પોરબંદર ના પાંડાવદર ની યુવતી સહીત ચાર યુવતીઓ સાથે નર્સિંગના કોર્ષમાં એડમીશન અપાવવાના બહાને ૫૬૦૦૦ની છેતરપીંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાંડાવદરની બિલડી સીમમાં રહેતા ખેતીકામ ઉપરાંત ટ્રક ડ્રાઈવિંગ ધંધો કરતા મેરૂભાઈ ઓઘડભાઈ ખુંટી એ બગવદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેની મોટી પુત્રી દક્ષા હાલમાં છાંયાની સ્વામિનારાયણ નર્સિંગ સ્કુલમાં અભ્યાસ કરે છે. તેણે માર્ચ-૨૦૨૩ માં ધો.૧૨ ની પરીક્ષા પાસ કર્યા બાદ નર્સિંગમાં પ્રવેશ મેળવવાનું નક્કી કર્યું હતું, તેથી જામનગર રહેતા તેના જાણીતા મનસુખભાઈ.વી.કણજારીયાને આ બાબતે ફોન પર વાત કરતા તેણે એવું જણાવ્યું હતું કે,જામનગરમાં તેના જાણીતા અલ્પેશ હરિદાસ દેવમુરારીના મોબાઈલ નંબર આપીને તેઓ જામનગરની એમ.પી.શાહ કોલેજમાં એડમીશન અપાવી દેશે.તેના ઘણા ઓળખીતા લોકો આ કોલેજમાં છે.તેમ જણાવતા મેરૂભાઈ ખુંટીએ અલ્પેશને ફોન કરતા ડોક્યુમેન્ટ મોકલી આપવા જણાવ્યું હતું.
આથી મેરૂભાઈ એ પુત્રીના ડોકયુમેન્ટ મોકલી આપતા અલ્પેશે કોલેજમાં ડોકયુમેન્ટ બતાવી દીધા છે અને એડમિશન માટે હા પાડી છે, જેની ૮૨૦૦ ફી ગુગલ પે કરવા જણાવ્યું હતું.ફરીયાદી ગુગલ પે વાપરતા નહી હોવાથી ફરીયાદીના ભત્રીજા મહેશ ભરતભાઈ ખુંટીને ફોન કરીને મનસુખભાઈ કણજારીયાના મોબાઈલ નંબર આપી રૂપિયા મોકલવા કહ્યું હતું, તેથી ભત્રીજા મહેશે ૮૨૦૦ રૂપિયા મોકલી આપ્યા હતા અને અલ્પેશે એવું કહ્યું હતું કે,તમારી પુત્રી દક્ષાનું એડમિશન થઇ ગયું છે અને ઘરે એડમિશન લેટર આવી જશે.
ત્યારબાદ દક્ષાએ તેની બહેનપણી સોનલ વેજાભાઈ બાપોદરાને પોતે એડમિશન મેળવી લીધાની જાણ કરતા તેના એડમિશન માટે પણ અલ્પેશ સાથે વાત કરતા એડમિશન ફી પેટે ૧૧૦૦૦ રૂપિયા માંગતા મોકલી આપ્યા હતા. બન્ને બહેનપણીનો પ્રવેશ નક્કી થયાની જાણ સોનલની હાથીયાણી ગામે રહેતી રેખા નાગાભાઈ મોઢવાડિયાને થતા તેને પણ એડ્મિશન માટે અલ્પેશ સાથે વાત કરતા અલગ- અલગ સમયે ૨૩૦૦૦ રૂપિયા મોકલી દીધા હતા, ત્યારબાદ ફરીયાદીએ રાણાવાવ રહેતા તેના મિત્ર નાથાભાઈ ઓડેદરાને પુત્રીના એડમીશનની વાત કરતા તેની પુત્રી રિદ્ધિએ પણ ૧૨ પાસ કરી લીધું હોવાથી તેણે પણ અલ્પેશ સાથે વાત કરીને ૧૪૦૦૦ રૂપિયા આપ્યા હતા.
તા.૫/૧૨ ના નાથાભાઈએ ફોન કરીને એવું જણાવ્યું હતું કે,રિદ્ધિને ધો.૧૨ માં સાયન્સ હોવાથી તેને જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં રૂબરૂ હાજર થવા અલ્પેશે જણાવ્યું હતું, તેથી નાથાભાઈ જામનગર તેમની પુત્રી સાથે ગયા હતા અને એમ.પી.શાહ કોલેજ ખાતે જતા ત્યાંથી એવું જાણવા મળ્યું હતું કે,અલ્પેશે તેમની સાથે ફ્રોડ કર્યું છે અને ફોન પણ બંધ કરી દીધો છે, ત્યારપછી જેમના રૂપિયા ફસાયા છે તેવા આ લોકોએ અલ્પેશ દેવમુરારી તથા મનસુખ કણજારીયાની શોધખોળ કરી હતી પરંતુ તેઓ હજુ સુધી મળી આવ્યા નહી હોવાથી અંતે તેમની સામે ૫૬૨૦૦ રૂપિયાની છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.