Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ વખત જણસની હરાજીનો શુભારંભ:પોરબંદર યાર્ડ પણ લાભ પાંચમ થી ધમધમ્યું

કુતિયાણામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે લાભ પાંચમ ના દિવસ થી પ્રથમ વખત જણસની હરાજીનો શુભારંભ થયો હતો તો પોરબંદર નું યાર્ડ પણ લાભ પાંચમ થી ધમધમતું થયું છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણામાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રથમ વખત જણસની હરાજીનો શુભારંભ કરાયો છે. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કુતિયાણાની સ્થાપના વર્ષ ૧૯૮૭ માં ૧૫, ઓક્ટોબરના દિને થઈ હતી. પાછલાં ઘણાં વર્ષોથી સંસ્થા વહીવટદાર હેઠળ રહી છે, પરિણામે ખેડુતો અને વેપારીઓને સ્થાનિક બજાર મળવા પામેલ ન હતું, વેપારીઓને ખેત ઉત્પન્નની ખરીદી માટે ગામડે-ગામડે જવું પડતું હતું. જેથી તેઓને ખર્ચ પણ વધુ થતો હતો. જયારે ખેડુતોને ઘણીવાર ખેત ઉત્પન્નના પ્રમાણમાં હરાજીનાં અભાવે નજીવી કિંમતે ઊપજ આપી દેવાની નોબત આવતી હતી. પરંતુ હવે લાભ પાંચમના દિવસથી અહીં જણસની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો છે.

કુતિયાણા માર્કેટયાર્ડમાં મગફળી, સોયાબીન, જીરૂ, અડદ, મગ, ચણા, ઘઉં વગેરેની ખરીદી વિક્રમ સંવત ૨૦૮૧ નાં લાભપાંચમનાં શુભ દિને શ્રી બાલા હનુમાન આશ્રમ, કુતિયાણાનાં મહંતશ્રી મંગલદાસ બાપુના શુભાર્શિવાદથી કરવામાં આવી છે. જેમાં કુતિયાણા નગરનાં પ્રતિનિધિ તરીકે રાંભીબેન ઓડેદરા, વેપારી મંડળીનાં પ્રમુખ રણમલભાઈ સિસોદીયા, હરેશભાઈ, સામતભાઈ અને ખેડુતોએ પોતાની અણમોલ જણસી સાથે હાજરી આપી હતી. સોયાબીન, મગફળી અને તલ મળીને કૂલ ૬૫૭૪ કિલોની આવક થઈ હતી. લાભાપાંચમ મુહુર્તનાં ઉંચા ભાવેથી વેપારીઓ દ્રારા ખરીદી કરીને માર્કેટની ખરીદીની શુભ શરૂઆત કરાવવામાં આવી છે. તમામ વેપારીભાઈઓએ પણ માર્કેટને સારી રીતે ચલાવવા માટે અને ખેડુતોને સારાભાવ મળે એ માટે પ્રયત્નો કર્યા છે. માર્કેટિંગ યાર્ડ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનાં ભગીરથ પ્રયાસથી યાર્ડ કાર્યરત થતા કુતિયાણાનાં તમામ નગરજનોએ આવકાર આપ્યો છે.

બીજી તરફ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમના દિવસે ૪૦૦૦ કિલો મગફળીના પાકની આવક થઈ હતી. જેના બજાર ભાવની વાત કરવામાં આવે ૨૦ કિલોના મગફળીના ૯૯૦થી ૧૦૩૦ રૂપિયા અને સોયાબીનના ૭૮૦ થી ૮૦૫ રૂપિયા ભાવ રહ્યા હતા.

પોરબંદર જિલ્લામાં મગફળીનો મુખ્ય પાક છે. ખેડૂતોએ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીના પાકનું સૌથી વધુ વાવેતર કર્યું હતું, ત્યારે દિવાળીના વેકેશન બાદ રાબેતા મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ચાલુ થયું છે. લાભ પાંચમના દિવસથી માર્કેટિંગ યાર્ડમાં જણસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે મગફળીના પાકની આવકની વાત કરવામાં આવે તો ૪૦૦૦ કિલો મગફળીના પાકની આવક માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે થઈ હતી. મગફળીના પાકની સાથોસાથ સોયાબીનના પાકની પણ પુષ્કળ આવક લાભ પાંચમના દિવસે થઈ હતી. જેમાં મગફળીના પાકના ૨૦ કિલોના ૯૯૦ રૂપિયાથી ૧૦૩૦ રૂપિયા ભાવ રહ્યા હતા. અને સોયાબીની ૨૮૦૦ કિલોની આવક થઈ હતી. જેના ૨૦ કિલોના ભાવની વાત કરવામાં આવે તો ૭૮૦ થી ૮૦૫ રૂપિયા સુધી ભાવ રહ્યા હતા. આમ લાભ પાંચમના દિવસથી માર્કેટિંગ યાર્ડમાં જણસની ખરીદી ચાલુ થતા મગફળી અને સોયાબીનના પાકની આવક થઈ હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે