આદિત્યાણા નજીક ૭ વર્ષ પૂર્વે ૨ ઢેલ નો શિકાર કરવાના કેસમાં રાણાવાવ કોર્ટે પિતા પુત્ર ને ત્રણ વર્ષની સજા ફટકારી છે.
રાણાવાવ ફોરેસ્ટ ના અધિકારીઓ ને ગત તા.૧૨/૭/૨૦૧૭ નાં રોજ આદીત્યાણા બીટના રેવન્યુ વિસ્તારમાં મોરપક્ષીનો શિકાર થઈ રહયો હોવાની બાતમી મળતા વન વિભાગ ની ટીમે આદીત્યાણા થી આગળ જતા ખોડીયાર માતાજીના મંદિર નજીક ના વિસ્તારમાં જઈ તપાસ કરતા ટાટા માઈન્સની ઓરડીઓ તરફ પહોંચ્યા હતા જ્યાં રહેતા રામા જેઠા લાડક ના ઘરે મહેમાન આવ્યા હોવાથી તેના ઘરે જ બે ઢેલ નો શિકાર કરી અને તેને રાંધવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે જ વન વિભાગ ની ટીમ ત્રાટકી હતી આથી રામા જેઠા લાડક(ઉવ ૨૪) અને તેના પિતા જેઠા આલુ લાડક (ઉવ ૫૪) નામના બે શખ્સો ને ઢેલ ના માંસ સાથે વન વિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. જયારે મહેમાન તરીકે આવેલ રાણપર ગામ ના બે શખ્સો ત્યાંથી નાસી જવામાં સફળ નીવડ્યા હતા.
તેની ઓરડીમાં વન વિભાગે તપાસ કરતા એક ડબ્બાની અંદર કાચુ માંસ ટુકડા કરેલી હાલતમાં મળ્યું હતુ, જેનુ વજન ૨.૬૦૦ કિગ્રા જેટલુ હતુ. અને તપેલાની અંદર રંધાતા માંસનું વજન અંદાજે ૪૫૦ ગ્રામ જેટલુ હતુ અને તે માંસ રાષ્ટ્રીય પક્ષી મોર (માદા)નું હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. જેથી બંને આરોપીઓ વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ-૭, ૧૪, ૧૬(બી), ૩૬, ૯, ૩૯(ડી), ૫૦, ૫૧, પર અને ૧૧ મુજબનો ગુનો નોંધાયો હતો જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ,અધિકારીઓના પુરાવાને આધારે આરોપીઓ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરેલ હોવાનું સાબિત માન્યું હતું અને આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર જે. એલ.ઓડેદરાની દલીલનાં આધારે આરોપીઓને ભારતીય વન અધિનિયમની જોગવાઈ તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવતો ચુકાદો જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ દ્વારા આપવામાં આવ્યો છે.