કુતિયાણા તાલુકાનાં બાલોચનાં પાટીયા પાસે રોડ ઉપર ૫ વર્ષ પૂર્વે જમાઈ ની હત્યા કરનાર સસરા તથા મદદગારી કરનારને પોરબંદરની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે.
રાણાવાવ ના નાગકા પ્લોટ વિસ્તાર માં રહેતો અને રાજકોટ ના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ની કાર નું ડ્રાઈવિંગ કરતો અલ્પેશ દેવા સોંદરવા (ઉવ ૨૫)નામનો યુવાન ગત તા ૨૫-૩-૧૯ ના રોજ તેનું બાઈક લઇ અને રાણાવાવ થી કુતિયાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોટડા ગામ નજીક એક કારે તેનો પીછો કરી અને પાછળ થી ઠોકર મારી હતી. આથી અલ્પેશ નીચે ફસડાયો હતો. ત્યાર બાદ કારમાં થી બે શખ્શો વિરમ મેપા પાંડાવદરા તથા મનસુખ મુરુ શીંગરખિયા નીચે ઉતર્યા હતા અને અલ્પેશ પર લોખંડ ના પાઈપ અને સળિયા વડે હુમલો કરી તેનું માથું ફાડી નાખ્યું હતું. અને બન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
મૃતક અલ્પેશે છ માસ પહેલા જ તેના પડોશ માં રહેતા વિરમ મેપા ની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.પરંતુ અલ્પેશ એ વિરમ ના ભાઈ નો કૌટુંબિક સાળો થતો હોવાથી તેણે ભાણેજ સાથે જ પ્રેમલગ્ન કર્યા હતા. જે વિરમ ને પસંદ ન હોવાથી તેણે આ કૃત્ય ને અંજામ આપ્યો હોવાનું પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું હતું. જે અંગે મૃતક અલ્પેશ ના ભાઈ એ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ માં પ્રોસીકયુશન તરફે એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટર એ.જે.લીલા દવારા ૪૧ સાહેદોને તપાસવામા આવ્યા હતા. તથા ૭૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષોની દલીલો સાંભળી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.સી. જોષી દવારા વિરમ તથા મનસુખ ને કસુરવાન ઠરાવીને આજીવન કારાવાસની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ. ૧,૦૨,૦૦૦/- નો દંડ ફટકારતો હુકમ કરવામા આવ્યો છે. જે બનાવ માં અન્ય બે આરોપીઓ બાલુ ઉર્ફે બાલો દેવાભાઈ ખરા તથા બાબુ મેપાભાઈ પાંડાવદરા ચાલુ કેસ દરમ્યાન અવસાન પામતા તેઓ સામેનો કેસ એબેટથી ફૈસલ કરવામાં આવ્યો છે.