પોરબંદરમાં હોલીડે હર્ટઝ કંપનીમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી રૂા. ૬૦ લાખથી વધુની છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહત્વની બાબત એ છે કે પંજાબના મોહાલી ખાતે કાર્યરત કંપનીના સંચાલકોએ બગોદરા હાઇવે પર પ્લોટની સ્કીમમાં લાભ થશે તેમ જણાવી અનેકને બોટલમાં ઉતાર્યા હોવાનું બહાર આવ્યુ છે.
પોરબંદરમાં કડીયાપ્લોટમાં આવેલા કિશોર જીન પાસે રહેતા અને છાયાચોકી પાસે શ્રધ્ધા હેલ્થકેર નામનું આયુર્વેદિક મેડિકલ સ્ટોર ચલાવતા મૂળ નાગકાના વતની કરશન હમીરભાઈ રાણાવાયા નામના ૪૪ વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ(ઇન ફાયનાન્સીય અધિનિયમ)એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે જેમાં એવુ જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૦ની સાલમાં પોરબંદરના સુદામામંદિરના એ સમયના પૂજારી એવા તેના મિત્ર હિતેશ રામાવતે વાત કરી હતી કે પંજાબના ચંડીગઢ ખાતેથી તરુણ છાબડા નામનો વ્યક્તિ પોરબંદર આવે છે અને પ્લોટ લેવા હોય તો સારી સ્કીમ આપે છે. પોરબંદરની એક હોટલમાં તે રોકાયો હતો આથી હિતેશ રામાવત દ્વારા તેની મુલાકાત થઇ હતી. તરુણ છાબડાએ એવુ કહ્યુ હતુ કે પંજાબના મોહાલી ખાતે જીરકનગરમાં હોલીડે હર્ટઝ નામની કંપની આવેલી છે જેમાં કંપનીના એમ.ડી. તરીકે શાશા સુભમ અમરીશ ગુપ્તા અને ભાગીદારો મધુ સુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી તથા સંદીપ વેદ પાંડે છે અને એવી સ્કીમ સમજાવી હતી કે અમારી સ્કીમ મુજબ પૈસાનું રોકાણ કરો તો તેની સામે સિકયુરીટી પેટે બગોદરા હાઇવે પાસે આવેલ જગ્યા ડેવલપ થવાની છે. બગોદરા હાઇવે પાસે આવેલ બાલાજી ઉપવન ખાતે રોડ ટચ કંપનીની જગ્યા છે. જેમાં ૧૦૦ ચો.વાર પ્લોટનો સિકયુરીટી પેટે દસ્તાવેજ કરી આપવામાં આવશે અને ૧૫ મહિનાના સમયબાદ પ્લોટના છ લાખની રકમ ઉપર દોઢ ગણી રકમ એટલે કે નવ લાખ રૂપિયા આપવામાં આવશે તેવી લોભામણી સ્કીમ સમજાવવામાં આવી હતી અને આ સ્કીમ ફરીયાદીને પસંદ આવી હતી.
ત્યારપછી ફરીયાદીએ તેના મિત્રો જયેશભાઈ છગનલાલ માંડવીયા, મુકેશભાઈ ગોવિંદભાઈ પોશીયા તથા સમીર લખમણભાઈ વાઢીયા વગેરે સાથે વાત થઇ હતી તેઓએ જણાવ્યુ હતુ કે મિત્ર ગોપાલભાઇ પાણખાણીયા દ્વારા રાજકોટના ધીરુભાઈ સોની મારફતે તરુણ છાબડાની ઓળખ થઇ છે અને પોરબંદરની એક હોટલમાં સ્કીમ સમજાવવા સેમિનાર કર્યો હતો. ત્યાર પછી મધુગુપ્તા સાથે જલારામ કોલોની ખાતે પણ સેમિનાર યોજી ભોજન કરાવી લોભામણી વાતો કરી કંપની ખૂબજ વિશ્વાસુ છે તેમ જણાવ્યુ હતુ. તે સિવાય પણ અલગ-અલગ જગ્યાએ મિટીંગો કરાવીને પહેલા ૨૧૦૦ રૂા. ભરી કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવી, સભ્યો બનાવી ત્યારબાદ તરૂણ છાબડાની સ્કીમ મુજબ બગોદરા હાઇવે પર પ્લોટમાં રોકાણ કરવા માટે પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો હતો.
બીજા દિવસે મિત્ર હિતેશ રામાવત સાથે હોટલમાં તરુણ છાબડાને મળવા ગયો હતો અને આ સ્કીમમાં તમારા પૈસા કયાંય ડુબશે નહીં, તમારા સિવાયના પોરબંદરના અનેક લોકોએ અમારી કંપનીની સ્કીમમાં રોકાણ કર્યુ છે.’ તેમ કહ્યુ હતુ આથી ફરિયાદી બાર લાખ રૂપિયા રોકડા લઇ ગયો હતો જે તરુણ છાબડાને આપ્યા હતા અને સ્કીમ મુજબના બે પ્લોટનો ૩૦ દિવસમાં દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી અને સિકયુરીટી પેટેનું એગ્રીમેન્ટ ૧૫ દિવસમાં ચંડીગઢ ખાતે આવેલી કંપનીની ઓફિસેથી કરી આપવા જણાવ્યુ હતુ.
