કાટેલા ગામના દરિયાકાંઠે અનામત જંગલ વિસ્તાર માંથી વન વિભાગે રેતીચોરી ઝડપી લઇ બે શખ્સો પાસે થી રૂ ૧૦ હજાર નો દંડ વસુલ્યો છે.
પોરબંદર ના કુછડી થી મિયાણી સુધી ની દરિયાઈ પટ્ટી પર આવેલ અનામત જંગલ વિસ્તાર માંથી રેતીચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ખાસ કરી ને રાત્રી ના સમયે ડમ્પર સહિતના હેવી વાહનો મારફત રેતીચોરી થતી હોવાનું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ ના માર્ગદર્શન હેઠળ વન વિભાગ ના સ્ટાફે પેટ્રોલીગ દરમ્યાન રાણાવાવ રેન્જની વિસાવાડા રાઉન્ડની કાંટેલા બીટના સર્વે નં. ૩૨૭ વાળા અનામત જંગલ ભાગમાંથી દરીયાઇ રેતીના પ્લાસ્ટીકના બાચકા ભરી લઇ જતા બે શખ્સો ને ઝડપી લીધા હતા. કાટેલા ગામે રહેતા ભરત રૂડા મોરી તથા અરજન રૂડા મોરી ને રેતીચોરી કરતા રંગે હાથ ઝડપી લઇ તેની સામે ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોધી અને ગુના અન્વયે રૂ ૧૦,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.