકો નામે ખોટું સોનું શાખામાં મુકેલ છે. તેની જાણ અને પ્રાથમિક તપાસ એરીયાના ટેરીટરી મેનેજર તરીકે પરાગભાઈ ફરજ બજાવતા હોય જેથી તેઓને મૌનિક ગોરાણીયાએ તા. ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના જાણ કરેલ હતી. અને બ્રાન્ચમાં હાલ ઓડીટની તપાસ હજુ ચાલુ છે.
આંતરીક તપાસ દરમ્યાન ઉપરના ગ્રાહકોની પુછપરછ કરતા તેઓએ બ્રાન્ચમાંથી આવી કોઈ ગોલ્ડ લીધેલ નથી. તેમ જણાવેલ હતું અને કુતિયાણા બ્રાન્ચના મેનેજર કારૂ ગોઢાણીયા અને તેની નીચે કામ કરતા રામભાઈ સરમણભાઈ ઓડેદરાએ કુતીયાણા બ્રાન્ચમાં ખોટા દાગીનાઓ ઉપર ખોટી ગોલ્ડ લોન મંજુર કરેલ છે.
તેમજ બ્રાન્ચના ગ્રાહક ઓડેદરા કરણ અરભમભાઈ રહે. કુતિયાણાવાળાના કહેવા મુજબ તેઓએ આ બ્રાન્ચમાંથી અગાઉ ગોલ્ડ લોન લીધેલ હોય, જેના રૂા. ૩,૦૦,૦૦૦/- ગઇ તા. ૨૨/૦૮/૨૦૨૨ના રોજ ખાતામાં જમા કરાવેલ જે રકમ બ્રાન્ચ મેનેજર કારૂ ગોઢાણીયાએ ખાતામાં જમા કરાવેલ નહી. પરંતુ પોતાના અંગત ઉપયોગમાં લીધેલ છે અને આ રકમ ગ્રાહકના ખાતામાં જમા થયેલ નથી. તથા ગ્રાહક મોઢવાડીયા નાગાજણ અરશીભાઈ રહે. સિંધપુર વાડી વિસ્તાર, તા. કુતિયાણાવાળાના કહેવા મુજબ પોતાએ અગાઉ લીધેલ ગોલ્ડ લોનના રૂ।.૧,૨૦,૦૦૦/- જમા કરાવેલ હતા. પરંતુ તે પૈસા પણ બ્રાન્ચ મેનેજર કારૂ ગોઢાણીયાએ પોતાના અંગત ઉપયોગમાં લીધેલ છે અને ગ્રાહકના ખાતામાં જમા કરાવેલ નથી.
એ રીતે બ્રાન્ચ મેનેજર તથા તેની નીચે કામ કરતા રામભાઈ ઓડેદરાએ અમારી બ્રાન્ચમાંથી ઉપરોકત ગ્રાહકોના નામે ખોટું સોનું જમા કરાવી રૂ।. ૮,૪૪,૫૦૩/- ની ગોલ્ડ લોન મેળવી પોતાના અંગત ઉપયોગમાં લઇ તેમજ બ્રાન્ચના ગ્રાહક ઓડેદરા કરણ અરભમભાઈ રહે. કુતીયાણા તથા મોઢવાડીયા નાગાજણ અરશીભાઇ રહે. સિંધપુર વાડી વિસ્તાર, કુતિયાણાના લોનના રૂપિયા ગ્રાહકના ખાતામાં જમાા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં લઇ પોતાના અધિકારનો ખોટી રીતે ઉપયોગ કરી બ્રાન્ચ તથા ગ્રાહકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી કંપનીના ગ્રાહકો અને કંપનીની ઈમેજને નુકશાન કરેલ છે.
જેથી બ્રાન્ચના મેનેજર કારૂ ગોઢાણીયા અને રામભાઈ ઓડેદરા વિરૂધ્ધ તથા પોલીસ તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે એફ.આઇ. આર. નોંધાઇ છે.