૧૫ દિવસ બાદ હિતેશ રામાવત કોઈ કામથી ચંડીગઢ ગયો હતો અને ‘તરૂણ છાબડાને આપેલા બાર લાખ પૈકી છ લાખનું એક એગ્રીમેન્ટ થઈ ગયુ છે જે હિતેશ સાથે મોકલાવશે બીજું એગ્રીમેન્ટ અને બંને પ્લોટના દસ્તાવેજ થોડા દિવસોમાં મળી જશે’ તેમ જણાવ્યુ હતુ. હિતેશ રામાવત પોરબંદર આવ્યો ત્યારે એગ્રીમેન્ટ મિત્ર એવા ફરીયાદી કરશન રાણાવાયાને આપતા તેમાં સંદિપ પાંડેની સહીવાળુ નોટરીના સિક્કાવાળુ કોઈ સાક્ષીઓની સહી વગરનું હતુ.
૧૫ દિવસ બાદ તરુણ છાબડાને બીજા એગ્રીમેન્ટ અને બંને દસ્તાવેજો કરી આપવાનું જણાવાતા એક મહિનામાં કરી આપશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી દસ્તાવેજ નહી આપતા ફરિયાદી તેના મિત્રો મુકેશ પોસીયા, સમીર વાઢીયા, જયેશ માંડવીયા અને હરીશગીરી ગોસાઈ સાથે પંજાબના મોહાલી ખાતે આવેલી કંપનીની ઓફિસે ગયા હતા જયાં તરુણ છાબડા હાજર હતો અને બીજા માણસો પણ હતા જેમની તેમણે કંપનીના માલિક અને ભાગીદાર તરીકે ઓળખાણ કરાવી હતી અને ‘તમોએ રોકાણ કરેલ છે તેથી એગ્રીમેન્ટ કરી આપેલ છે.થોડા સમયમાંજ પ્લોટના દસ્તાવેજ કરી આપીશુ તેવો વિશ્વાસ આપ્યો હતો આથી તેઓ પોરબંદર પરત આવી ગયા હતા.
ત્યારબાદ કોરોના મહામારી ફેલાતા ભારતમાં લોકડાઉન થયુ હતુ અને વાહનવ્યવહાર પણ બંધ થઇ ગયો હતો. તરૂણ છાબડા અને શાશા ગુપ્તાના મોબાઇલ બંધ થઇ ગયા હતા.
મે-૨૦૨૪માં આયુર્વેદિક દવાના કામથી ફરિયાદી કરશન હમીરભાઈ રાણાવાયા પંજાબ ગયો હતો અને તપાસ કરતા મોહાલી ખાતેની કંપનીની ઓફિસ પણ બંધ થઇ ગઇ હતી. આથી ભારતના અલગ-અલગ રાજ્યમાં હોલીડે હર્ટઝ નામની ઓફિસ દ્વારા અલગ-અલગ રાજ્યમાં લોભામણી સ્કીમ અંગે મિટીંગ કરી, મોટી રકમ મેળવી દસ્તાવેજ કરી આપતા નહી હોવાનું બહાર આવ્યુ હતુ.
આ શખ્શો સામે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં બે પોલીસ સ્ટેશન ખાતે અને પંજાબના સાદાર પઠાણકોટ પોલીસસ્ટેશનમાં, ઉત્તરકાશી જિલ્લાના બયકોટ પોલીસ સ્ટેશનમાં, દહેરાદુન જિલ્લાના વિકાસનગર પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે છેતરપીંડીના અલગ-અલગ ગુન્હાઓ દાખલ થયાનું જાણવા મળ્યુ હતુ. હોલીડે હર્ટઝ કંપનીમાં કામ કરતા તરુણ છાબડા, શાશા સુભમ, અમરીશકુમાર ગુપ્તા, મધુ શુભમ ગુપ્તા અને સંદિપ વેદ પાંડેએ ફરીયાદી કરશન હમીર રાણાવાયા પાસેથી ૧૨ લાખ રૂપિયા, મિત્રો મુકેશ ગોવિંદ પોશીયા પાસેથી ૧૮ લાખ ૫૦ હજાર રૂપિયા, સમીર વાઢીયા પાસેથી ૧૮ લાખ રૂપિયા, જયેશ છગનલાલ માંડવીયા પાસેથી ૬ લાખ રૂપિયા અને હરીશગીરી ગોસાઇ પાસેથી ૬ લાખ રૂપિયા સહિત કુલ રૂા. ૬૦ લાખ પ૦ હજાર તથા તે સિવાયના અન્ય લોકો પાસેથી પણ રોકડા અને બેન્ક મારફતે પૈસા પડાવ્યા છે તેથી છેતરપીંડીનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.