પોરબંદર ના પૂર્વ યોગ કો ઓર્ડીનેટરે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા લાયકાત વગર ના કોઓર્ડીનેટરની નિમણુક કરાઈ હોવાનું જણાવી અહિંસક આંદોલન ની ચીમકી આપી છે.
પોરબંદર જિલ્લાના પૂર્વ યોગ કો-ઓડીનેટર જીવાભાઈ ખુંટી અને અર્જુન નિમાવત સહિતનાઓએ રાજ્ય યોગબોર્ડના ચેરમેન શિશપાલને લેખિત પત્ર પાઠવી જણાવ્યુ છે કે ગુજરાતના ૨૪ જિલ્લાઓમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક યોગમય જિલ્લો બનાવવા અને લોકોના સુખાકારી માટે યોગને ઘર-ઘર સુધી પહોચાડવા કાર્ય કરનાર અને યોગ માટે બે વિશ્વ રેકોર્ડ અપાવનાર જિલ્લા યોગ કો-ઓડીનેટરો ને જવાબદારીમાંથી મુકત કરવામાં આવ્યા હતા.
અને તેની જગ્યાએ અમુક જિલ્લાઓમાં લાયકાત વગરના યોગ કો-ઓડીનેટરને નિમણૂંક આપવામાં આવી હતી. આથી પૂર્વ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરોને થયેલ અન્યાય બાબતે યોગબોર્ડ અને એ.બી. એન્ટરપ્રાઇઝ એજન્સી ઉપરાંત વિવિધ અધિકારીઓ ને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આથી એક માસમા પૂર્વ યોગ કો-ઓર્ડીનેટરો ની ફરી નિમણુંક કરવામાં આવે અને તેઓને ન્યાય મળે અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે.